અમદાવાદ, ખેડા અને બિહારથી આવી ચડેલા ત્રણ વૃધ્ધાને જામનગરમાં આશરો અપાયો
કોરોના વાઇરસ સંક્રમણના કારણે ભારતભરમાં લોકડાઉનની સ્થિતિ છે અને હાલમાં તે ૩ મે સુધી લંબાવવામાં આવેલ છે.અત્યારની પરિસ્થિતિમાં લોકડાઉનમાં વાહનવ્યવહાર વ્યવસ્થા બંધ કરવામાં આવી છે.આ વાહન વ્યવહાર બંધ થવાથી જામનગરમાં વિવિધ વિસ્તારોમાં અનેક લોકો ફસાઈ પડ્યા હતા જેમને વહીવટીતંત્ર, પોલીસ વિભાગ દ્વારા મદદ કરી જામનગર જિલ્લાના લોકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ આ પરિસ્થિતિમાં ગુજરાતના અન્ય વિસ્તારના કે ભારતના અન્ય વિસ્તારના ભૂલા પડેલા લોકોનું કોણ? આ પ્રશ્નનો જવાબ આપી આવા લોકોની કાળજી લઇ રહ્યા છે જામનગરના સખી વન સ્ટોપ સેન્ટરના સભ્યો.
સખી વન સ્ટોપ સેન્ટરમાં હાલ ત્રણ બહેનો આશ્રય મેળવી રહ્યા છે, લોકડાઉનની સ્થિતિમાં પોતે અન્ય વિસ્તારમાંથી મુસાફરી કરી જતા હોય ભૂલથી જામનગર ખાતે આવી ચઢેલ હોય તેવા ત્રણ બહેનો જામનગર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય મેળવી સલામતીનો અનુભવ કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ જામનગરના પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર ધાર્મિક ડોબરીયા જામનગર શહેરમાં એ.પી.એલ.-૧ કાર્ડધારકોને થઇ રહેલ અનાજ વિતરણ વ્યવસ્થાના નિરીક્ષણ માટે નીકળ્યા હતા. આ દરમિયાન દિગ્વિજય પ્લોટમાં હોસ્પિટલ નજીક એક નયનાબેન નામક મહિલા રસ્તા પર ચિંતિત અવસ્થામાં જોવા મળ્યા, કલેકટર દ્વારા તેમની પાસે ગાડી ઉભી રાખી તેમને પૂછતાં જાણવા મળ્યું કે, આ વૃદ્ધા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની છે અને આંખની સારવાર અર્થે અમદાવાદ આવેલ ત્યાંથી ટંકારા ખાતે રહેતી પોતાની દીકરીને મળવા માટે અમદાવાદ થી રાજકોટ ટ્રેનમાં રવાના થયા હતા. તા.૨૦ના રોજ તેઓ ભૂલથી જામનગર આવી ગયેલ અને ત્યારબાદ લોકડાઉન થતાં તેઓ જામનગરમાં જ અટવાઈ ગયા હતા.
આ સમયગાળા દરમિયાન તેઓ દિગ્વિજય પ્લોટની આજુબાજુના લોકો પાસેથી તેમ જ સ્વયંસેવી સંસ્થાઓ પાસેથી જમવાનું મેળવી અને ફૂટપાથ પર જ રહેતા હતા. આ મહિલા પાસેની વિગતો મેળવી તેમને સલામત સ્થળે આશ્રય આપવા માટે પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટરશ્રી ધાર્મિક ડોબરીયા દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકાર ચંદ્રેશ ભાભીનો સંપર્ક કરાતા સ્થળ પર જઇને આ વૃદ્ધ મહિલાને પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર દ્વારા પોતાની જ ગાડીમાં જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ મહિલાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમની દીકરી સાથે ફોન પર વાત કરવામાં આવેલ તેમજ લોકડાઉન પૂર્ણ થતાં તેમની દિકરીના ઘરે પહોંચાડવાની સાંત્વના પણ આપી હતી. આમ લોકડાઉન દરમિયાન અધિકારીઓએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આવી જ રીતે અમદાવાદના પ્રોઢા મુક્તાબેન જાદવ જે સોમનાથ યાત્રા માટે જતા હતા તે દરમિયાન ભુલથી જામજોધપુરના બાલવા રેલવે સ્ટેશને ઊતરી ગયા અને ત્યારબાદ લોકડાઉન થતા જામજોધપુરના મામલતદારે તેઓને હાલની પરિસ્થિતિમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પોતાની ગાડી દ્વારા સલામત આશ્રય અપાવ્યો. ગુજરાતના બન્ને બહેનોની જેમ જ બિહારના રામચંદ્રપુરના શ્રી રીટાદેવી યાદવ પણ ભૂલા પડી હાપા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. રેલવે પોલીસના ધ્યાનમાં આવતા તેઓએ તત્કાલ મહિલા અને બાળ અધિકારીનો સંપર્ક કરી બહેનને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો હતો. લોકડાઉન દરમિયાન આવા ભૂલા પડેલા બહેનોની રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સતત મદદ કરી કાળજી લેવામાં આવી રહી છે. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવા ભૂલા પડેલા મહિલાઓ સિવાય પણ અનેક ઘરેલુ હિંસાના કેસ પણ આવતા હોય છે. લોકડાઉન દરમિયાન પાંચ ઘરેલુ હિંસાના કેસમાં બહેનોને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપી હાલમાં ૩ના સમાધાન કરાવવામાં આવ્યા છે, જ્યારે ૨ કેસનું કાઉન્સેલીંગ ચાલુ છે.