કોરોનાના કેસ ૫૦,૦૦૦ને પાર : છેલ્લા ચાર દિવસમાં તીવ્રતાની સાથે મૃત્યુદરમાં પણ ચિંતાજનક વધારો : લોકડાઉનથી કાબુમાં આવેલી સ્થિતિ ‘અધીરાઈ’ના કારણે બેકાબુ બને તેવી દહેશત

કોરોના મહામારીને રોકવા માટે સરકારે લોકડાઉનની અમલવારી કરાવી હતી. અત્યારે લોકડાઉન-૩ની અમલવારી થઈ રહી છે. આવા સંજોગોમાં ધીરજ ગુમાવી બેઠેલા સ્થળાંતરિતોને વતન પહોંચાડવાની જવાબદારી વચ્ચે અંધાધુંધી સર્જાય તેવી શકયતા છે. હાલ દેશમાં કોરોના પોઝીટીવનો આંકડો ૫૦,૦૦૦ને પાર પહોંચી ગયો છે. ત્યારે જો સ્થળાંતરિતો મુદ્દે સરકાર ઉતાવળીયો નિર્ણય લેશે તો ચાલુ મહિનાના અંત સુધીમાં એટલે કે, ૩૧ મે સુધીમાં દેશમાં ૮ લાખ કેસ નોંધાય તેવી દહેશત છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૦૦૦ જેટલા કેસ સામે આવ્યા છે અને ડબલીંગ રેટને નિયંત્રીત કરાયો હોવા છતાં જનસંખ્યા દ્રષ્ટિએ દેશમાં લોકડાઉનની અમલવારી ન થતી હોવાથી આગામી સમય ખુબજ કપરો સાબીત થાય તેવી ધારણા છે.

આંકડા મુજબ મહામારી ફાટ્યા બાદ એવું પ્રથમ વખત બન્યું છે જ્યાં મોતની સંખ્યા પ્રથમ વખત ત્રણ આંકડે પહોંચી ગઈ છે. ગઈકાલે એક જ દિવસમાં ૧૯૯ના મોત નિપજયા હતા. દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો ૧૬૮૮એ છે. છેલ્લા થોડા દિવસમાં કોરોના વાયરસના કારણે મૃતાંકમાં ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ ૩૦ એપ્રીલ સુધીમાં મૃત્યુદર ૩.૨ ટકાનો હતો જે વધી ૩.૪ ટકાએ પહોંચ્યો છે. કુલ ૧૯૯ મોતમાંથી ૭૯ મોત તો એકલા પં.બંગાળમાં નોંધાયા હતા. ગુજરાતમાં પણ ૪૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૩૪ લોકોને છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ભરખી ગયો છે. અત્યાર સુધીમાં કોરોનાએ સૌથી વધુ મોત નિપજાવ્યા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં અનુક્રમે ૧૫૫૨૫, ૫૧૦૪, ૬૨૪૫, ૧૪૫૧ અને ૫૧૦૪ કેસ નોંધાયા હતા. અલબત આ રાજ્યોમાં મૃતાંક પણ ઝડપથી વધી ગયો છે.

છેલ્લા ચાર દિવસની અંદર કોરોનાની તિવ્રતાની સાથો સાથ મૃત્યુદર પણ એકાએક વધી જવા પામ્યો છે. અત્યાર સુધીના કુલ કેસમાંથી ૨૮ ટકા મોત છેલ્લા ચાર દિવસમાં થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પરથી પણ આગામી સમયમાં દેશમાં થનારી કોરોનાની તબાહી તરફ ઈશારો કરે છે. જો આગામી તા.૩૧મી મે સુધીમાં હજુ કડક પગલા લેવાશે નહીં તો ૮ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમીત થઈ જશે અને સપ્ટેમ્બર પહેલા કોરોનાને નાથવો લગભગ અશક્ય રહેશે. આવા સંજોગોમાં સ્થળાંતરિતોને આપવામાં આવી રહેલી છુટછાટ ઘણા અંશે જોખમી પણ નિવડી શકે છે.

દિલ્હીમાં ગઈકાલે કોરોના પોઝીટીવના ૨૦૬ નવા પોઝીટીવ કેસો આવ્યા છે. જેથી, દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા પાંચ હજારને પાર થઈ જવા પામી છે. છેલ્લા ત્રણ દિવસ બાદ ગઈકાલે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૦૦ની નીચે આવતા અને સોમવાર બાદ સતત બીજા દિવસે કોરોનાના એકપણ દર્દીનું મૃત્યુ ન થતા તંત્રએ થોડાઘણા અંશે રાહત અનુભવી છે. જયારે દેશમાં ગુજરાતમાં સૌથી વધારે ૪૯ દર્દીઓનાં મૃત્યુ થવા પામ્યા છે.જેનાથી કોરોનાના કારણે રાજયમાં થયેલા મૃત્યુનો આંકડો ૩૬૮એ પહોચી જવા પામ્યો છે. સાથે પ્રથમ વખત રાજયમાં એક જ દિવસમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૪૦૦ને પાર કરી જવા પામી છે. ગઈકાલે ૪૪૧ નવા કેસો નોંધાતા રાજયમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૬,૨૪૫એ પહોચી જવા પામી છે.

જેમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ અમદાવાદની છે. રાજય નવા નોંધાયેલા ૪૪૧માંથી ૩૮૯ કેસો એટલે કે ૭૯ ટકા કેસો અને થયેલા ૪૯ દર્દીઓના મૃત્યુમાંથી ૩૯ એટલે કે ૭૯ ટકા દર્દીઓનાં મૃત્યુ અમદાવાદ શહેરમાંથી થવા પામ્યા છે મહારાષ્ટ્રમાં ૯૮૪ નવા કેસો નોંધાતા કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૫,૫૨૫એ પહોચી જવા પામી છે.

ગઈકાલે ૩૯ દર્દીઓનાં મૃત્યુ થતા રાજયમાં એક જ દિવસમાં સૌથી વધારે મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. આ મૃત્યુઆંકની રાજયમાં કોરોનાથી મૃતકોની સંખ્યા ૬૧૭ પર પહોચી જવા પામી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૦,૦૦૦કેસો નોંધાયાના પાંચ જ દિવસમાં ૫,૫૨૫ વધુ નવા કેસો નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં નવા નોંધાયેલા કેસોમાંથી સૌથી વધારે મુંબઈ શહેરમાંથી ૬૩૫ કેસો નોંધાયા છે. જેથી મુંબઈમાં કોરોનાના

  • કેસોની સંખ્યા ૯૯૪૫એ પહોચી જવા પામી છે.

ગઈકાલે રાજસ્થાનમાં કોરોનાના ૧૨ દર્દીઓંના મૃત્યુ થવા પામતા રાજયમાં મૃતકોની સંખ્યા ૮૯એ પહોચી જવા પામી છે. જેમાંથી ૫૦ મૃત્યુ જયપૂર શહેરમાં થવા પામ્યા છે. ઉત્તર પ્રદેશમાં ૧૧૮ નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૨૮૮૦એ પહોચી જવા પામી છે. જયારે સાત દર્દીઓનાં મૃત્યુ થતા મૃતકોની સંખ્યા ૫૬ થવ પામી છે. ગઈકાલે ઉત્તર પ્રદેશનાં ૧૮૫ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તમિલનાડુમાં ૫૦૮ નવા પોઝીટીવકેસો આવતા કુલ કેસોની સંખ્યા ૪,૦૫૮ એ પહોચી જવા પામી છે. જેમાંથી ૫૦ ટકા કેસો ચેન્નાઈના છે. રાજયમાં ગઈકાલે બે દર્દીઓનાં મૃત્યુ થતા મૃતકોની સંખ્યા ૩૩એ પહોચી જવા પામી છે. આંધ્રપ્રદેશમાં ગઈકાલે ૬૭ નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૧,૭૧૭ એ પહોચી ગઈ છે. આંધ્રનો હોટબેડ કર્નુલ જિલ્લામાં ૪૫૦૦ કરતા વધારે કોરોનાના દર્દીઓ નોંધાયા છે. ત્રિપુરાનાં અંબાસ્સામાં તૈનાત બીએસએફની ટુકડીના ૧૨ વધુ જવાનોને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ પહેલા આ ટુકડીના ૨૫ જવાનો અને જવાનોના બે બાળકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

  • કોરોના ટેસ્ટ માટે દરરોજ બે લાખથી વધુ કિટનું ઉત્પાદન

મહામારીને રોકવા વધુને વધુ ટેસ્ટ થાય તે પણ જરૂરી છે. અત્યાર સુધી કોરોનાની ટેસ્ટીંગ કીટ ચીન, કોરીયા સહિતના દેશમાંથી આવતી હતી. અલબત હવે ટેસ્ટીંગ કીટ મુદ્દે ભારત સ્વનિર્ભર થવા જઈ રહ્યું છે. વર્તમાન સમયે દરરોજ ૨ લાખથી વધુ પીપીઈ કીટનું ઉત્પાદન થતું હોવાનું સામે આવે છે. આગામી કપરા સમયનો અંદાજ લગાવીને વધુને વધુ લોકોના ટેસ્ટીંગ થાય અને સંક્રમણની પેટર્ન અટકે તે માટેની વ્યવસ્થાઓ થઈ રહી છે.

  • ૧૨ દેશોમાંથી લાખો સ્થળાંતરિત ભારતીયો પરત લવાશે

કોરોના મહામારી વચ્ચે વિશ્ર્વના ૧૨ દેશોમાંથી આગામી અઠવાડિયે લાખો ભારતીયો પરત લાવવાની તૈયારી થઈ રહી છે. આ ભારતીયો સ્વખર્ચે પરત આવશે. યુએઈ, કતાર, સાઉદી અરેબીયા, બહેરીન, કુવૈત અને ઓમાન સહિતના ગલ્ફના છ દેશમાંથી તેમજ અમેરિકા, યુકે, બાંગ્લાદેશ, મલેશિયા, ફીલીપાઈન્સ અને સિંગાપોર સહિતના દેશોમાંથી ભારતીયો પરત આવશે. દેશના મુખ્ય એરપોર્ટ પર ફલાઈટ લેન્ડ થશે. ત્યારબાદ મેડિકલ સ્ક્રીનીંગમાંથી પસાર થવું પડશે. તમામ મુસાફરોને ધારા-ધોરણો પાળવા પડશે અને આરોગ્ય સેતુ એપમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું રહેશે. ૧૪ દિવસનો કવોરન્ટાઈન સમયગાળો પૂરો કરવો પડશે.

  • સ્થળાંતરીતોને લઇ ઉદ્યોગોની હાલત ‘ધોબી’ના કૂતરા જેવી

લોકડાઉન પૂર્વે ઔધોગિક એકમોની સ્થિતિ પણ કયાંકને કયાંક ડામાડોળ જોવા મળી રહી હતી ત્યારે કોરોનાને લઈ જે લોકડાઉન સજાર્યું તેનાથી ધંધા-રોજગારો ઠપ્પ થઈ ગયા છે. સરકાર દ્વારા જાહેર કરાતા પરપ્રાંતિય મજુરો કે જે ઔધોગિક એકમોમાં કામ કરી રહ્યા છે તેઓને સમયસર પગાર અને યોગ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી રહે તે માટેનું સુચન પણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકડાઉન દિન-પ્રતિદિન વધતા પરપ્રાંતિય મજુરો કે જેઓ ઔધોગિક એકમોમાં કામ કરી રહ્યા છે તેઓ વતન પરત જવા અત્યંત આતુરતા પણ દાખવી રહ્યા હોવાથી ઉધોગકારોને આવનારા સમયમાં ઘણી ખરી માઠી અસરનો સામનો કરવો પડશે તેવું પણ માનવામાં આવે છે. ઉધોગકારોનું માનવું છે કે, આટલા સમય સુધી તેઓની જે સારસંભાળ લેવામાં આવી અને પુરતી તમામ ચીજવસ્તુઓ પુરી કરાઈ ત્યારે હવે જો પરપ્રાંતિય મજુરો વતન પરત થશે તો ઉધોગોને તેની માઠી અસરનો સામનો પણ કરવો પડશે. હાલ આ મુદાને લઈ સરકાર પણ ચિંતિત થઈ રહી છે કે પરપ્રાંતિય મજુરોને તેમના

વતન મોકલવામાં કયાંકને કયાંક કોરોનાનો કહેર વધે તો તંત્ર માટે તેને કાબુમાં લેવું અત્યંત કઠિન સાબિત થશે. ઉધોગકારોમાં હાલ પરપ્રાંતિય મજુરો જે કામ કરી રહ્યા છે તેનાથી તેના ઉત્પાદનમાં વધારો થતો હોય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં ૨૦ થી ૨૫ ટકા જ ઉત્પાદન રહેવા પામે છે જેનાથી ઉધોગકારોને આર્થિક રીતે પણ ઘણી તકલીફનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. શાપર-વેરાવળ એસોસીએશન, મેટોડા જીઆઈડીસી અને લોઠડા-પડવલા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં ઉધોગકારોનું માનવું છે કે, પરપ્રાંતિય મજુરોની અવેજીમાં જે રાબેતા મુજબનાં કામ થવા જોઈએ અને તે પ્રકારનું જ ઉત્પાદન થવું જોઈએ તે થઈ શકતું નથી ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન ઉધોગકારો માટે એ છે કે, લોકડાઉન પૂર્ણ થતાની સાથે જ જે પરપ્રાંતિય મજુરો ઔધોગિક એકમોમાં રહ્યા છે તેઓ પણ વતન પરત જવા માટે તલપાપડ થાય છે જે ઉધોગો માટે ખુબ જ માઠા સમાચારરૂ પ છે.

  • ૧૦ દિવસમાં રિક્વરી રેટમાં ૧૩૩ ટકાનો ઉછાળો

મહામારીની તિવ્રતા વચ્ચે એક રાહતરૂ પ સમાચાર મળ્યા છે. ૧૦ દિવસ પહેલા રિકવરી રેટ ૯.૪૮ ટકાનો હતો. જે હવે ૧૩૩ ટકા વધીને ૨૨ ટકાએ પહોંચ્યો હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેક્રેટરી જયંતી રવિનું કહેવું છે. રાજયમાં કેસની સાથે મૃતાંક પણ વધ્યો છે. અલબત આગામી સમયમાં સ્થળાંતરિત લોકોના કારણે કેસની સંખ્યામાં તોતીંગ વધારો થાય તેવી દહેશત છે. અત્યારે રાજ્યમાં દરરોજ સરેરાશ ૪૮૦૦ જેટલા ટેસ્ટીંગ થઈ રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ, બરોડા અને સુરત સહિતના મોટા શહેરોની હાલત ખરાબ છે.

  • ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૪૪૧ પોઝિટિવ : ૪૯નાં મોત

ગુજરાતમાં કોરોનામાં ગઈ કાલે પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક વિકર્મી રીતે વધ્યો હોય તેમ સૌથી વધુ ૪૪૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા ૬૨૪૫ પર પહોંચી છે. જ્યારે એક દિવસમાં સૌથી વધુ ૪૯ લોકોના વાયરસે ભોગ લેતા મૃત્યુઆંક પણ ૩૬૮ પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ એપિસેન્ટર અમદાવાદમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. ગઈ કાલે વધુ જાહેર કરાયેલા ૩૪૯ પોઝિટિવ કેસ સાથે અમદાવાદમાં ૪૪૪૫ કેસ નોંધાતા રાજ્યમાં પ્રથમ અને દેશભરમાં બીજા ક્રમ પર આવી ગયું છે. રાજ્યમાં થયેલા ૪૯મોત માંથી ૩૯ મોત માત્ર અમદાવાદમાં જ થયા હોવાનું જાણવા મળ્યું છે.  જામનગરમાં પણ મુંબઇથી આવેલા પુરુષને કોરેન્ટાઇન કરી તેના સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બે દિવસમાં આયાતી કેસની સંખ્યા ચાર થઈ છે. ગ્રીનઝોનમાં આવ્યા બાદ જામનગરમાં વધુ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે. અમદાવાદથી આવેલા ૫ મહિલા અને ૩ બાળકો આવતા તેમના સેમ્પલ તપાસ કરાવતા ૩ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈ કાલે મુંબઇથી આવેલા વધુ એક પુરુષને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે કોરોનામાં શંકાસ્પદ દર્દીઓના ફોર્મ હવે ઓનલાઈન એપમાં ભરવામાં આવશે. રાજકોટમાં પણ ગઈ કાલે ગોંડલ ગામના એસઆરપી જવાન અમદાવાદમાં ફરજ બજાવી આવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વધુ ૧૩૮ સેમ્પલ લેબમાં મોકલવામાં આવતા ૧૦૧ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને હજુ ૩૭ રિપોર્ટ પેન્ડિંગ જણાવી રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધી કુલ ૬૨ પોઝિટિવ કેસ અને ૧ દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત વધુ ૧૫ જિલ્લામાં પણ પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત, વડોદરા, મહેસાણા અને બનાસકાંઠામાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં જોવા મળી રહ્યો છે. જ્યારે મૃત્યુઆંક પણ ૩૬૮ પર પહોંચી જતા રાજ્યભરમાં ચિંતાનો વિષય બની રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.