સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ એક જ દિવસ સીલ લગાવી હાંફી
ગઈ: નામ પુરતી રિકવરી
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા ગઈકાલથી જ હાર્ડ રીકવરીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મહાપાલિકાના ઈતિહાસમાં ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૩૭૩ જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. એક દિવસ કામગીરી કર્યા બાદ સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓ થાકીને લોથપોથ થઈ ગયા હોય તેમ આજે આ બંને ઝોનમાં નામ પુરતી જ રીકવરી હાથ ધરવામાં આવી હતી તો સામાકાંઠે ૮૦ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી.
આજે ઈસ્ટ ઝોન કચેરીની વેરાવસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં ૩ ટીમ બનાવી રીકવરી હાથ ધરવામાં આવી હતી જેમાં બપોર સુધીમાં ૮૦ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને રૂ.૧૨ લાખની વસુલાત કરાઈ હતી. સેન્ટ્રલ ઝોનમાં આજે વોર્ડ નં.૨,૭,૧૩ અને ૧૭માં ૭ બાકીદારોની મિલકત ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી અને બપોર સુધીમાં ૬.૫૬ લાખની વસુલાત થવા પામી હતી. વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા આજે એક પણ મિલકત સીલ કરવામાં આવી ન હતી કે મિલકત જપ્તીની નોટિસ ફટકારવામાં આવી ન હતી માત્ર ૧૦ લાખ રૂપિયાની રીકવરી કરવામાં આવી હતી.