ફરસાણના વેપારીઓ પર આરોગ્ય શાખાના દરોડા: ૧૨૩ કિલો અખાદ્ય ખોરાક, ૨૫૫ કિલો દાઝયા તેલનો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૩૦ કિલો અખાદ્ય, ૧૫૦ ગ્રામ કલર, ૨૫૫ કિલો દાઝીયુ તેલ, ૨૧૦ કિલો કાગળની પસ્તીનો નાશ કરી ૪૫ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. દરમિયાન આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલો લિજ્જત પાપડનો નમુનો પરીક્ષણમાં મીસ બ્રાન્ડ જાહેર થયો છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, કોઠારીયા રીંગ રોડ પર શ્રી મહિલા ગૃહઉધોગ લિજ્જત પાપડનો નમુનો લેવામાં આવ્યો છે. ૨૦૦ ગ્રામના પેકેજ પર ફુડ લાયસન્સના નંબર, ઉત્પાદનની તારીખ કે ન્યુટ્રીશન વેલ્યુ દર્શાવેલ ન હોવાના કારણે નમુનો મીસ બ્રાન્ડ જાહેર કરવામાં આવ્યો છે.
આજે આરોગ્ય શાખા દ્વારા ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વે‚નાથ નમકીન, મહાદેવ ફરસાણ, જલારામ ખમણ, જલિયાણ ફરસાણ, શકિતવિજય ફરસાણ, ઉમિયા ફરસાણ, જય સીયારામ ફરસાણ, જોકર ફરસાણ, સોના શીંગ, જે.કે.શીંગ, અમૃત ફરસાણ, દિપક ફરસાણ, સાધના ભેળ, ખોડીયાર સ્વીટ, પટેલ ફરસાણ, કૈલાસ ફરસાણ, પ્રકાશ હોટલ અને ચંદુભાઈ ભેળવાલાને રદી, કાગળ, દાઝીયુ તેલ, દુકાન પર કયા પ્રકારનું તેલ વાપરવામાં આવે છે તેનું બોર્ડ ન દર્શાવતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે. સાથો સાથ ૧૨૩ કિલો અખાદ્ય વસ્તુ અને ૨૫૫ કિલો દાઝીયા તેલનો નાશ કરવામાં આવ્યો છે.