મોલ, માર્કેટ, ફુડ કોર્ટ અને રેસ્ટોરન્ટને સવારે ૯ થી સાંજનાં ૭ સુધી શરતી છુટછાટ આપવામાં આવી
કોરોના કેસો જે રીતે ભારતમાં વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે ૩૧ ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવ્યું છે. શરતી છુટછાટોને આધીન બજારોને ખુલ્લી રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જેમાં મોલ, માર્કેટ, ફુડ કોર્ટ અને રેસ્ટોરન્ટને સવારે ૯ વાગ્યાથી સાંજનાં ૭ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની પરવાનગી પણ આપી છે. બીજી તરફ મોલ અને માર્કેટ કોમ્પ્લેક્ષમાં જે થીયેટરો રહેલા હોય તેને ચાલુ ન કરવા પણ જણાવ્યું છે. આ તમામ શરતો પાંચ ઓગસ્ટથી લાગુ પડશે. કોરોનાથી બચવા માટે આપાતકાલીન પગલાઓ લેવામાં આવી રહ્યા છે જે અંગેની માહિતી મહારાષ્ટ્રનાં મુખ્ય સચિવ સંજયકુમાર દ્વારા આપવામાં આવી હતી. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ૩૧ જુલાઈ સુધી વધાર્યું હતું પરંતુ મહારાષ્ટ્રમાં જે રીતે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાને લઈ લોકડાઉન ૩૧ ઓગસ્ટ સુધી લંબાવાયું છે. મહારાષ્ટ્રમાં ૯૨૧૧ જેટલા કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે અને બુધવારનાં રોજ મહારાષ્ટ્રમાં કોરોના કેસોની સંખ્યા ૪ લાખને પાર પણ પહોંચી છે.
૪ લાખ કેસોની સામે મૃૃત્યુઆંક પણ ૧૪,૦૦૦ને પાર થયો છે ત્યારે આવનારા સમયમાં કોરોનાનો કહેર મહારાષ્ટ્ર ઉપર ન વરસે તે માટે સરકાર આગમચેતી પગલાઓ પણ લઈ રહ્યા છે. એવી જ રીતે રીકવર કેસોની વાત કરવામાં આવે તો ૭૪૭૮ કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે જયારે રાજયમાં રીકવર થયેલા કેસોની સંખ્યા ૨,૨૯,૭૫૫ની છે. આંકડાકિય માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં રીકવર થવાની ટકાવારી ૫૦ ટકાને પાર પહોંચી છે ત્યારે આ તમામ આંકડાઓના સરવૈયા બાદ હાલ મહારાષ્ટ્રમાં એકટીવ કેસોની સંખ્યા ૧,૪૬,૧૨૯ની જોવા મળી રહી છે જેમાં મહારાષ્ટ્ર રાજયમાં કુલ ૨૦,૧૬,૨૩૪ લોકોની કોવિડ ટેસ્ટ કરવામાં આવી છે તેમ રાજયનાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. મુંબઈ સીટી અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં ૧૧૦૯ અને ૩૩૨૪ કેસો નોંધાયા છે ત્યારે મુંબઈમાં કુલ કેસોની સંખ્યા ૧,૧૧,૯૯૧ નોંધાઈ છે જેની સામે મૃત્યુઆંક ૬૨૪૭ નોંધાયો છે.
બીજી તરફ કોરોનાએ વ્યંઢળોની રોજીરોટી પણ છીનવી છે ત્યારે વ્યંઢળોએ આ અંગે સરકાર પાસેથી સહાય પણ માંગ કરી છે. કોરોના આવતાની સાથે જ કોઈ એક ક્ષેત્ર નહીં પરંતુ અનેકવિધ ક્ષેત્રને માઠી અસર પણ પહોંચાડી છે જેમાં લોકોની રોજીરોટી પણ છીનવાઈ હોવાનું સામે આવ્યું છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ સરકાર દ્વારા લોકોને સહાય પણ કરવામાં આવે છે પરંતુ હજુ પણ એવા ઘણા લોકો અસરગ્રસ્ત છે કે જેઓ પાસે અપુરતા નાણા હોવાનાં કારણે તેઓ તેમનું ગુજરાન પણ ચલાવી શકતા નથી.
બેકાબુ કોરોનાને કાબુમાં લેવા રાજય સરકારે ટેસ્ટીંગ વધાર્યા: ૫૭ ટકાનો જોવા મળ્યો વધારો
રાજયમાં કોરોના બેકાબુ બન્યો છે. પ્રતિ દિવસ નવા કેસોની સંખ્યા ૧૦૦૦થી પણ વધુ નોંધાઈ છે ત્યારે હાલ ગુજરાતમાં કોરોનાનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૫૯,૧૨૬ નોંધાઈ છે જેમાં પ્રતિ દિવસ સરેરાશ ૧૫ થી ૨૦ લોકોનાં મૃત્યુ પણ નિપજે છે એવી જ રીતે જયારે રાજયમાં સાજા થયેલા દર્દીઓની વાત કરવામાં આવે તો તે આંકડો ૪૩,૦૦૦ને પાર પહોંચ્યો છે જેમાં મૃત્યુઆંક આખા રાજયનો ૨૩૯૬ પણ નોંધાયો છે. સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બેકાબુ બનેલા કોરોનાનાં ટેસ્ટીંગ વધારવાનો પણ નિર્ણય લેવાયો છે. ટેસ્ટીંગ વધારવાની સંખ્યામાં ૫૭ ટકાનો વધારો નોંધાયો છે. બુધવારના રોજ રાજયમાં કુલ ૧૧૪૪ કેસો નોંધાયા છે જયારે ૭૮૩ દર્દીઓ સાજા થયા હોવાનું પણ સામે આવ્યું છે. ગઈકાલ કુલ ૨૪ લોકોનાં મૃત્યુ કોરોનાથી થયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે હવે એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે આવનારા સમયમાં ટેસ્ટીંગમાં વધારો થતા કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળશે પરંતુ કોરોનાનાં કેસોને કાબુમાં લેવો હોય તો ટેસ્ટીંગ વધારવા એટલા જ જરૂરી છે. ટેસ્ટીંગમાં ૫૭ ટકાનો વધારો થતા દરરોજનાં કેસોમાં ૭ ટકાનો પણ વધારો નોંધાયો છે. આંકડાકિય માહિતી મુજબ ગુજરાતમાં કુલ ૪.૮૩ લાખ લોકો કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે ૪.૮૧ લાખ લોકો હોમ કવોરોન્ટાઈન થયેલા છે.