યમરાજ ખુશ હુઆ!!!
કોરોનાને લઇ ‘રખડુ’ લોકોના આંટાફેરા ઘટયા, ઘરેલું જિંદગી ‘જીવંત’ થઇ: લોકડાઉન દરમિયાન ચહલ-પહલ ઓછી થઇ હોવાના ગૂગલના આંકડા
સ્મશાને મૃતકોની સંખ્યામાં એકાએક ઘટાડો: રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ઓપીડીની સંખ્યામાં ૮૦ ટકાનો કડાકો બોલ્યો
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી થઈ છે. લોકડાઉનથી કોરોનાના સંક્રમણની સાયકલ તો તૂટી જ જશે બીજી તરફ સમાજને અન્ય કેટલાક ફાયદા પણ લોકડાઉનના કારણે થઈ રહ્યાં છે. વર્તમાન સમયે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્રાઈમ રેટ તેમજ આકસ્મિક કિસ્સામાં એકાએક તોતીંગ ઘટાડો થયો છે. ખૂન, ચોરી, લૂંટ, ફેટલ, મારામારી અને દારૂ-જુગારના પોલીસ ચોપડે નોંધાતા કેસ ઘટી કયા છે. લોકો ઘરે હોવાથી ઘરફોડીના બનાવ એકદમ બંધ છે. ખૂનના કિસ્સા નોંધાતા નથી, લૂંટ થતી નથી, દારૂ-જુગારની બદી લોકડાઉનમાં ઘટી ચૂકી છે. આ ઉપરાંત શેરી-ગલીઓ કે, બજારમાં કોઈ કારણ વગર આંટાફેરા કરતા રખડુઓ ઘરમાં પુરાઈ જતાં હવે ઘરેલુ જિંદગી પણ જીવંત બની ગઈ હોય તેવું ફલીત થઈ રહ્યું છે.
લોકડાઉનના કારણે લોકોની અવર-જવર પર થયેલી અસર અંગે તાજેતરમાં ગુગલ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે આંકડા મુજબ રીટેઈલ દુકાનોની મુલાકાત લેતા લોકોની ટકાવારીમાં ૭૭ ટકા જેટલો તોતીંગ કડાકો બોલી ગયો છે. રેસ્ટોરન્ટ, શોપીંગ સેન્ટર, કાફે, થીમપાર્ક, મ્યુઝિયમ, લાઈબ્રેરી અને મુવી થિયેટર સદંતર બંધ હોવાના કારણે લોકોના ટોળા એકઠા થતાં નથી. ઘરે રહેનારાની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સંજોગોમાં ૩ હજાર જેટલી ઓપીડી દરરોજ નોંધાતી હતી. તેના સ્થાને લોકડાઉનના કારણે હવે માંડ ૫૦૦ ઓપીડી નોંધાતી હોવાનું આંકડા કહી રહી છે. લોકો નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ચિકિત્સા માટે જતા હોવાનું ખુલ્યું છે.
ક્રાઈમ રેટમાં પણ લોકડાઉનના કારણે તોતીંગ ઘટાડો જોવા મળ્યો છે. પોલીસ સહિતના તંત્ર પાસેથી મળતા આંકડા પરથી ફલીત થઈ રહ્યું છે કે, ગત મહિનાની સરખામણીએ ચાલુ મહિને ચોરીના કિસ્સામાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો છે. આ ઉપરાંત માર્ગ અકસ્માતની સંખ્યા પણ ઘટી ચૂકી છે. અપહરણ તેમજ મહિલા ઉપરના અત્યાચારના કેસમાં પણ મોટો ઘટાડો થયો છે.
નોંધનીય છે કે, રાજકોટના મોટા મવા તેમજ રામનાથપરા સ્મશાનમાં સામાન્ય દિવસોમાં આવતા મૃતદેહોની સંખ્યાની સરખામણીએ વર્તમાન સમયે લોકડાઉન બાદ મૃતદેહની સંખ્યા એકાએક ઘટી જવા પામી છે. સ્મશાનમાં મોટી ઉંમરના લોકોના મૃતદેહો જ આવતા હોવાનું નોંધાયું છે. જે પરથી કહી શકાય કે, આકસ્મિક મોતનું પ્રમાણ ઘટયું હોવાનું જણાય આવે છે. રામનાથપરા સ્મશાનમાં માર્ચ ૧ થી ૨૨ દરમિયાન ૨૫૧ મૃતદેહો અંતિમવિધિ માટે આવ્યા હતા. ત્યારબાદ માર્ચ ૨૩ થી (લોકડાઉન) ૩ એપ્રિલ દરમિયાન માત્ર ૭૯ મૃતદેહો જ આવ્યા છે. બીજી તરફ મોટા મવા સ્મશાનમાં ૧ માર્ચથી ૨૨ માર્ચ દરમિયાન ૯૫ મૃતદેહોની સરખામણીએ લોકડાઉન બાદ એટલે કે ૨૩ માર્ચથી ૩ એપ્રિલ સુધીમાં માત્ર ૪૨ મૃતદેહો જ અંતિમવિધિ માટે આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સામાન્ય સંજોગો કરતા વર્તમાન સમયે મોતના કિસ્સામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
લોકડાઉનની ચુસ્ત અમલવારી થાય તે માટે પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે. લોકડાઉન પહેલા ખૂન, લૂંટ, અપહરણ, ચોરી અને ગૃહકંકાસના કેસની સંખ્યા ખુબ વધુ હતી. રાજકોટમાં ક્રાઈમ રેટ વધુ હતો. દેશની રાજધાની દિલ્હીમાં પણ ક્રાઈમ રેટ ટોચે પહોંચી ગયો હતો દરમિયાન કોરોના વાયરસને રોકવા માટે લોકડાઉનની અમલવારી થયા બાદ ક્રાઈમ રેટ એકાએક ઘટી જવા પામ્યો છે. દિલ્હીમાં ગત વર્ષે ૧૫ માર્ચથી ૩૧ માર્ચ દરમિયાન ૩૪૧૬ ક્રિમીનલ કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે આ કેસ ઘટી ૧૯૯૦ થઈ ગયા છે. આવી જ રીતે મહિલાઓ ઉપર થતાં અત્યાચારના કેસમાં પણ ૫૦ ટકાનો ઘટાડો દિલ્હીમાં જોવા મળ્યો છે. અપહરણના કેસ પણ ૪૨ ટકા ઘટી ગયા છે. દિલ્હી જેવા ક્રાઈમ કેપીટલમાં લૂંટના કેસમાં ૫૧ ટકાનો તોતીંગ ઘટાડો લોકડાઉનના કારણે જોવા મળ્યો છે.
ચાલુ વર્ષ દિલ્હીમાં ૧૫ થી ૩૧ માર્ચ દરમિયાન કુલ નોંધાયેલા ૧૯૯૦ કેસમાંથી ૫૩ કેસ લૂંટ, ૧૮૧ ચીલઝડપ, ૧૨૪૩ વાહન ચોરી, ૬૬ ઘરફોડી, ૭૨ મહિલા પર અત્યાચાર, ૧૫૦ અપહરણ અને ૧૧૨ અકસ્માતના કેસ હતા. ગત વર્ષે આ સમયગાળામાં ૩૪૧૬ કેસ નોંધાયા હતા.
કોરોના વાયરસને રોકવા માટે સરકારે લીધેલા લોકડાઉનના પગલા અનેક રીતે કારગત નિવડયા છે. લોકડાઉનના કારણે કુદરતને પણ અનેક સ્તરે ફાયદો થઈ ર્હયો છે. સંશોધકોના મત મુજબ અનેક દેશોમાં લોકડાઉન હોવાથી પ્રદુષણ ઓકતા ઉદ્યોગો અને વાહનો બંધ થઈ જતાં ઓજનનું ગાબડુ પુરાઈ રહ્યું છે. છેલ્લા ૭ થી ૮ દિવસથી રાજકોટ સહિતના શહેરોમાં બપોરે પણ પક્ષીઓનો કલરવ સંભળાય છે. થોડા સમય પહેલા વાહનોના ઘોંઘાટ વચ્ચે પક્ષીઓનો કલરવ દબાઈ જતો હતો. પરંતુ હવે સ્થિતિ જુદી છે. રોડ રસ્તા પર હવામાન શુદ્ધ હોય તેવો અહેસાસ સામાન્ય જનતા કરી રહી છે. લોકડાઉનના કારણે જેમ કુદરતને ફાયદો પહોંચ્યો છે તેવી જ રીતે સમાજને પણ ફાયદો પહોંચી રહ્યો છે. કોરોના વાયરસની બીકે માનવને હદમાં રહેતો કરી દીધો છે. લોકો હળીમળીને ઘરમાં જીવતા હોવાથી બહાર ક્રાઈમ રેટ તળીયે પહોંચી ગયો છે. કોરોનાથી બચવા જે રીતે લોકડાઉનની અમલવારી થઈ છે તેવી અમલવારી દર વર્ષે અમુક સંજોગોમાં થાય તેવી ઈચ્છા અનેક લોકોની છે. વર્તમાન સમયે ક્રાઈમ રેટ ઘટી જતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી ચૂકી છે.
ખૂન, ચોરી, લૂંટ, મારામારી અને દારૂ, જુગારના કેસની સંખ્યા તળિયે
લોકડાઉનના કારણે રાજકોટમાં ખૂનના કિસ્સા ઘટયા છે. થોડા સમય પહેલા શહેરમાં સરેરાશ ૧ ખૂન થતો હોવાનો માહોલ રચાયો હતો. ખૂનની સાથો સાથ ચોરી, લૂંટ અને મારામારીના કેસ પણ ખૂબ વધી ગયા હતા. આવા સંજોગોમાં લોકડાઉનની અમલવારી ચુસ્ત રીતે પોલીસ કર્મચારીઓ દ્વારા કરાવવામાં આવતા રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧ ખૂનનો કિસ્સો સામે આવ્યો છે અને મારામારીના કેસ પણ ગણ્યા-ગાઠયા નોંધાયા છે. દારૂ, જુગારના કેસ પણ છેલ્લા ૧૦ દિવસમાં સદંતર નોંધાયા નથી.