જો અનલોક કરવામાં ઉતાવળ થશે તો હવામાં આવેલી ચોખ્ખાઈ ડહોળાઈ જશે: યુએનની ચેતવણી
કોરોના મહામારીના કારણે વેપાર-ધંધાને ભલે બ્રેક લાગી હોય પરંતુ વાતાવરણ એક એવી વસ્તુ છે જેને આ મહામારી ફળી છે. લોકડાઉન લાગ્યાના થોડા દિવસોમાં જ વાતાવરણ ચોખ્ખુ ચણાટ થઈ ગયું હતું. પક્ષીઓના કલરવનો અવાજ કાન સુધી અથડાવા લાગ્યો હતો. આંકડા મુજબ કોરોનાને રોકવા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે દિલ્હીની હવામાંથી નાઈટ્રોઝન ડાયોકસાઈડનું પ્રમાણ ૭૦ ટકા ઓછુ થઈ ચૂકયું છે. થોડા સમય પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેના પરથી નાઈટ્રોઝન ડાયોકસાઈડ પ્રમાણ ઓછુ થયું હોવાનું જાણવા મળે છે. અલબત આ ફાયદો માત્ર ટૂંકાગાળા માટે જ હોવાની તાકીદ યુએન દ્વારા કરવામાં આવી છે. દિલ્હીમાં નાઈટ્રોઝન ડાયોકસાઈડનું પ્રમાણ ૭૦ ટકા ઘટ્યું છે. બીજી તરફ ચીનની શહેરી વિસ્તારોમાં પણ ૪૦ ટકાનો ઘટાડો આવ્યો છે. બેલ્જીયમ અને જર્મનીમાં પણ ૪૦ ટકા જેટલું નાઈટ્રોઝન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટ્યું છે. એક વાત અભ્યાસમાં સામે આવી હતી કે, જ્યાં જ્યાં નાઈટ્રોઝન ડાયોકસાઈડનું પ્રમાણ વધે છે ત્યાં ત્યાં કોરોનાના સંક્રમીતનો મૃત્યુદર પણ વધે છે. કોરોના મહામારીના કારણે સિટીમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. લોકડાઉનના કારણે અમુક એરીયામાં ગંદકી ઓછી થઈ છે પરંતુ અમુક એરીયા જેમ કે ઝુંપડપટ્ટી એવી છે જ્યાં સફાઈ ન થવાના કારણે રોગચાળો પણ ફાટી નીકળે છે. વિશ્ર્વની ૨૪ ટકા શહેરી વસ્તી આજે પણ ઝુંપડપટ્ટીમાં રહે છે.
જે વિસ્તારોમાં હવા પ્રદુષણ વધુ ત્યાં કોરોનાનો મૃત્યુદર પણ વધુ
આ અભ્યાસમાં એક આશ્ર્ચર્યજનક વાત સામે આવી હતી કે, જે વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધુ છે ત્યાં કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ મોત થવાની શકયતાઓ પણ વધી જાય છે. કોરોનાના સંક્રમણ બાદ વ્યક્તિના આરોગ્ય ઉપર હવામાં રહેલો નાઈટ્રોઝન ડાયોકસાઈડ અસર કરતો હોવાનું ફલીત થાય છે. અલબત પ્રદુષીત હવામાનમાં મૃત્યુદર વધતો હોવા પાછળ અન્ય કારણ પણ જવાબદાર હોઈ શકે.