પી.એમ.જે.એ.વાય.યોજના હેઠળ 79,990 લાભાર્થીઓને રૂ.2,131.24 લાખની સારવાર
રાજ્ય સરકાર દ્વારા સુસાશનના 20 વર્ષની ઉજવણી નિમિત્તે વંદે ગુજરાત વિકાસ યાત્રા જનજનને ગુજરાતમાં થયેલા વિકાસની ઝાંખી કરાવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે બાળકો, માતાઓ અને સમગ્ર પરિવાર માટે લોક કલ્યાણલક્ષી યોજનાઓ અને આરોગ્ય વિષયક સુવિધાઓનો વ્યાપ ઉડીને આંખે વળગે તેવો છે.જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓની માહિતી આપતા મુખ્ય આરોગ્ય અધિકારી નિલેશ શાહે જણાવ્યું છે કે, વર્ષ 2002માં આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ્સની સંખ્યા 326 હતી, જે 2022માં 428 જેટલી થવા જઈ રહી છે. જેમાં વિશ્વ સ્તરની આરોગ્ય સેવા આપતી ગુજરાતની પ્રથમ અને એક માત્ર એઇમ્સ રાજકોટ ખાતે આકાર લઈ રહી છે.વિસ્તારથી માહિતી આપતા તેઓ જણાવે છે કે, 20 વર્ષમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 31 થી વધી 54, અર્બન હેલ્થ સેન્ટર 9, સબ સેન્ટર 267 થી વધીને 344, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર 278, સામુહિક આરોગ્ય કેન્દ્ર 12, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ 5, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ 2 તેમજ એક એઇમ્સ સહીત નાના મોટા કુલ 428 કેન્દ્રોમાં દર્દીઓની સારવાર – સુશ્રુષા કરવામાં આવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપતા ડો. નિલેશ શાહે જણાવ્યું છે કે, માતા મૃત્યુ દર ઘટાડવા માતા આરોગ્ય કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. બાળકોમાં મૃત્યુદર ઘટાડા અર્થે દર 1000 જન્મે 30થી નીચે લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
જે માટે બાળકોને સઘન રસીકરણ કાર્યક્રમ કરવામાં આવે છે. મમતા દિવસ યોજના તળે 33,879 સગર્ભાઓને સેવા પુરી પાડવામાં આવી છે. જનની સુરક્ષા યોજના હેઠળ 2017 સગર્ભા મહિલાઓને સહાય પુરી પાડવામાં આવી છે. કસ્તુરબા પોષણ સહાય યોજના તળે રૂ. 5224 સગર્ભા મહિલાઓને રૂ. 6000 સહાય આપવામાં આવી છે.આ ઉપરાંત શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી વાળા બાળકોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર પુરી પાડવામાં આવી છે. બાળકોમાં કુપોષણનું પ્રમાણ અટકાવવા બાલ સેવા કેન્દ્ર તેમજ બાળ સંજીવની કેન્દ્ર કાર્યરત છે. મધુપ્રમેહ તેમજ હાઇપર ટેન્સન જેવા નોન કોમ્યુનીકેબલ રોગ માટે 1,72,403 લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – માં યોજના હેઠળ 79,990 લાભાર્થીઓને રૂ. 2131.24 લાખની સારવાર પુરી પાડવામાં આવી છે. જયારે 9,07,894 લોકોને આયુષ્માન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીના વડપણ હેઠળ કોરોના મહામારી સામે સુરક્ષિતતા આપતી કોરોના વેક્સીન આરોગ્ય કેન્દ્રો દ્વારા તમામ એલિજિબલ લોકોને નિ:શુલ્ક પુરી પાડવામાં આવી હોવાનું આરોગ્ય અધિકારી જણાવે છે.આરોગ્ય જેવી પાયાની સુવિધા છેવાડાના વિસ્તરામાં જનજન સુધી પહોંચાડવામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વહીવટી તંત્ર મિશન મોડમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે લોકો નિરામય જીવનની કેડી પર આગળ ધપી રહ્યા છે.