૨૦ એપ્રિલ બાદ શરતોને આધીન છુટછાટ મળી શકે : યુદ્ધના ધોરણે કર્તવ્ય નિભાવવાનું આહવાન કરતા વડાપ્રધાન મોદી
‘બાય ધ પીપલ ઓફ ઈન્ડિયા’નો સંકલ્પ જ ડો.બાબા સાહેબને સાચા શ્રદ્ધાસુમન : આર્થિક નુકશાની ખરી પણ માનવ જિંદગી સામે કંઈ નહી
કોરોના વાયરસના સંક્રમણને રોકવાના ઉદ્દેશથી દેશમાં ગત તા.૨૫ માર્ચે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થઈ હતી. હવે આ લોકડાઉન વધુ ૧૯ દિવસ ઉમેરાયા છે. પરિણામે દેશભરમાં આગામી તા.૩ મે સુધી લોકડાઉનની અમલવારી રહેશે. તા.૨૦ એપ્રીલ સુધી લોકડાઉનની સખ્ત અમલવારી કરાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ રાજ્ય-જિલ્લામાં સંક્રમણના કેસ એકદમ ઘટી જશે અથવા તો કોઈ હોટસ્પોટનું નિર્માણ નહીં થાય તો તે સ્થળે લોકડાઉનમાં શરતી છુટછાટ આપવામાં આવશે. અલબત જો ફરીથી વાયરસના સંક્રમણના કેસ વધશે તો આ છુટછાટને પરત લઈ લેવાશે તેવું આજે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન કહ્યું હતું.
તેમણે દેશના નાગરિકોને વધુમાં કહ્યું હતું કે, આપણે અત્યાર સુધી કોરોના સામેની લડાઈ સારી રીતે લડ્યા છીએ. તમારી પરિસ્થિતિથી હું સારી રીતે વાકેફ છું, અત્યારે યુદ્ધની જેમ પોતાનું કર્તવ્ય નિભાવવું એટલું જ જરૂરી છે. આપણા સંવિધાનમાં ‘બાય ધ પીપલ ઓફ ઈન્ડિયા’ એ જ આપણી સમય-શક્તિ છે. ‘બાય ધ પીપલ ઓફ ઈન્ડિયા’નો સંકલ્પ ડો.બાબા સાહેબ આંબેડકરને સાચા શ્રદ્ધાસુમન છે. ભારતમાં કોરોનાનો કહેર શરૂ થાય તે પહેલા જ આગમચેતીના પગલા લેવાયા હતા. ૧૪ દિવસ આઈસોલેશનનો પીરીયડ ખાસ હતો. ભારતમાં ૫૫૦ કેસ હતા ત્યારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. આવા સમયે અન્ય દેશોમાં ભારત કરતા ૩૦ ટકા કેસ વધ્યા હતા. આ સંકટમાં અન્ય દેશો સાથે તુલના કરવી શકય નથી છતાં બીજા દેશોના કોરોના વાયરસના જે કેસ છે તેનાથી ભારતમાં સ્થિતિ ઘણી સારી છે. જો કોરોના વાયરસ સામે યોગ્ય સમયે લોકડાઉનની જાહેરાત ન થઈ હોત તો ભારતની સ્થિતિ શું હોત તે વિચારીને જ રુંવાટા ઉભા થઈ જાય છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. વડાપ્રધાન મોદીના મત મુજબ સોશ્યલ ડિસ્ટન્ટસ અને લોકડાઉનનો ઘણો ફાયદો થયો છે. તેમણે કહ્યું હતું કે, લોકડાઉનના કારણે આર્થિક નુકશાની તો ઘણી થઈ છે પરંતુ માનવ જિંદગી સામે આર્થિક નુકશાનીની વિસાત નથી. વિશ્ર્વનો અનુભવ કહે છે કે, કોરોનાના ૧૦,૦૦૦ દર્દી થાય એટલે ૧૫૦૦ બેડની જરૂર પડે છે. આપણે વર્તમાન સમયે ૧ લાખ બેડની વ્યવસ્થા કરી છે. ૨૨૦થી વધુ લેબોરેટરીમાં પરિક્ષણનું કામ ચાલી રહ્યું છે અને ૬૦૦ હોસ્પિટલો કોરોના ઈલાજ માટે કાર્યરત છે તેવું પણ વડાપ્રધાન મોદીએ આજે જણાવ્યું હતું. આગામી તા.૨૦ એપ્રીલ સુધી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે તેવું પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, ૨૦ એપ્રિલ સુધીમાં જે જિલ્લા કે રાજ્યમાં કોરોનાના કેસ નહીં મળે અથવા તો હોટસ્પોટ ઉભા નહીં થાય તેવા સ્થળે લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવશે. પરંતુ જો સંક્રમણના કેસ બહાર આવશે અથવા વધુ હોટસ્પોટ બનશે તો આ છુટછાટને પરત ખેંચી લેવામાં આવશે.
તેમણે ગરીબ વર્ગને પડી રહેલી મુશ્કેલી અંગે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી કેન્દ્ર સરકારે ગરીબોની મદદ કરવામાં શકય તેટલો પ્રયાસ કર્યો છે. આવતીકાલે લોકડાઉન અંગે નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે અને આગામી ગાઈડ લાઈનમાં પણ ગરીબોના કલ્યાણને ધ્યાને રાખવામાં આવશે. રવિ પાકનો સમય થઈ ગયો છે ત્યારે ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેની ખાસ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવશે. વર્તમાન સમયે જીવન જરૂરી તમામ વસ્તુઓનો પુરતો ભંડાર દેશમાં છે અને આગામી સમયમાં સપ્લાય ચેન પણ બરકરાર રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસની રસીના સંશોધન મામલે દેશના યુવા વૈજ્ઞાનિકોને આગળ આવવા પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોનાની રસી બનાવવા માટે યુવા વૈજ્ઞાનિકો આગળ આવીને જવાબદારી ઉઠાવે. આપણે ધૈર્ય રાખીશું, નિયમોનું પાલન કરીશું તો કોરોનાને મહાત આપીશું તેવો વિશ્ર્વાસ વડાપ્રધાન મોદીએ કર્યો હતો.
- ‘વિજયીભવ:’ની સપ્તપદી
વડાપ્રધાને કોરોના સામેના યુધ્ધમાં લોકોને સાત બાબતોનું પાલન કરી દેશવાસીઓનો સહકાર માગ્યો છે. વડાપ્રધાને જે સાત બાબતો કહી છે તેને કોરોના સામેના જંગમાં ‘વિજયી ભવ’ની સપ્તપદી’ કહી છે આ સાત બાબતો જોઈએ
- ઘરના વડિલોનું ખાસ ધ્યાન રાખજો, તેમાં પણ કોઈ બિમારી કે રોગ હોય તેવા વડિલો માટે વિશેષ કાળજી રાખજો.
- લોકડાઉનમાં સામાજીક અંતરનું પૂરેપૂરૂ પાલન કરવાનું રહેશે. અને ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરજો.
- તમારી રોગપ્રતિકારક શકિત વધારવા આરોગ્ય સેતુ કે સરકાર દ્વારા અપાતા સુચનો જેવા કે ગરમ પાણી પીવું, હાથ સેનેટાઈઝરથી ધોવા વગેરે બાબતોનું ધ્યાન રાખવું
- રોગ પ્રતિકારક શકિત વધારવા માટે સરકારની આરોગ્ય સેતુ એપ તમારા મોબાઈલમાં ડાઉન કરો અને અન્ય લોકોને પણ એ એપ ડાઉનલોડ કરાવો અને તેમાં અપાતા આદેશો, સુચનોનું પાલન કરો.
- ગરીબ અને નાના માણસોનું પણ ધ્યાન રાખો ખાસ કરીને તેમને ભોજન પૂરૂ પાડો.
- તમારા ધંધા, વ્યવસાયમાં કામ કરનારા પ્રત્યે સંવેદના રાખો અને તેમને નોકરીમાંથી કાઢી ન મૂકો તેનું ધ્યાન રાખો.
- ડોકટર, નર્સ કે આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કામદાર, પોલીસ લોકડાઉન સામેના જંગના લડવૈયા છે. તેનું ગૌરવ જાળવો સન્માન કરો.