- પીધેલાને સ્કૂટરની ઉઠાંતરીમાં ’લોટરી’ લાગી?
- આજુબાજુના ગામડાના જ લુખ્ખાને બગાસું ખાતા પતાસુ હાથમાં આવી ગયાંની લોકમુખે ચર્ચા
- એલસીબી, સ્થાનિક પોલીસ દ્વારા અનેક દિશામાં તપાસનો ધમધમાટ : લૂંટારૂ પોલીસ પકડથી દૂર
રાજકોટની ભાગોળે આવેલ પડધરીમાં એક સપ્તાહ પૂર્વે લૂંટની એક ઘટના સામે આવી હતી. જેમાં આંગડિયા પેઢીના કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરી કરી લેવામાં આવી હતી. મહત્વપૂર્ણ વાત એ હતી કે, આ સ્કૂટરની ડેકીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ રૂ. 6.90 લાખ રોકડ રાખી હતી. સ્કૂટરની ઉઠાંતરી સાથે રૂ. 6.90 લાખની મતા પણ તસ્કર ઉઠાવી ગયો હતો. આ મામલે સ્થાનિક પોલીસની સાથે એલસીબીએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું પણ હજુ સુધી લૂંટારુ હાથમા આવ્યો નથી. બીજી બાજુ રૂ.6.90 લાખની રોકડ સાથેનું સ્કૂટર ઉઠાવી જનાર શખ્સ આસપાસના ગામડાનો જ વતની હોય અને પોતે સ્કૂટરમાં ચાવી જોઈ જતાં ઉઠાવી ગયો હતો પણ બાદમાં સ્કૂટરમાં મોટી રોકડ મળી આવતા બગાસું ખાતા પતાશુ હાથમા આવી ગયાં જેવો ઘાટ ઘડાયો હતો.
સમગ્ર મામલા પર એક નજર કરવામાં આવે તો મૂળ પડધરીના હાલ રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલ ત્રિનીટી ટાવરમાં રહેતા પરાગભાઈ ચંદ્રકાંતભાઈ ચગ ઉ.30 નામના વેપારીએ પડધરી પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ હું ધંધાના કામે મોરબી ગયો હતો ત્યારે મારી આંગણીયા પેઢીમાં કામ કરતા સકીલ દલનો ફોન આવ્યો કે હુ તમારૂ એકટીવા જેના નંબર જી.જે.-03-એફ.પી.-899 ની ડેકીમા રોકડ રકમ રૂ.6.90,000 રાખી ગ્રાહકોને દેવા જતો હતો ત્યારે 2સ્તામાં આવતી રઝવી મોબાઇલ નામની દુકાને મારા મોબાઈલનુ રીચાર્જ કરાવવા માટે ગયેલ હતો અને આ એકટીવા મે રજવી મોબાઇલ નામની દુકાન બહાર પાર્ક કરેલ હતુ અને ચાવી તેમા ભુલથી રહી ગયેલી હતી.
રજવી મોબાઈલવાળા શાકીર તથા સુભહાન મારા મીત્ર હોય જેથી ત્યા વાત કરવા લાગેલ અને હુ આશરે દશથી પંદરેક મીનીટ રોકાયેલ અને ત્યાથી બહાર નીકળતા મે જે જગ્યાએ એકટીવા પ્લેઝર પાર્ક કરેલ ત્યાં મળી આવ્યું ન હતું. જેથી મેં અને શાકીરે આજુબાજુ શોધવા છતાં પણ સ્કૂટર મળી આવ્યું ન હતું. બાદમાં રજવી મોબાઈલ દુકાનના સીસીટીવી તપાસતા અજાણ્યો શખ્સ એકટીવા લઈને પડધરી મોવૈયા સર્કલ તરફ જતો દેખાયેલ હતો.
હવે આ ઘટના રાત્રીના અંદાજિત 8:30 વાગ્યે બની હતી જેની દોઢ કલાક બાદ ઉઠાંતરી કરાયેલું સ્કૂટર પડધરી ટોલનાકા નજીક જોવા મળ્યું હતું. ઉપરાંત સ્થાનિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આ સ્કૂટર હજુ પણ પડધરીની આસપાસ જ ફરી રહ્યું હોય અને નજીકના જ ગામડાના એક લુખ્ખાએ સ્કૂટર ચોરીના ઇરાદે ઉઠાવ્યું હતું પણ ડેકીમાંથી રોકડ મળી આવતા તેણે બગાસું ખાતા પતાશુ હાથમા આવી ગયું હતું તેવો ઘાટ ઘડાયો હતો.
ફરિયાદમાં જાહેર કરાયેલી મતા કરતા ડેકીમાં રહેલી રકમ વધુ?
આંગડિયા પેઢીમાં થતાં નાણાકીય વ્યવહારો મોટાભાગે બે નંબરના હોય છે. આ કિસ્સામાં પણ સ્થાનિકોમાં ચર્ચાતી વિગત મુજબ ડેકીમાં ફક્ત રૂ. 6.90 લાખ નહિ પણ તેના કરતા બમણી રકમ હાજર હતી પરંતુ વહીવટ ક્યાંક બે નંબરી હોય માટે રકમ ઓછી જાહેર કરવામાં આવી હતી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે, આ બાબત હાલ ફક્ત લોકમુખે ચર્ચાઈ રહી છે જેથી આ વાતમાં વાસ્તવિકતા છે કે નહિ તેવું કહી શકાતું નથી.
આંગડિયા પેઢીનો કર્મચારી પણ શંકાના દાયરામાં
મામલામાં આંગડિયા પેઢીના જે કર્મચારીના કબ્જામાંથી સ્કૂટરની ઉઠાંતરી કરવામાં આવી હતી તે પણ શંકાના દાયરામાં છે. કર્મચારીએ રૂ. 6.90 લાખની રોકડ ડેકીમાં રાખ્યા બાદ સ્કૂટરમાં જ ચાવી છોડી 15 મિનિટ સુધી રિજવી મોબાઈલની દુકાનમાં વાતોમાં મશગુલ રહ્યો હતો તેવી કબૂલાત કર્મચારીએ પોતે જ આપી છે. ત્યારે પોલીસે આ કર્મચારીની પણ આકરી પૂછપરછ કરી હતી પણ કશું મળી આવ્યું ન હતું તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.