પિતાએ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ભણવાની ના પાડતા પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ
અબતક રાજકોટ
લોધિકાના મોટાવડામાં યુવતીએ એસિડ પીધું રાજકોટ જિલ્લાના લોધિકાની મોટાવડા ગામે રહેતી 20 વર્ષીય યુવતીએ ગત રાત્રે પોતાના ઘરે એસિડ પી લેતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં બે બહેન એક ભાઈમાં મોટી યુવતી રાજકોટની મહિલા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નાની બહેન કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને નાનો ભાઈ ધો.11માં અભ્યાસ કરે છે. કડિયા કામ કરતાં પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોઈ, યુવતીને અભ્યાસ છોડી દેવાનું કહેતાં લાગી આવતાં મોડી રાત્રે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકામાં રહેતી દિવ્યા પ્રવીણભાઈ બગડા નામની 20 વર્ષીય યુવતીએ પોતાના ઘરે એસિડ ગટગટાવી લેતાં તેણીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં લોધીકા પોલીસ મથકનો કાફલો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક પૂછતાછમાં યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના પિતા પ્રવીણભાઈ કડિયા કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. દિવ્યા સિવાય અન્ય બે સંતાનો પણ અભ્યાસ કરતા હોય અને આર્થિક ભીંસ નબળી થઈ જતાં પિતાએ દિવ્યાને ભણતર છોડવા બાબતે કહ્યું હતું. જેના કારણે દિવ્યાએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.