ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે આલ્ફેડ હાઈસ્કૂલ કાયમી બંધ ગાંધીપ્રેમીઓ ‘બાપુ’ની અમૂલ્ય વિરાસતને ન બચાવી શકયા
આલ્ફેડ હાઈસ્કૂલના ૧૫૦ વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા: શિક્ષકો સહિતના સ્ટાફને જ‚રીયાત મુજબ બીજી સ્કૂલમાં ગોઠવાશે
રાષ્ટ્રપિતા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા તે આલ્ફેડ હાઈસ્કૂલને બચાવવામાં ગાંધીપ્રેમીઓ નિષ્ફળ નિવડયા છે. તાજેતરમાં જ આલ્ફેડ હાઈસ્કુલને કાયમી ધોરણે બંધ કરી દેવાતા બાપુની અમૂલ્ય વિરાસત વિસરાય ગઈ છે અને સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ ૧૫૦ વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટની અમૂલ્ય વિરાસત ગણાતી મહાત્માગાંધી હાઈસ્કૂલને છેલ્લા ઘણા સમયથી ધરાર બંધ કરવા ષડયંત્ર ચાલી રહ્યું હતું અને આખરે તે સફળ રહ્યું હોય તેમ આલ્ફેડ હાઈસ્કૂલને કાયમી ધોરણે બંધ કરી દેવાનો નિર્ણય લેવાય ચૂકયો છે. હાલ આલ્ફેડ હાઈસ્કૂલ જયાં કાર્યરત છે ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યને અન્ય સ્કૂલમાં વિલીનીકરણ કરીને બાપુની વિરાસતને જીવંત રાખી શકાય હોય પરંતુ કેટલાક લોકોના ખરાબ ઈરાદા અને ગાંધીપ્રેમીઓની નિષ્ક્રિયતાને કારણે બાપુની અમૂલ્ય વિરાસત કાયમી બંધ થઈ છે.
ઉલ્લેખનીય છે કે આલ્ફેડ હાઈસ્કૂલને કરણસિંહજી હાઈસ્કૂલમાં મર્જ કરી દેવા પણ વિચારણા ચાલી રહી હતી. સ્કૂલના શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે કરણસિંહજી સ્કૂલમાં કલાસ‚મ અને અન્ય કચેરીઓની પણ પુરતી સગવડ હોવા છતા આ સ્કૂલને ધરાર તાળા મારી દેવાયા છે. આલ્ફેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજીત ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને એલસી પણ આપી દેવાયા છે તેમજ આગામી ૩૦ મે સુધીમાં આ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોને અન્ય સ્કૂલમાં ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે.