પાર્ટીપ્લોટ, કેટરીંગ, સાઉન્ડ સિસ્ટમ, ડીજે, મંડપ સર્વિસ, લાઈટીંગ સહિતના વ્યવસાયો સાથે સંકળાયેલા ઉદ્યોગોને કોરોનાનું ‘ગ્રહણ’: એક વર્ષ સુધી આ વ્યવસાયો પૂર્વવત થવાની નહિવત્ સંભાવનાથી ઉદ્યોગકારો ભારે મુશ્કેલીમાં
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉનના પ્રારંભીક બે માસમાં જીવનજરૂરી સિવાયના તમામ ધંધા-વ્યવસાયોને સજજડ બંધ રાખવામાં આવ્યા હતા. જેના કારણે અગાઉ લગ્ન જેવા સામાજિક પ્રસંગો રામપારાયણ, ભાગવત પારાયણ જેવા ધાર્મિક પ્રસંગો, રાજકીય સભાઓ વગેરે બંધ રહેવા પામ્યા હતા. આવા ધાર્મિક, સામાજીક, રાજકીય સહિતના મોટા કાર્યક્રમો બંધ રહેતા સાઉન્ડ સિસ્ટમ ડીજે પાર્ટી પ્લોટ, કેટરીંગ, મંડપ સર્વિસ, લાઈટીંગ, વિડીયો શુટીંગ, ફોટોગ્રાફી વગેરે વ્યવસાયો ઠપ્પ થઈ જવા પામ્યા છે. જેના કારણે આવા વ્યવસાયો સાથે સંકળાયેલા રાજકોટના હજારો પરિવારોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા પાર્ટીપ્લોટ, કેટરર્સ, મંડપ સર્વિસ, લાઈટીંગ, વિડીયો શુટીંગ, ફોટોગ્રાફી વગેરે જેવા વ્યવસાય ધારકોને લોકડાઉનમાં ભારે મુશ્કેલી વેઠવી પડી છે. હજુ સ્થિતિ કયારે સામાન્ય થશે તે નકકી ન હોય આગામી સમયમાં આ મુશ્કેલી વિકટ બનવાની સંભાવના છે. આ વ્યવસાયોના ચાલતા એસોસીએશનો દ્વારા તેમના નબળા ઉદ્યોગકારોને થોડી ઘણી મદદ કરીને તેમને સહાય કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમ કે સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ ઓનર એસોસીએશન દ્વારા લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદ સભ્યોને રૂરૂ.૫૦૦૦ની આર્થિક મદદ અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન ખૂલ્યા પછી પણ આગામી એક વર્ષ માટે વ્યવસાયની સ્થિતિ પૂર્વવ્રત થવાની નહિવત સંભાવના છે. જેથી આ ઉદ્યોગકારોને પોતાના પરિવારના ગુજરાન માટે બીજા વ્યવસાયો કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
લોકડાઉનથી પાર્ટીપ્લોટ ધારકોને રૂ.૧૫ કરોડનું નુકશાન: વિજયભાઈ કોરાટ
રાજકોટ પાર્ટી પ્લોટ ઓનર્સ એસો.ના પ્રમુખ વિજયભાઈ કોરાટે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે વર્ષમાં અમારે બે વખત સીઝન આવે છે. જે આ વર્ષની સિઝન કોરોનાને કારણે નિષ્ફળ ગઈ છે. રાજકોટમાં ૧૨૫ જેટલા પાર્ટીપ્લોટ છે. ખાલી પાર્ટીપ્લોટની જ વાત કરીએ તો. રૂરૂ.૧૫ કરોડની નુકશાની થઈ છે. એ સિવાય પાર્ટી પ્લોટને સંલગ્ન બીજા વ્યવસાયોને પણ મોટી નુકશાની થઈ છે. સરકારે કોરોનાને ફેલાતો રોકવા નિર્ણય કર્યો છે કે લગ્નમાં વધારે લોકોને બોલાવવા નહીં તે સરકારનો બરાબર નિર્ણય છે. ઉપરાંત સરકારે જે રાહત પેકેજની જાહેરાત કરી છે તે ખૂબ સારી છે.સરકારને એકવાત પર ધ્યાન દોરવા માંગીશ કે જે કાંઈ રાહત પેકેજની જાહેરાત કરી છે.તેમાંથી પાર્ટી પ્લોટ કેટરીંગ સર્વીસ એ બધાને પણ સરકારે લાભ આપવો જરૂરી છે. આ ક્ષેત્રનાં ઘણા બધા લોકોએ લોન લઈને વ્યવસાય ચાલુ કર્યો હોય છે.તેબધાને રાહત પેકેજની જરૂર છે. તેમજ જીએસટીમાં પણ રાહત આપે તેવી આશા છે.
બધાની ખુશીમાં સામેલ થવાવાળા અમે હાલ દુ:ખી: અલ્કેશભાઈ જેઠવા
ઈવેન્ટ મેનેજમેન્ટ માટે સાઉન્ડ સિસ્ટમ પુરી પાડવાના વ્યવસાય સાથે જોડાયેલા અલ્કેશભાઈ જેઠવાએ અબતક સાથેની મુલાકાતમા જણાવ્યું હતુ કે અમારી સીઝન જાન્યુઆરી મહિનાથી શરૂ થઈને હોળી સુધીની હોય છે. તે ત્યારબાદ બે મહિના ઓફ સીઝન રહે છે. અમારી આ જાન્યુઆરી મહિનાની સીઝન સારી રહી છે. અમારે ૩૬૫ દિવસમાંથી ૧૦૦ દિવસ કામ કરવાનું હોય છે. એ ૧૦૦ દિવસમાંથી અમે અમારા ઘર ખર્ચ બેંકના હપ્તા માણસોનો પગાર ચૂકવીએ છીએ અમારી સાઉન્ડ સીસ્ટમનો ઉપયોગ બાળકના જન્મ દિવસથી લઈ વ્યકિત મૃત્યુ એટલે કે અંતિમક્રિયામાં ભજન સુધીના તમામ પ્રકારના સારા માઠા પ્રસંગોમાં વપરાતી હોય છે. રાજકીય ધાર્મિક જેવા કાર્યક્રમોમાં પણ સાઉન્ડ સીસ્ટમ ઉપયોગમાં લેવાય છે. લોકડાઉન થવાના કારણે લગ્નની સીઝન નિષ્ફળ ગઈ છે તેમા સાઉન્ડ કેટરીંગ, લાઈટીંગ અને મંડપ સર્વીસના વ્યવસાય ધારકોને છેલ્લા બે મહિનાથી કોઈ આવક જ નથી થઈ અત્યારે અમારી સ્થિતિ ખૂબ ખરાબ છે. બધાની ખુશીઓમાં સામેલ થવાવાળા ખૂદ અમે દુ:ખી છીએ આ સ્થિતિ કયારે સુધરશે તેનો કોઈ અંદાજ નથી પરંતુ જયાં સુધીમાં સ્થિતિ થાળે પડશે ત્યાં સુધીમાં અમારા વ્યવસાય સાથે જોડાયેલા ઘણા લોકોની સ્થિતિ દયનીય થઈ જશે. અમારા વ્યવસાયમાં ૯૦ થી ૯૫% લોકોએ લોન લીધેલી હોય છે. એક પ્રસંગમાંથી ૧૦૦થી ૧૫૦ લોકોને રોજી રોટી મળતી હોય છે. તો સરકારે આવા વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે કાંઈક વિચારવું જોઈએ.
કેટરીંગનો વ્યવસાય બેઠો થતા એક વર્ષ લાગશે: ઘનશ્યામભાઈ શીંગાળા
જાણીતા કેટરર્સ મટુકી કેટરર્સના માલિકા ઘનશ્યામભાઈ શીંગાળાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના આવ્યા પહેલા અમારી સીઝન ખૂબ સારી હતી. અમારે ૪ થી ૬ મહિના સીઝન હોય છે. આ સમયમાં લગ્નગાળાની સિઝન ખૂબ સારી હોય છે. પરંતુ અત્યારે કોરોનાને કારણે આ સિઝન નિષ્ફળ ગઈ છે. અમારી આ વ્યવસાયમાં સીઝનમાં ૨૦૦થી ૨૫૦ લોકોને રોજગારી મળતી હોય છે. અત્યારની પરિસ્થિતિ જોતા શું કરવું? એ જ સમજાતું નથી. અત્યારની સ્થિતિ પ્રમાણે અમારા વ્યવસાયને બેઠો થતા એક વર્ષ જેટલો સમય લાગશે ત્યા સુધી સરકાર રાહત માટે પેકેજ આપીને મદદરૂપ થાય તેવી અમારી માગં છે. અમારા ઉદ્યોગની સાથે સાથે મંડપ સર્વિસ, ઈલેકટ્રીક લાઈટ ડેકોરેશન, ડીજે સાઉન્ડ, બેન્ડવાજા તેમજ બીજા ઘણા વ્યવસાયના લોકો અમારી નીચે કામ કરતા હોય છે. અને દરેકને કામ મળતું હોય છે. અમારા ઉદ્યોગને અંદાજે ૧૫ થી ૨૦ લાખ રૂપીયાનું નુકશાન થયાની આશંકા છે.
આ વર્ષે ધંધો ૮૦ ટકા ઓછો થવાની સંભાવના!: જયંતભાઈ અગ્રવાલ
આહુજા સાઉન્ડ સિસ્ટમના ડીલર હિન્દુસ્તાન ઈલેકટ્રી ટેકનીકસના માલિક જયંતભાઈ અગ્રવાલે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમે ૫૫ વર્ષથી આહુજાના ડીસ્ટ્રીબ્યુટર છીએ.કોરોનાને કારણે જે લોકડાઉન થયું તે પહેલા બધુ વ્યવસ્થીત ચાલતું હતુ થોડીઘણી મંદી હતી. પરંતુ બધુ વ્યવસ્થીત ચાલતું હતુ લોકડાઉનના બે મહિના અમારી સીઝન હતી એ નિષ્ફળ ગઈ છે.અત્યારે ફંકશન, ડાયરાઓ, મીટીંગો બધુ બંધ હોવાથી અમારી સાઉન્ડ સિસ્ટમ વેંચાતી નથી. જેથી આ વર્ષે ૮૦% ધંધો ઓછો થશે તેવો અંદાજ છે. શ્રાવણ માસ નવરાત્રી, ગણપતિ ઉત્સવના
તહેવારો ધામધૂમપૂર્વક યોજાશે તો સ્થિતિ સુધરશે. બાકી અમારા આ વર્ષનો વ્યવસાય નિષ્ફળ ગયો છે. આ સ્થિતિ ફરી થાળે પડતા એકાદ વર્ષ જેવો સમય લાગશે કારણ કે અમારો વ્યવસાય મનોર્જન સાથે સંકળાયેલો છે. હાલમાં લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓને પ્રથમ પ્રાધાન્ય આપે છે.