સાતેક જેટલી સુચિત સોસાયટીઓનું દબાણ હટાવવાની ગ્રામ પંચાયતે તૈયારી શરૂ કરતાં મોટી સંખ્યામાં સ્થાનિકો કલેકટર કચેરીએ ઉમટ્યા, કલેકટરે પ્રાંતને રિપોર્ટ કરવા આપી સૂચના
750 પરિવારોએ જમીન ખરીદી કરીને લીધાનો પણ ધડાકો, નાના માણસોને ફસાવનાર પ્રયોજક સામે સરકાર પગલાં લેશે કે કેમ ? તેના ઉપર પ્રશ્ર્નાર્થ, રૂડા અને તાલુકા પંચાયતની ભૂમિકા શંકાના દાયરામાં
હાઇકોર્ટે પારડીના ગૌચરમાંથી દબાણ હટાવવાનો હુકમ કરતા સ્થાનિકો આજે વિફર્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકો કલેકટર કચેરીએ ઉમટ્યા હતા અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ત્યારબાદ કલેકટરે પ્રાંતને રિપોર્ટ કરવા સૂચના આપી છે.
આવેદનમાં સ્થાનિકોએ જણાવાયું હતું કે તેઓ છેલ્લા 15થી 20 વર્ષથી અહી પારડીમાં રહે છે. તેઓ મજુરી કામ કરી પોતાનું જીવન ગુજારે છે. આ વિસ્તારમાં વેરાન હતી. આ જગ્યાએ અનુ.જાતિના લોકો રહેતા હોય તેને કાયદેસર કરી આપવામાં આવે તેવી માંગ છે.
આવેદનમાં સુપ્રીમનો એક ચુકાદો ટાંકીને જમીનની માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિકોમાં ચર્ચાતી વિગત મુજબ અંદાજે 750 પરિવારોએ અહીં અંદાજે 3-3 લાખમાં જમીન ખરીદી હતી. આ ગૌચરની જમીનની બાજુમાં એક વ્યક્તિ જમીન ધરાવે છે. તેને હાઇકોર્ટમાં આ દબાણ અંગે અરજી કરી હતી. હાઇકોર્ટે આ જમીન ઉપરનું દબાણ હટાવવા માટે આદેશ જારી કર્યો હતો. જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણ કર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
જો કે આ જમીન ખરીદી કરી લેવાય હોવાનો આવેદનમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પણ સૂત્રોના જણાવ્યા મુજબ નાના માણસોને જમીન વેચી મોટા ગજાના કલાકાર આ પ્રકરણમાં હાથ ખંખેરીને ચાલ્યા ગયા છે. ત્યારે આ મામલે કલેકટરે પણ હકારાત્મક વલણ દાખવી પ્રાંતને રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી છે. બાદમાં રજુઆત કરવા આવેલા અંદાજે 500થી 700 જેટલા સ્થાનિકો તુરંત ગ્રામ્ય પ્રાંત કચેરી ખાતે ઉમટ્યા હતા.
અદાલતના આદેશ મુજબ કાર્યવાહી કરીશું અરૂણ મહેશ બાબુ (કલેકટર)
આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં આ બાબતે જાહેર હિતની અરજી કરવામાં આવેલી છે. ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં દબાણ કરાયાની પીઆઈએલ કરાઈ હોવાથી આ અંગે કોર્ટે ગ્રામ પંચાયતને સૂચના આપેલી છે. ગૌચરની જમીન પર દબાણ છે કે કેમ? તેની ખરાઈ માટે અમે તપાસ રિપોર્ટ મંગાવ્યા છે. જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારી પાસે અમે રિપોર્ટ માંગ્યા છે.
આજે સ્થાનિકો મોટી સંખ્યામાં રજુઆત માટે આવ્યા છે. ત્યારે અમને જ્યારે તપાસ રિપોર્ટ મળશે ત્યારબાદ જ કોઈ નક્કર જવાબ આપી શકાશે. તેમણે વધુમાં કહયુ હતું કે, કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે અમે તે મુજબ કાર્યવાહી કરીશું અને જો કંઈ ગેરકાયદેસર થયું હશે તો ચોક્કસ તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.