દિલ્હી ભારતનું પાટનગર તો છે જ,પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી છાશવારે બનતા મહિલા અત્યાચાર જોતા એવું લાગે છે કે,દિલ્હી મહિલા અત્યાચારની પણ પાટનગર છે કે શું ?
લોકો 2012 નો નિર્ભયાકાંડ ભૂલ્યા નથી.વચ્ચેના સમયમાં નાના મોટા બનાવો તો બનતા જ રહ્યા છે. છેલ્લા કેટલાક માસ પહેલા શ્રદ્ધા વાલકરની હત્યાની ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા.શ્રદ્ધાની ઘટના હજુ તાજી જ છે.શ્રદ્ધાના પ્રેમી આફતાબે નિર્દય રીતે શ્રદ્ધાની હત્યા કરી તેના અનેક ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા.શ્રદ્ધાની ઘટના ભૂલ્યા નથી ત્યાં,છેલ્લા કેટલાક સમયથી નિક્કીના ખૂન કેસની ઘટના ફરી ચર્ચામાં આવી છે.નિકીના બોયફ્રેન્ડ સાહિલે તેની હત્યા કરી,ઢાબાના ફ્રિજમાં તેની લાશ રાખી દીધી હતી.
સાહિલ અને નિક્કી લીવ ઇન રિલેશનમાં રહેતા હતા.સાહિલ અને નિક્કી વચ્ચેના ઝઘડાનું કારણ કંઈક એવું હતું કે,સાહિલ અન્ય મહિલા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો.નિક્કીને આ વાત પસંદ ન હતી.નિક્કી તેનો વિરોધ કરી રહી હતી.આથી સાહિલે તેની હત્યા કરી.એટલું જ નહીં બલકે તે જ દિવસે સાંજે પરિવારજનોના કહેવા પર અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધા.
હત્યારાઓ કેટલી હદે નિષ્ઠુર અને જડ હશે તેનું આ સૌથી મોટું પ્રમાણ છે.કિસ્સો લવ જેહાદનો હોય કે સમાન ધર્મીએ કોઈની હત્યા કરી હોય,તે બાબત ગૌણ છે.ભોગ બનનાર બળાત્કારી કે હત્યા કરનાર હત્યારાના ધર્મ મહત્વના નથી.આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો સમય પાકી ગયો છે.પોલીસ પ્રશાસન કે યુવક યુવતીના માતા પિતાએ મનોમંથન કરવાની તાતી જરૂર છે.
દિલ્હી તો દેશની રાજધાની છે દિલ્હીમાં આવા કિસ્સા બને તેની જાણ સમગ્ર દેશને થાય એ સ્વાભાવિક છે.જોકે અન્ય ગામ કે શહેરોમાં પણ આવા નાના-મોટા કિસ્સા બનતા જ હશે.નિર્ભયા હોય,શ્રદ્ધા હોય,નીકી હોય કે પછી કોઈ અંતરિયાળ વિસ્તારની યુવતી હોય,હવસખોરનો ભોગ તો બને જ છે.આવી ઘટના અટકવી જ જોઈએ.
ભોગ બનનાર પુખ્ત હોય તો પોતાની પણ જવાબદારી બને છે.માતા પિતાની જવાબદારી તો સવિશેષ છે જ.માતા પિતાને થોડી તો ખબર હોવી જ જોઈએ કે દીકરો કે દીકરી ક્યાં જાય છે.શું કરે છે. કોની સાથે હરે ફરે છે.કોણ કોણ તેના મિત્રો છે.વહેલા મોડા ઘેર આવે અથવા ન આવે તો પણ માતા પિતાના પેટનું પાણી ના હાલે એ કેવું ? આજના મોટાભાગના માતા-પિતા પોતાના સંતાનોને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બનાવી રહ્યા છે. પશ્ચિમીકરણના આંધળા અનુકરણને લીધે બાળકોને વધુ પડતી છૂટછાટ આપવાની હોડમાં પોતાના પગ ઉપર કુહાડા મારી રહ્યા છે.ઘટના બહાર આવે ત્યારે માથે ઓઢીને રડે છે.નાની ઉંમરથી બાળકોના પહેરવેશ અને બહાર હરવા ફરવાની વધુ પડતી છૂટછાટ આપે છે.સમૃદ્ધિ વધવાથી માગણી મુજબની જરૂરિયાતો જેવી કે મોબાઈલ,વાહન,પોકેટ મની વગેરે પૂરાં પાડે છે.ઉપર જણાવ્યા મુજબ કોઈ જાતની રોકટોક કરતા નથી. દીકરા દીકરીની આ છૂછાટને સ્ટેટસ સમજે છે,ને પછી ઢગલાબંધ પસ્તાય છે.આવા કિસ્સામાં મોટે ભાગે દીકરીને જ સહન કરવાનું બને છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો અહેવાલ એવું કહે છે કે વિશ્વમાં દર ત્રણ પૈકી એક મહિલા પોતાના પાર્ટનર દ્વારા શારીરિક કે માનસિક હિંસાનો ભોગ બને છે.ભારતમાં આ પ્રમાણ 29 થી 31 ટકાની આસપાસ છે.આવા કિસ્સાઓને સંખ્યાથી નહીં પરંતુ સંવેદનાથી જોવા પડે.નિર્ભયા,શ્રદ્ધા કે નિક્કી નામ ભલે અલગ છે,પણ ઘટનાઓની કરુણતા તો સરખી જ છે. છોકરો કે છોકરી લિવ ઇન રિલેશનમાં સાથે રહે એ કોઈ વખોડવા જેવી બાબત નથી.લગ્ન કરતાં પહેલા આ રીતે સાથે રહેવાથી યુવક કે યુવતી પાર્ટનરથી પરિચિત થઈ જતા હોય છે.આમ સાથે રહેવાથી,જો બંને વચ્ચેનું સામંજસ્ય જોવા ન મળે તો તે અલગ થઈ શકે છે.ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા પહેલાં આવી સમજણથી અલગ પડી જાય,તો લગ્ન કર્યા પછી વાંધા પડવા કે વિરોધાભાસ થવાનું ટળી જાય છે.આવા લિવ ઈન રિલેશનમાં પાર્ટનર સાથે રહેવાથી એકબીજાને સમજી શકાય,ઓળખી શકાય તો ભવિષ્યમાં ખોટા પ્રશ્નો ઊભા થતા નથી.કમનસીબે આ રીતે લિવ ઈન રિલેશનમાં રહેવામાં મોટે ભાગે યુવતીનું શોષણ થતું હોય છે.સાથે રહી શોષણ કરી પછી છોડી દેવામાં આવે છે.અથવા તો હત્યા કરી નાખવામાં આવે છે.પરિણામે યુવતી ક્યાંયની રહેતી નથી.આ ગંભીરતા ધ્યાને લઈ યુવક યુવતીએ કે માબાપે આ બાબતે ખૂબ જાગૃત થવું જરૂરી છે. લિવ ઇન રિલેશનશિપમાં આવતા પહેલા કેટલીક બાબતો પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ.
જો તમારી વચ્ચેના સંબંધમાં પહેલેથી સારું ચાલી રહ્યું નથી.મતલબ કે બંને વચ્ચે વાત વાતમાં વિવાદ થયા કરે છે.તમને એવું લાગે છે કે સાથે રહેવાથી બધું ઠીક થઈ જશે,તો એવું બિલકુલ નથી.જો તમારા સંબંધમાં અથવા તમારા પાર્ટનરમાં કડવાશ છે,તો આ નિર્ણય લેવો તમારા માટે ખોટો સાબિત થઈ શકે છે.કડવાશ ભર્યા સંબંધોમાં સમજણનો ઘણો અભાવ હોય છે.જ્યાં સમજણ ન હોય ત્યાં સંબંધો ઘણી વખત નબળા પડવા લાગે છે.પરંતુ જો તમારા સંબંધમાં વધુ સારી સમજણ છે અથવા જો તમારો પાર્ટનર તમારા વિશે બધું સમજે છે.તમારી લાગણીઓને મહત્વ આપે છે,તો જ તમારે આ બાબતે આગળ વધવું જોઈએ. તમે જ્યારે સાથે રહો છો,ત્યારે તમારા ખર્ચનું પણ ધ્યાન રાખવું પડશે,એવું ના હોવું જોઈએ કે એક જ વ્યક્તિ કમાય,કારણ કે વધુ પડતા ઝઘડા અને ગેરસમજ પૈસાની તંગીને લીધે થતા હોય છે.એટલા માટે મહત્વનું છે કે,તમારી પાસે સ્થિર નોકરી હોવી જોઈએ.ચોક્કસ આવક હોવી જોઈએ.પાર્ટનર સમજદાર હોય તો બધું જ સમજદારીથી મેનેજ થઈ શકે છે.જો તમારી પાસે પણ આવો સમજદાર પાર્ટનર હોય તો તમે લિવ ઈન વિશે વિચારી શકો છો. જો તમારા સંબંધોમાં ઝઘડા અને લડાઈને કોઈ અવકાશ ન હોય તો તમે લિવ ઈન વિશે વિચારી શકો છો.કારણ કે લડાઈ અને ઝઘડો ક્યારેક તેની સાથે ભયંકર પરિણામો લાવે છે.તેથી જ તમારી સલામતી માટે તે મહત્વનું છે કે,તમારે આ બાબતની પણ ચોકસાઈ કરી લેવી જોઈએ.નાના નાના ઝઘડા તો સામાન્ય છે,પરંતુ જ્યારે ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો ખરાબ પરિણામ આવી શકે છે. લિવ ઇન રિલેશનશિપમાં બંને પાર્ટનરે એકબીજાની મર્યાદાનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે.આ મર્યાદાને પાર કરવાનો ક્યારેય પ્રયાસ કરવો જ ન જોઈએ.દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન હોય છે.તમે રિલેશનશિપમાં છો,તેનો અર્થ એ નથી કે તમે લાઈન ક્રોસ કરી શકો છો.બન્ને પાર્ટનરે ઉભય પક્ષે આ મર્યાદાનો ખ્યાલ રાખવો ઘટે.આ બાબતે કોઈ પાર્ટનરે અધિકાર જતાવવાનો નથી.નથી કોઈએ બીજા પર દબાણ લાવવાનું..! બન્ને પાર્ટનર આ બાબતે મક્કમ હોય,તો તમે લિવ ઇન વિશે વિચારી શકો છો.
લિવ ઇનમાં આવ્યા પછી અથવા જો તમે અત્યારે રહેતા હો તો તેનો અર્થ એ નથી કે તમે તમારા પોતાના પરિવારના લોકો સાથે વાત કરવાનું બંધ કરી દો.સંપર્ક કાપી નાખો.ખરા અર્થમાં તો લિવ ઈનમાં રહેતા પહેલા બન્ને પાર્ટનરે પોતાના માતા પિતાને વિશ્વાસમાં લેવા જઈએ.તેઓની સંપૂર્ણ સંમતિ પછી જ લિવ ઈનમાં રહેવાનું શરૂ કરવું જોઈએ.જો તમે સગાં,સંબંધી કે મિત્રો સાથેના સંપર્કમાં રહો તો તમારે કોઈ સમસ્યા કે કોઈ મુશ્કેલી આવે તો આવા સમયે તમારા મિત્રો કે સગાં,સંબંધીઓને તમે જણાવી શકો. તે લોકોની મદદ પણ લઈ શકો છો.આથી લિવ ઈનમાં રહેતી વખતે જૂના સંપર્કો છે,તે જાળવી રાખવા જોઈએ,યથાવત રહેવા દેવા જોઈએ.મોટા ભાગના યુવક યુવતી પોતાનાં મા બાપની સંમતી વગર લિવ ઈનમાં રહેતાં હોય છે.આથી કોઈ સમસ્યા સર્જાય ત્યારે માબાપની મદદ લેતાં સંકોચ અનુભવે છે.પરિણામે સમસ્યાનો કોઈ ઉકેલ શોધી શકતા નથી.
વર્તમાન યુગમાં લિવ ઇન રિલેશનશિપને કારણે ઊભી થતી અસલામતી એટલી વધી ગઈ છે કે,ઘણી વખત કોર્ટ પણ આવા સંબંધો પર તીખી ટિપ્પણીઓ કરી ચૂકી છે.ભૂતકાળમાં જાતીય સતામણીના કેસની સુનાવણી કરતી વખતે મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઈન્દોર બેંચે રિલેશનશિપને અભિશાપ અને નાગરિકોના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાની બંધારણીય ગેરંટીની આડ પેદાશ ગણાવી હતી.ખરેખર આવા સંબંધોમાં અસુરક્ષા અને અપૂર્ણતા હંમેશા રહે છે.એકબીજાનો સાથ મળતા છતાં પણ સહજીવનમાં હંમેશા આંતરિક શૂન્યતા અને ભયનું વાતાવરણ હોય છે.
આવા મોટાભાગના સંબંધોનું કોઈ ભવિષ્ય હોતું નથી. ઓરમેક્સ મીડિયા દ્વારા ભારતના 40 શહેરોમાં યુવાનો પર હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં 72 ટકા યુવાનો માને છે કે લિવ ઇન રિલેશનશિપ નિષ્ફળ જાય છે.મનોવૈજ્ઞાનિક રીતે પણ સહજીવનના સંબંધમાં માત્ર ભાવનાત્મક સ્તરે ખાલીપણું જોવા મળે છે.આવી બર્બર ઘટનાઓ આવા સંસ્કારોનું પરિણામ છે.ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે લિવ ઈન રિલેશનશિપને લગ્નનો દરજ્જો આપવાની વાત કરી હતી.જેથી સામાજિક અને પારિવારિક તાણાવાણાંથી દૂર કાયદા દ્વારા જ આ સંબંધોને સ્થિરતા અને સુરક્ષા આપી શકાય. આજના યુવાનોએ સમજવું જરૂરી છે કે,જો બંને પાર્ટનર જવાબદારી ઉપાડવા સક્ષમ ન હોય તો લિવ ઈન રિલેશનશિપમાં રહેવું જોખમી થઈ પડે છે.લિવ ઈન રિલેશનશિપમાં લગ્ન સંસ્થા જેવી ભાવનાત્મક,સામાજિક અને પારિવારિક સુરક્ષા મેળવી શકાતી નથી.લગ્ન સંસ્થામાં જવાબદારીની ભાવના અને પારિવારિક બંધન મજબૂત પૃષ્ઠભૂમિ બનીને મન અને જીવનને પકડી રાખે છે.વૈવાહિક સંબંધો સાથે સંકળાયેલ સામાજિક સ્વીકૃતિ સુરક્ષા અને શક્તિપ્રદાન કરે છે.સંબંધમાં કોઈ બંધન ન હોય તો જવાબદારીની કોઈ ભાવના પણ નથી હોતી.
કાચી ઉંમર,સમજણનો અભાવ અને દેખાદેખીની દોડમાં આજના યુવાનોએ જાગૃત થઈ,કારકિર્દી બનાવવા તરફ ધ્યાન આપવાની જરૂર છે.કારકિર્દી બનાવ્યા પછી ભારતની પરંપરા મુજબ લગ્ન સંસ્થાના માધ્યમે ગૃહશ્રમમાં પ્રવેશવુંજોઈએ.આવી સમજણ સહુ યુવાનોમાં કેળવાય એમાં જ યુવાનોનું શ્રેય,પ્રેય અને હિત સમાયેલું છે.