આજના સમયમાં બદલાતી જતી રહેણીકરણીને કારણે અનેક નવા રોગો ઉદ્દભવ્યા છે. ખાવાપીવામાં પૂરતી કાળજી ન રાખવી પણ બીમારીને નોતરું દેવા સમાન જ છે. શરીરને સાનુકૂળ ન હોય તેવો ખોરાક પેટમાં ઠલવાય મતલબ પાચન ક્રિયામાં વિક્ષેપ ઉભો થવો. અને આ પાચન ક્રિયામાં વિક્ષેપ મતલબ આપણા પાચનતંત્રને અસર. પાચન ક્રિયામાં મહત્વનો ભાગ ભજવી તેમાંથી આર્યન, પ્રોટીન જેવા તત્વો છુટા પાડી શરીરને ઉર્જા પુરી પાડે છે અને સંતુલન જાળવી રાખે છે. આ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતા આપણા લિવર અંગે વાત કરીએ તો, હાલ લીવરને લગતી ઘણી એવી બીમારીઓ છે જે લાગે તો નાની, પણ જોખમ મોટું ઉભું કરે છે.
લીવરને યકૃત તરીકે પણ ઓળખાય છે. શરીરની સૌથી મોટી ગ્રંથી અને શરીરનું સૌથી મોટું આંતરિક અંગ છે. જેટલું આ મોટું અંગ છે સામે એટલી જ મોટી સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે. લીવરમાં સોજો આવવો, લિવરનું કેન્સર, લીવર સિરોસીસ વગેરે જેવી બીમારીઓનો ભોગ બનવાનું જોખમ વધી જાય છે.
જણાવી દઈએ કે, લીવર સિરોસીસએ અતિ જોખમી રોગ ગણાય છે. તેને લીવર કેન્સર પછીનો સૌથી ગંભીર રોગ ગણાય છે આમાં યકૃત ધીમે ધીમે ખરાબ થવાનું શરૂ થાય છે. યકૃતના કોષ નાસ પામે છે. તેની જગ્યાએ ફાઇબર રેસા બનવા લાગે છે. અને અંતે યકૃત નિષ્ક્રિય બની જાય છે. આ બીમારીની સારવારનો એક માત્ર વિકલ્પ લીવર ટ્રાન્સપ્લાન્ટ જ છે. જો તમને પણ નીચે મુજબના લક્ષણો દેખાતા હોય તો તેને ક્યારેય પણ નકારવા જોઈએ નહીં. અન્યથા તમે પણ અજાણ્યે જ આ બીમારીનો ભોગ બની શકો છો… તો ચાલો જાણીએ લિવર સિરોસીસના લક્ષણો વિશે….
આપણું યકૃત એક દિવસમાં અનેક કાર્યો કરવા માટે જવાબદાર છે. તે શરીરમાંથી ઝેર દૂર કરે છે, ઉત્સેચકો બનાવે છે જે આપણને ખોરાક પાચન કરવામાં મદદ કરે છે, ખાંડ અને પોષક તત્વોનો સંગ્રહ કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમારું લીવર કોઈ કારણસર અસરગ્રસ્ત થાય છે, ત્યારે તંદુરસ્ત યકૃતના કોષો મૃત્યુ પામે છે. લીવર સિરોસિસ ઘણીવાર યકૃતની અન્ય સમસ્યા અથવા રોગને કારણે વિકસે છે.
જો તમે યકૃતની સ્થિતિની સારવાર નહીં કરો, તો તે વધુ ખરાબ થશે અને સમય જતાં સિરોસિસમાં ફેરવાશે. અહીં કેટલાક કારણો જોઈએ જે લીવર સિરોસિસ માટે મુખ્ય જવાબદાર છે. વર્ષોથી દારૂનું સેવન, વાયરલ હિપેટાઇટિસ, અનિયંત્રિત ડાયાબિટીસ, સ્થૂળતા વગેરે… આપણું લીવર વિટામિન કેની મદદથી પ્રોટીન બનાવે છે જે લોહી ગંઠાઈ જવા માટે જરૂરી છે. આ ઉપરાંત, જૂના અથવા ક્ષતિગ્રસ્ત રક્તકણોને તોડવામાં પણ મદદ કરે છે. જ્યારે લીવર અસરગ્રસ્ત થાય છે ત્યારે તે પૂરતું પ્રોટીન બનાવતું નથી. આમ સમસ્યા વધુ ગંભીર બને છે.
લીવર સિરોસિસના લક્ષણો
- ભૂખ ઓછી થવી અને થાકની લાગણી થવી,
- તાવ રહે છે,
- વજનમાં ઘટાડો અથવા અચાનક વજનમાં વધારો,
- શરીર પર લાલ ફોલ્લીઓ,
- ત્વચા અને આંખો પીળી થવી,
- ચામડી પર ખૂજલી,
- પગ અને પેટમાં સોજો,
- પેશાબનો રંગ ભુરો અથવા નારંગી,
- ઝાડામાં લોહી પડવું.