રૂ.1500ની ઉઘરાણીમાં કુટુંબી મામા સહિતના શખ્સોના તોડફોડ કરી માતા અને બે પુત્રોને માર માર્યો
રાજકોટના ભાગોળે આવેલા લોધીકા તાલુકાના પાંભર ઇટાડા ગામના યુવાને પોતાના કુટુંબી મામાને હાથ ઉછીના આપેલા રૂ.1500 પરત માંગતા નશાની હાલતમાં ધૂત કુટુંબી મામાં સહિતના શખ્સોએ ઘરે જઈ તોડફોડ કરી માતા અને બે પુત્રોને માર માર્યાના આક્ષેપ સાથે અત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાંભર ઇટાડા ગામમાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા તુષાર દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.23), તેના ભાઈ કેતન રાઠોડ (ઉ.વ.20) અને માતા ભાવનાબેન રાઠોડ પર યુવાનના કુટુંબી મામા જીવણ સહિતના શખ્સોએ માર માર્યો હોવાના આક્ષેપ કર્યો હતો.
આ અંગે તુષાર રાઠોડના જણાવ્યા મુજબ તેના પિતા દિનેશભાઈએ જીવણને કટકે કટકે રૂ.1500 હાથ ઉછીના આપ્યા હતા. જે પરત માંગતા નશામા ધૂત જીવણ માથાકૂટ કરવા પોતાના સાગરીતોને લઈ તુષારના ઘરે પહોચ્યો હતો. જ્યાં વાહનમાં તોડફોડ કરી માતા અને બે પુત્રો પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે.તો સામાપક્ષે પણ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા સુરેશભાઈ શામજીભાઈ સોનારા (ઉ.વ.45) પર પાંભર ઇટાડાના હિતેશ અને ચેતન સહિતના શખ્સોએ ધારિયા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.