લીંબડીનાં સૌકા ગામ તરફ જતાં તથા લીયાદ તથા લાલીયાદને લીંબડી સાથે જોડતો નદી કાંઠા પરનો પુલ ગત વર્ષે ચોમાસામાં વરસેલા વરસાદને કારણે વહી ગયો હતો. અત્યારે આગામી ચોમાસાને આડે માત્ર ત્રણ મહિના બાકી છે ત્યારે ૪ કરોડનાં ખર્ચે મંજુર થયેલ હોવા છતાં પુલ બનાવવાની કામગીરી શરૂ નહીં થતાં ત્રણેય ગામોનાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લીંબડી પંથકમાં વરસેલા અતીભારે વરસાદને લીધે મોટા ભાગનાં રસ્તાઓ તેમજ નદીમાં બાંધેલ કોઝવે તુટી ગયા હતા. ભોગાવા નદી કિનારે વસતા ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઉઘલ ગામનાં પુલ ને પણ નુકશાન થયું હતું તેમજ સૌકા, લીયાદ અને લાલીયાદને લીંબડી સાથે જોડતા અને પાણશીણા તથા ભાલપંથકનાં ગામોને નેશનલ હાઇવે સાથે જોડતો પુલ સંપુર્ણ ધરાશયી થઇ ગયો હતો.

સૌકા-લીંબડી વચ્ચે જુલાઇ મહિનામાં તુટી ગયેલાં પુલને ધારાસભ્ય કિરીટસિંહ રાણાના પ્રયત્નોથી ઓકટોબર મહિનામાં જ રૂપિયા ૪ કરોડનાં ખર્ચે નવો પુલ બનાવવાની મંજુરી મળી ગઇ હતી. છતાં માર્ચ મહિનાનાં અંત સુધીમાં પણ પુલ બનવાનું કાર્ય હાથ ધરવામાં આવેલ નથી જેનાં કારણે ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતાં ત્રણેય ગામોનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. સૌકા-લીંબડી વચ્ચેનાં કોઝવે પર કાચા રસ્તાને લીધે અડધો ઇંચ જેટલો વરસાદ થશે તો પણ આ રસ્તો ધોવાય જાય તેમ છે અને આગામી  ચોમાસામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે તેથી આ પુલની કામગીરી વહેલી શરૂ થાય તેવી માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.