બીબીએ, બીઆરએસની પરીક્ષામાં ઓછી હાજરી: એક પણ કોપીકેસ થયો નહીં
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા આજરોજ એલ.એલ.બી. સેમેસ્ટર ૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જે ૯૨.૩૨ ટકા રહ્યું હતું. આ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુન: મૂલ્યાંકન કરાવવા ઇચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક (http://bknmu. gipl.net) પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ક એન્ટર કરી ઓનલાઇન અરજી કરી શકશે. કાયદા વિદ્યાશાખા (લો)ના વિદ્યાર્થીઓ માટે વકીલાત કરવા માટેની સનદ લેવા અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ જાહેર થયેલ છે. જે બાબતને ધ્યાને લઇ એલ.એઇ.બી. સેમેસ્ટર ૬નું પરિણામ આજરોજ જાહેર કર્યાનું કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું.
દરમ્યાન યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષામાં બી.એ, બી.કોમ. સહિત મોટાભાગની સ્ટ્રીમની પરીક્ષાઓ પૂરી થઇ ગઇ હતી. ગઇકાલે આઠમાં દિવસની બી.બી.એ. અને બી.આર. એસ.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી. જેમાં કુલ ૮૦૧ વિદ્યાર્થીઓમાંથી ૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એકપણ કોપીકેસ થયો ન હતો.