સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2025 : ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 5 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા તંત્રને હાંશકારો થયો. રાજ્યની 66 નગરપાલિકાની 1844 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 નગરપાલિકાઓની 72 બેઠકો માટે મધ્યસત્ર ચૂંટણી, જૂનાગઢ મનપાની 52 બેઠકો પર મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ ઉમેદવારોનું ભાવી EVM માં સીલ કરવામાં આવ્યું. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સચિવાલય વોર્ડ નંબર 9 ખાતે સમગ્ર ચૂંટણીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન મતદાનમાં ફરિયાદોનાં તાત્કાલિક ઉકેલ માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી નજર રાખવામાં આવશે.
ભાવનગરઃ તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો
તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો થયો છે. તેમજ વોર્ડ નંબર 4માં મતદાન મથક પર હંગામો થયો છે. કર્મચારીઓ ભાજપ તરફ મતદાન કરાવતા હોવાનો આક્ષેપ થયો છે. આ દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસર પર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આક્ષેપ થયો છે.
વલસાડ: વોર્ડ નં-1 અને વોર્ડ નં-7માં EVM ખોટકાતા મતદાનમાં વિલંબ
ધરમપુર નગરપાલિકામાં વોર્ડ નં-1 અને વોર્ડ નં-7માં EVM ખોટકાતા મતદાનમાં વિલંબ થઇ રહ્યો છે. EVMમાં ટેક્નિકલ ખામી સર્જાતા મતદાન અટકી પડ્યું હતું. મામલતદાર અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા છે. તેમજ ટેક્નિકલ ખામીનું નિરાકરણ લાવતા મતદારોને રાહત આવ્યુ છે.
થાન નગરપાલિકાની ચૂંટણી વોર્ડ-1 ના 2 નંબરના બૂથમાં મતદાન બંધ કરાવાયું
હાલ થાન નગરપાલિકાની ચૂંટણી વોર્ડ-1 ના 2 નંબરના બૂથમાં મતદાન બંધ કરાવાયું છે. રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું. આ ઉપરાંત ચૂંટણી અધિકારી અને DYSP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પ્રિસાઈડિંગ અધિકારીને ફરજ પરથી ઉઠાવી દેવામાં આવ્યા છે.
101 વર્ષના માતાને સાથે લઈ મતદાન મથકે પહોંચ્યા ધારાસભ્ય
ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મતદાન કર્યુ છે.આ ઉપરાંત 101 વર્ષના માતાને સાથે લઈ મતદાન મથકે વસોયા પહોંચ્યા હતા. લલિત વસોયાએ માતા, પુત્રવધુ સાથે મતદાન કર્યું છે. લોકોને મતદાન કરી ફરજ અદા કરવા અપીલ કરી. તેમજ ધોરાજીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
નવસારી: બિલિમોરા પાલિકાના વોર્ડ-2નું EVM ખોટકાયું
બિલિમોરા પાલિકાના વોર્ડ-2નું હાલ EVM ખોટકાયું છે. આ દરમિયાન EVM ખોટવાતા કોંગ્રેસના ઉમેદવારે હોબાળો મચાવ્યો છે. ત્યારે છેલ્લા 1કલાકથી મતદાન મથક બંધ છે.
અમરેલી: ધારાસભ્ય હીરા સોલંકીએ મતદાન કર્યું
ધારાસભ્ય હીરા સોલંકીએ મતદાન કર્યું. જાફરાબાદમાં વોર્ડ નં-6માં આવેલ તાલુકા શાળામાં પહોંચી મતદાન કર્યું. હીરા સોલંકી અને તેમના પત્ની સજોડે મતદાન કરવા આવ્યા હતા. આ ઉપરાંત મતદારોને વધુમાં વધુ મતદાન કરવા હીરા સોલંકીએ અપીલ કરી હતી.
દેવભૂમિ દ્વારકા: સલાયામાં EVM ખોટવાયુ
સલાયામાં EVM ખોટવાયુ છે. જિન વિસ્તારમાં આવેલા 2 નંબરના બુથમાં EVM ખોટવાયું છે. 1 કલાક સુધી EVM બંધ રહેતા મતદારો અટવાયા છે. તેમજ આંગણવાડી સ્કૂલમાં EVM ખોટવાયું હતુ. અધિકારીઓની મથામણ વચ્ચે મતદારોની કતાર લાગી છે.
પંચમહાલ: લગ્ન પહેલાં ફરજ બજાવવા પહોંચ્યા વરરાજા
કાલોલ નગપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે લગ્ન પહેલાં વરરાજાએ મતદાનની કર્યું હતું. જાન વડોદરા માટે નીકળે તે પહેલાં મતદાન કર્યું હતું. યુવાનોને મતદાનની ફરજ નિભાવવા અપીલ કરી હતી.
પોરબંદર : ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ કર્યું મતદાન
કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ મતદાન કર્યું. મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકશાહીના પર્વમાં લોકોને ઉત્સાહથી મતદાન કરવા અપીલ કરી હતી.
વંથલી નગરપાલિકામાં પ્રથમ 2 કલાકમાં 9 ટકા મતદાન
વંથલી નગરપાલિકામાં પ્રથમ 2 કલાકમાં 9 વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન નોંધાયુ છે. જુનાગઢ મહાનગરપાલિકામાં નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન થયુ છે. વિસાવદર નગરપાલિકા 5.40 ટકા મતદાન થયુ છે.
ભાવનગર : મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. ભાવનગરની તળાજા, સિહોર અને ગારીયાધાર નગરપાલિકાની 92 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. 3 તાલુકા પંચાયતની 5 બેઠક પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક પર પણ ચૂંટણી છે. કુલ 1,118 કરતા વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે. સવારથી તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યુ છે.
રાજકોટ : જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું
રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયું છે. વોર્ડ નંબર 8 માં મતદાન મથક 5માં evm ખોટવાયું છે. 1 કલાક થયા EVM મશીન થતા મતદારો અટવાયા છે. દેસાઈ વાડીના ચભાડીયા સ્કૂલમાં EVM ખોટવાયું. EVM મશીન ખોટવાતા મતદારોની લાઇન લાગી છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે મતદાન
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યુ છે. તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને છે. કુલ 224 મથકો પૈકી 96 મથકો સંવેદનશીલ છે. ગાંધીનગર તાલુકા પંચાયત સાથે માણસા નગરપાલિકામાં પણ મતદાન ચાલી રહ્યુ છે. માણસા નગરપાલિકાની 28 બેઠકો માટે પણ ખરાખરીનો જંગ ખેલાઇ રહ્યો છે.
જૂનાગઢ મનપાની 60 પૈકી 52 બેઠકો માટે મતદાન
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. જૂનાગઢ મનપાની 60 પૈકી 52 બેઠકો માટે મતદાન થઇ રહ્યુ છે. વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઇ છે. 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, 2.29 લાખ મતદારો 157 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
મહીસાગરઃ ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન
મહીસાગરઃ ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. 77,077 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાનપુરની કનોડ તાલુકા પંચાયત બેઠક માટે પણ મતદાન છે. 3586 મતદારો કનોડ બેઠક માટે મતદાન કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ : નગરપાલિકાની ચૂંટણીમાં MLA વિમલ ચુડાસમાએ કર્યું મતદાન
જૂનાગઢ : ચોરવાડ નગર પાલિકાની ચૂંટણીમાં MLA વિમલ ચુડાસમાએ મતદાન કર્યું. ધારાસભ્યએ પત્નિ જલ્પાબેન જોડે મતદાન કર્યું.
છોટાઉદેપુર નગર પાલિકાના મતદાન શરુ
છોટાઉદેપુર નગર પાલિકાના મતદાનની શરૂઆત થઇ છે. નગર પાલિકાના 7 બુથના 28 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન
વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. પારડી, વલસાડ, અને ધરમપુરમાં ધીમીગતિએ મતદાન ચાલી રહ્યુ છે. વલસાડ નગરપાલિકામાં 37 બેઠક માટે 105 ઉમેદવાર મેદાને છે. 98 હજાર મતદારો 100 મતદાન મથક પર મતદાન કરી રહ્યા છે. પારડી નગરપાલિકામાં 27 બેઠક પર મતદાન છે. 58 ઉમેદવાર છે મેદાન, 24 હજાર મતદારો મતદાન કરશે. ધરમપુર પાલિકામાં 24 બેઠક પર માટે મતદાન છે. 49 ઉમેદવારો મેદાન, 20 હજાર મતદારો મતદાન કરશે.
અમદાવાદઃ રેસ્ટોરન્ટના ભોજનમાં નીકળ્યો વંદો
અમદાવાદઃ રેસ્ટોરન્ટના ભોજનમાં વંદો નીકળ્યો છે. પરિમલ ગાર્ડન નજીકના સ્પાઇસ ઝોન રેસ્ટોરન્ટમાં આ બનાવ બન્યો છે. બિરયાનીમાંથી વંદો નીકળતા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો. ગ્રાહકે મનપાના આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે.
એક જ પરિવારના ચાર સભ્યોએ નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ
છોટાઉદેપુરમાં એક જ પરિવારના ચાર સભ્યો નગરપાલિકાની ચૂંટણીમાં અલગ-અલગ પક્ષમાંથી એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. જેમાં સૌથી નવાઈની વાત એ છે કે..પતિ અને પત્ની અને ભાઈ-ભાઈ જ એકબીજા સામે ચૂંટણી મેદાને પડ્યા છે. ફારુક ફોદા જે ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડે છે ત્યારે તેમના પત્ની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જ્યારે તેમનો એક પુત્ર આરીફ ફોદા ભાજપમાંથી વોર્ડ નબર ત્રણમાંથી લડી રહ્યો છે જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસેમાંથી ચૂંટણી લડી રહ્યો છે. વોર્ડ નંબર 6માં ચૂંટણી લડતા ફારૂક ભાઈ ફોદાનું કહેવું છે કે, અમે બંને પતિ પત્નીએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા. જોકે ફોર્મ પરત ખેંચવાનું રહી ગયું હતું. હવે બને લડી રહ્યા છીએ.
6 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે, બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે કે અમદાવાદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7, સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 અને ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં છે.