પીજીવીસીએલએ વીજળીની સપ્લાય ઉપર વધુ ભાર મુક્યો, ગ્રાઉન્ડ સ્ટાફ ખડેપગે: લોકો ઘરમાં રહીને લોકડાઉનને અનુસરે, લોકોને મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ સતત કાર્યશીલ: મુખ્ય ઈજનેર જે.જે. ગાંધી
હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ સપ્લાય કરતી પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા ઘરમાં પુરાયેલા લોકો માટે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. આ માટે ગ્રાઉન્ડ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. કોઈપણ ગ્રાહકને વીજ વિક્ષેપ ન પડે તે માટે પીજીવીસીએલ સતત કાર્યશીલ હોવાનું મુખ્ય ઈજનેર જે.જે.ગાંધી જણાવી રહ્યાં છે.
હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. જો કે, ગુજરાતમાં પરિસ્થિતિ કાબુમાં હોવાનું જણાય રહ્યું છે. જો કે, રાજ્ય સરકારે અગાઉથી જ પ્રીકોશનના પગલા લઈને કોરોના વાયરસ નાથવાના પ્રયાસો હાથ ધરી દીધા હતા. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, રાજકોટ શહેરમાં ગત રવિવારથી લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. લોકો જરૂરી કામ વગર ઘરની બહાર નીકળતા નથી. મોટાભાગના લોકો પોતાનો સમય ઘરમાં જ વિતાવી રહ્યાં છે. ત્યારે પીજીવીસીએલની જવાબદારી વધી છે. કારણ કે, લોકો ઘરમાં રહીને વીજળીનો વપરાશ ખુબ કરતા હોય છે. ઉપરાંત મનોરંજન માટે પણ વપરાતા સાધનમાં વીજળીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે લોકોને ઘરમાં રહેવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પીજીવીસીએલ તંત્ર સજ્જ બની સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો પુરો પાડી રહ્યું છે. આ માટે ગ્રાઉન્ડ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.
આ અંગે પીજીવીસીએલના મુખ્ય ઈજનેર જે.જે. ગાંધીએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વીજ વિક્ષેપ ન પડે તે માટે બમણા જોરે કામ કરી રહ્યાં છે. ખાસ કરી ગ્રાઉન્ડ ઉપર રહેતો સ્ટાફ લોકોને અવિરતપણે વીજ પુરવઠો મળતો રહે તે માટે ખડેપગે રહ્યો છે. વધુમાં તેઓએ કહ્યું કે, પીજીવીસીએલએ હાલ વીજ સપ્લાય પર ભાર મુકયો છે. જે કામ પેન્ડીંગ રહી શકે તે કામ પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. વધુમાં પીજીવીસીએલની કામગીરી વર્ક ટુ હોમ થઈ શકે તેમ ન હોય તેથી મોટાભાગના કર્મચારીઓને ઓફિસ તેમજ ગ્રાઉન્ડ પરથી કામ કરી રહયાં છે. જરૂર જણાયે જે સ્ટાફનું ઈમરજન્સી કામ ન હોય તેમને રજા પણ આપવાની તૈયારી દાખવવામાં આવી છે.
અંતમાં તેઓએ જાહેર અપીલ કરતા જણાવ્યું કે, સરકાર જે કાંઈ નિર્ણય લઈ રહી છે તે જન આરોગ્યને ધ્યાનમાં રાખી લઈ રહી છે. કોઈપણ વ્યક્તિ સરકારના આદેશોનું ઉલ્લંઘન ન કરે, લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરે અને કામ સીવાય ઘરની બહાર ન નીકળે ઘરમાં કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ અવિરતપણે વીજ પુરવઠો પુરો પાડતું રહેશે.