મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં “રણછોડ રંગીલા” તેમજ “ખલાસી” વગેરે ગીતો સાથે ગરબાના તાલે વિદેશી પતંગ રસિકો ઝૂમ્યા હતા.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિદેશી પતંગવીરો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા: આકાશમાં અદ્ભૂત નજારો સર્જાયો
વિશ્ર્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશના અન્ય રાજ્યોના 38 જેટલા પતંગ રસિકોએ પતંગોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં જર્મની, ઈરાક, મલેશિયા,ઇઝરાયેલ જોર્ડન, યુ.કે., ઈટલી, નેપાળ, લેબનોન, કોરિયા વગેરે દેશોના તેમજ ભારતના બિહાર, પંજાબ અને મહારાષ્ટ્રના પતંગ રસિયાઓનો સમાવેશ થાય છે. તેમના એક બે અને ચાર દોરીઓથી સંચાલિત અલગ અલગ પ્રકારના ફ્રેમ કેસ, સ્ટન્ટ કાઇટ્સ, પાવર કાઈટ, ટ્રેન કાઈટ, મલ્ટી કાઇટ, અટેચમેન્ટ સાથેના પતંગો, ઉપરાંત, ડ્રેગન, ગોળાકાર, ગાંધીજીના પતંગે આકર્ષણ જમાવ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન દ્વારા આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં પતંગ, દોરી, આકાશ અને પવન જોઈએ જે આજે બધું જ છે તો આ અવસરને માણવા અને આવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
મેયરે જણાવ્યું હતું કે, આ અવસરે ભારત સહિત અન્ય દેશમાંથી પતંગબાજો અહીં પધારેલ છે અને બાળ ગીત અને લગ્ન ગીતમાં પણ જેનો ઉલ્લેખ થયો છે તેવી પતંગનો આજે આ મેદાનમાં આપ સૌ સંગીત સાથે માહોલ ઉભો કરવાનો છે. નાના બાળકથી વૃદ્ધ સુધી તમામને ગમતો વિષય છે. સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે જેમાં ચીકીનો પણ સમાવેશ થાય છે. આવો આપણે સૌ સાથે મળીને આ મહોત્સવને ઉજવીએ અને માણીએ.
સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ અને મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પ વડે સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું. રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે સરોજીની નાયડુ સ્કુલના છાત્રો દ્વારા રણછોડ રંગીલા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્વારા ખલાસી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ગરબા દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો, વિદેશી પતંગબાજો અને શહેરીજનો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.