મહાપાલિકાની ખાલી પડેલી વોર્ડ નં.૧૫ અને ૬ની પણ પેટાચૂંટણી યોજાશે
રાજ્યના ચૂંટણી પંચે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી જાહેર કરી છે અને ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં આચારસહિતા પણ લાગી ગઇ છે બીજીબાજુ રાજકિય પક્ષોએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. સોરઠમાં જૂનાગઢ જિલ્લાની જિલ્લા પંચાયતની ૩૦ અને ૯ તાલુકા પંચાયતની અને કેશોદ નગરપાલિકાની તથા જૂનાગઢ મનપાની ખાલી પડેલી ૨ બેઠકની પણ ચૂંટણી યોજાશે.
જૂનગાઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક, ૯ તાલુકા પંચાયતની ૧૫૮ બેઠક અને કેશોદ નગરપાલિકામાં ચૂંટણી યોજાશે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં ખાલી પડેલી વોર્ડ નં. ૧૫ અને વોર્ડનં. ૬ની એક-એક બેઠકની પેટા ચૂંટણી થશે.
જુનાગઢ જિલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા અને મનપા જૂનાગઢની બે ખાલી પડેલી બેઠકોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગત નવેમ્બર માસમાં યોજાનાર હતી. પરંતુ કોરોના મહામારીને લઇ આ ચૂંટણીઓ પાછળ ઠેલાઈ હતી. અને ગણતરીના દિવસોમાં જ ચૂંટણીઓ લઈને જાહેરનામું બહાર પડે તેનો આતુરતાથી ઇન્તજાર થઈ રહ્યો હતો. ત્યારે સ્વાભાવિક રીતે તમામ રાજકીય પક્ષ દ્વારા આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
જુનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ તા ગત ટર્મમાં ભાજપને ધોબી પછાડ આપી કોંગ્રેસે ભારે બહુમતી સાથે વિજય હાસિલ કરી સત્તા પર બેસેલ, જો કે, બાદમાં કોંગ્રેસના ધુરંધર નેતા અને માણાવદર મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો પાડી, ભાજપમાં જોડાતા, જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસ માં ભંગાણ પડવાનું શરૂ થયું હતુ અને બાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારો ભાજપમાં ભળ્યા હતા. જો કે, અંત સુધી સતા કોંગ્રેસના હાથમાં રહી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ પોતાનું ઘર સાચવી રાખવાની મથામણમાં પડતું છે અને હાલમાં ખેડૂત પ્રશ્નોને લઈને ખેડૂત સંમેલનો કરાઈ રહ્યા છે અને ખેડૂતોના મતો અંકે કરવા ખેડૂતોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તા ભાજપ આ વખતની ચૂંટણી ને જીતી લેવા માટે તમામ પ્રયત્નોમાં લાગી ગયા છે. અને પેજ પ્રમુખો સહિતની કામગીરી કરી, વધુમાં વધુ લોકો સુધી ભાજપનું કમળ પહોંચાડી, મત પેટી સુધી લાવવા માટે જીલ્લા પ્રમુખની લઇને સામાન્ય કાર્યકર જોતરાઈ ગયા છે. જો કે, કોઈપણ રાજકીય પાર્ટી દ્વારા હજુ કોઈ જ ઉમેદવારના નામની યાદીની જાહેરાત કરાઇ નથી. પરંતુ સંભવિત અને ટિકિટ વાંચ્છુકો દ્વારા અત્યારથી પોતે ઉમેદવાર હોય તે રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દિધો છે અને ગુપ્ત બેઠકોનો દોર શરૂ કર્યો છે. તો પાર્ટી દ્વારા પોતાનો કોણ ઉમેદવાર જીતી શકે છે, તે મુદ્દે સર્વે પણ શરૂ કરી દીધો છે.