લોકડાઉન-૪.૦: કોરોનાથી ડરીને નહીં સાથોસાથ જિંદગી ધબકતી થશે
રૂપાણી સરકારના નવા નિયમો સંવેદનાથી છલકાયેલા રહેશે: જનજીવન પૂર્વવત થાય તે માટે સાનુકુળ નિયમોની આવતીકાલથી થશે અમલવારી
લોકડાઉન-૪નો પ્રારંભ થઈ ચૂકયો છે. અત્યાર સુધી મહામારીથી લોકોને બચાવવા સરકારે લોકડાઉનની કડક અમલવારી કરી હતી. આવશ્યક ચીજવસ્તુઓ સીવાય અન્ય તમામ ઉદ્યોગો-વ્યવસાયો બંધ રાખ્યા હતા. આ સમયગાળામાં લોકો કોરોનાની ગંભીરતા સમજી ગયા છે. માટે હવે માત્ર ડરવાનું નથી પણ સાથે સાથે જિંદગી પણ જીવવાનું છે તેવો અનુભવ લોકોએ કર્યો છે. જેના પરિણામે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાઈડ લાઈન સંવેદનશીલ રહેશે. જેમાં નાના ઉદ્યોગકારો, વેપારીઓને રાહત મળશે. આ ઉપરાંત કેટલાક વ્યવસાયો પણ કડક શરતોને આધીન શરૂ થઈ શકશે તેવું જાણવા મળે છે. લોકડાઉન-૪માં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકાર લોકડાઉનના નિતી નિયમોમાં ફેરફાર કરી શકશે. રેડ, ગ્રીન કે ઓરેન્જ ઝોન જાહેર કરવાની સત્તા રાજ્ય સરકારોને રહેશે. પરિણામે ગુજરાત સરકારે નવી ગાઈડ લાઈન ઘડવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે આ ગાઈડ લાઈનની સંપૂર્ણ જાહેરાત કરશે. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાજોગ સંદેશા દરમિયાન ગુજરાતમાં લોકડાઉન અંતર્ગત જિંદગી ધબકતી રહેશે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે ગુજરાતની પ્રજા પાસે અગાઉ જેટલો સહકાર આપ્યો એટલો સહકાર લોકડાઉન-૪માં આપવા હાકલ કરી હતી. એસ.ટી.-સિટી બસ, રીક્ષા, સ્કૂટર સહિતના વાહનો, હોટલોમાંથી હોમ ડિલીવરી, દુકાનો અને ઓફિસ ખોલવા મુદ્દે નિયમો સહિતની ચોખવટ આવતીકાલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. અલબત ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા પ્રજાજોગ સંદેશમાં ગુજરાતમાં ધીમીગતિએ દુકાનો, ટ્રાન્સપોર્ટેશન સહિતનું શરૂ થઈ જશે તેવું જણાય આવે છે.
લોકડાઉનમાં જનજીવન પૂર્વવત થાય તે માટેના સાનુકુળ નિયમો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા જાહેર થશે તેવી અપેક્ષા છે. નવી માર્ગદર્શીકા મુજબ ઈ-કોમર્સ સેકટરને ક્ધટેઈમેન્ટ ઝોન સીવાય દરેક ઝોનમાં જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવાની અનુમતિ અપાઈ છે. જો કે, આ મુદ્દે પણ રાજ્ય સરકારના નિયમોને અનુસરવા પડશે. મુખ્યરૂપે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન જ રહેશે. અલબત ક્ધટેન્ટમેન્ટ અને બફર એમ બે ઝોન પણ આ ત્રણ ઝોનની અંદર સમાવિષ્ટ કરાશે. ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી પ્રવૃતિઓ જ થઈ શકશે. આજથી લોકડાઉનનો ચોથો તબક્કો થઈ રહ્યો છે. કેન્દ્રની ગાઈડલાઈન શાળા-કોલેજો, શોપીંગ મોલ, સિનેમા ઘર, વ્યાયામ શાળા, સ્વીમીંગ પુલ, હવાઈ સેવા અને મેટ્રો ટ્રેન તેમજ ધાર્મિક-સામાજિક અને રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ રહેશે.
નોંધનીય છે કે, લાંબા સમયથી લોકડાઉનની ચુસ્ત અમલવારી ગુજરાત સહિતના રાજ્યોમાં થઈ રહી છે. ત્યારે હવે કોરોના અંગે લોકો જાગૃત થઈ રહ્યાં છે. લોકો આપો-આપ સોશિયલ ડિસ્ટન્સનો મતલબ સમજી ગયા છે. કોરોના મુદ્દે ડર નહીં પરંતુ લોકજાગૃતિના કારણે ગુજરાતમાં સામાજિક વ્યવસ્થા ફરી ધબકતી ધવા જઈ રહી છે. લાંબા સમયથી માંદગીના બિછાને પડેલી આર્થિક વ્યવસ્થા પણ ધીમે ધીમે સાજી થશે. કોરોનાને હરાવવા લાંબા સમય લાગશે તેવું અનુભવી હવે કોરોના વચ્ચે જ ફરીથી જનજીવન પૂર્વવત થઈ જાય તે માટે સાનુકુળ નિયમો ઘડી કાઢવામાં આવશે. આજે નિયમો ઘડાશે અને આવતીકાલે વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા તેની જાહેરાત થશે.
એમેઝોન, ફ્લીપકાર્ટ અને પેટીએમ સહિતની ઇ-કોમર્સ કંપનીઓ આજથી ધમધમશે
કેન્દ્ર સરકારે લોકડાઉનની અમલવારીમાં કેટલીક સત્તા રાજ્ય સરકારોને આપતા ઈ-કોમર્સ કંપનીઓ માટેની અસમંજસતા દૂર થઈ છે. એમેઝોન, ફલીપકાર્ટ અને પેટીએમ સહિતની ઈ-કોમર્સ કંપનીઓ રાજ્ય સરકારોની માર્ગદર્શીકાની રાહમાં છે. આજ અથવા તો આવતીકાલથી લોકડાઉન-૪ દરમિયાન પણ ઈ-કોમર્સ કંપનીઓ કારોબાર શરૂ કરી દેશે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અનુસાર ક્ધટેઈનમેન્ટ વિસ્તારોમાં માત્ર જીવન જરૂરી વસ્તુઓ માટેની ગતિવિધિ જ મંજૂર છે. હવે રાજ્ય સરકારો જનજીવન પુન: કાર્યરત થાય તે માટે કેટલીક વધુ છુટછાટ નોન ક્ધટેઈનમેન્ટ વિસ્તારોમાં આપશે. કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ તો રેડ ઝોનમાં પણ ઈ-કોમર્સ કંપનીઓ ડીલીવરી કરી શકે છે. આ મુદ્દે પેટીએમ મોલના સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ સી.નિવાસ મોથીએ કહ્યું હતું કે, રેડ ઝોનમાં વસ્તુઓની ડીલીવરી કરવા માટે સરકારે આપેલી પરવાનગી બદલ અમે આભારી છીએ. આ નિર્ણયના કારણે અમે મોટાભાગના મહાનગરોમાં ડીલીવરી ફરી શરૂ કરી શકશું. અત્યાર સુધી રેડ ઝોનના કારણે ડીલીવરી થઈ શકી નહોતી. છેલ્લા બે મહિનામાં
ઈ-કોમર્સ સેકટરે ખુબજ અગત્યની ભૂમિકા ભજવી હોવાનું સ્નેપડીલના પ્રવકતાએ કહ્યું હતું. લોકડાઉન-૩ દરમિયાન ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ડીલીવરી ચાલુ હતી. હવે રાજ્ય સરકારો નક્કી કરી શકશે કે ક્યાં છુટછાટ ઓછી રાખવી અને ક્યાં વધારે. પરિણામે ઈ-કોમર્સ કંપનીઓ ધમધમવા લાગશે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન-૪માં પણ સજ્જડ બંધની અમલવારી
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની તિવ્રતા સૌથી વધુ છે. મુંબઈ અને પુના જેવા શહેરોમાંથી વધુને વધુ કેસો સામે આવી રહ્યાં છે. પરિણામે મહારાષ્ટ્રમાં લોકડાઉનમાં વધુ છુટ નહીં મળે તેવું ફલીત થાય છે. મહારાષ્ટ્ર સરકારે અગાઉથી જ લોકડાઉન લંબાવવામાં આવે તેવી માંગણી કેન્દ્ર સમક્ષ કરી હતી. પરિણામે આગામી સમયમાં મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી છુટછાટ રહેશે. લોકડાઉનની સજ્જડ અમલવારી કરાવવામાં આવશે. હાલ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પોલીસ જવાનો પણ કોરોના વાયરસનો ભોગ બની રહ્યાં છે. તદ્ઉપરાંત અનેક પોલીસ જવાનોને કોરોનાના સંક્રમણની શંકાએ કવોરન્ટાઈન કરવા પડ્યા છે. જેથી સ્થિતિ વણસી શકે તેવી દહેશત છે. આવા સંજોગોમાં મહારાષ્ટ્રમાં ચહલ-પહલને વધુ છુટ અપાશે નહીં તેવું જણાય આવે છે. અલબત રાજ્ય સરકારને આપવામાં આવેલી સત્તા મુજબ કેટલાંક વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકાર છુટછાટ આપી શકે છે. અલબત તેવી શકયતાઓ ઓછી છે.
કચેરી-કાર્યાલયોને વાયરસથી બચાવવા સેનિટાઇઝ થર્મલ સ્ક્રીનિંગના નિયમો પાળવા આવશ્યક
કેન્દ્ર સરકારે કોરોનાને પ્રસરતો અટકાવવા લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ કરી દીધો છે. અપેક્ષા મુજબની વ્યાપક છુટછાટો આપી છે. અલબત કેટલાક નિયમો પાળવા જરૂરી છે. જેમ કે, કચેરી-કાર્યાલયોમાં સેનેટાઈઝ અને થર્મલ સ્ક્રીનીંગ તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળવા પડશે. આમ તો કેન્દ્રની ગાઈડ લાઈનમાં જેમ બને તેમ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય અપાય તેવા સંકેતો છે. પરંતુ જો ના છુટકે કાર્યાલય-કચેરીએ જવું પડે તો થર્મલ સ્ક્રીનીંગ, હાથને સાફ કરવા, સેનીટાઈઝ કરવાની તકેદારી કચેરીમાં પ્રવેશતા પહેલા જ રાખવાની રહેશે. આખા વર્ક પ્લેસને સેનેટાઈઝ કરવાનું રહેશે. જ્યાં જ્યાં કર્મચારીની ગતિવિધિ વધુ છે તેવા સ્થળોને સેનેટાઈઝ કરવા પડશે. જેમ કે દરવાજાના હેન્ડલ, કી-બોર્ડ સહિતની વસ્તુઓની ચોખ્ખી રાખવી પડશે. બે શિફટ વચ્ચે પણ સમયગાળો નિશ્ર્ચિત કરવો પડશે. સરકારના નિયમો કોરોના વાયરસના સંક્રમણથી કર્મચારીઓને બચાવવા મદદરૂપ રહેશે.