લિવ ઈનમાં રહેતા યુગલને ફકત આક્ષેપના આધારે પોલીસ રક્ષણ ન આપી શકાય!!
લિવ ઈન રિલેશનશિપ શબ્દ નવો નથી. અવાર નવાર સમાજમાં આ શબ્દનો ઉલ્લેખ થતો આવ્યો છે પણ હાલ અલ્હાબાદ હાઇકોર્ટએ લિવ ઈન અંગે જે ચુકાદો આપ્યો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, લિવ ઈન રિલેશનશિપ ક્યારેય લગ્ન જીવનનું પર્યાય બની શકે નહીં. આ શબ્દો હાઇકોર્ટે ત્યારે ઉચ્ચાર્યાં હતા જયારે એક લિવ ઈનમાં રહેતા યુગલે પોલીસ સુરક્ષાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ દિશામાં હાઇકોર્ટે એવુ અવલોકન કરતા અરજી નામંજૂર કરી હતી કે, ફકત આક્ષેપના આધારે પોલીસ સુરક્ષા આપી શકાય નહીં.
અલાહાબાદ હાઇકોર્ટે આંતર-ધાર્મિક લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક યુગલ દ્વારા પોલીસના હાથે કથિત સતામણી સામે રક્ષણ મેળવવાની અરજીને ફગાવી દેતી વખતે તાજેતરમાં અવલોકન કર્યું કે વ્યક્ત કરાયેલા મંતવ્યો એક દૃષ્ટિકોણ તરીકે સમજી શકાય નહીં.
જસ્ટિસ સંગીતા ચંદ્રા અને જસ્ટિસ નરેન્દ્ર કુમાર જોહરીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, પરંપરાગત રીતે કાયદો લગ્નની તરફેણમાં પક્ષપાતી રહ્યો છે, આવા સંબંધોને કારણે થતા ભાવનાત્મક અને સામાજિક દબાણો, કાનૂની અવરોધો વિશે યુવા મનમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
મામલામાં 29 વર્ષીય હિંદુ મહિલા અને 30 વર્ષીય મુસ્લિમ પુરુષ દ્વારા તેમની સુરક્ષાની માંગ કરતી અરજી (પોલીસ ઉત્પીડન સામે)ની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મહિલાની માતા તેમના લિવ-ઈન રિલેશનશિપથી નાખુશ છે અને તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
તેમની અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કોઈને પણ તેમના અંગત જીવનમાં અડચણ ઉભી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેઓ પોલીસ તરફથી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે અને તેથી તેમને કોર્ટ દ્વારા રક્ષણ આપવું જોઈએ.
હાઇકોર્ટે નોંધ્યું કે, સર્વોચ્ચ અદાલતના લિવ ઈન રિલેશન અંગે કરવામાં અવલોકનો આવા સંબંધોને પ્રોત્સાહન આપતું ગણી શકાય નહીં. કાયદો પરંપરાગત રીતે લગ્નની તરફેણમાં પક્ષપાતી રહ્યો છે. તે લગ્નની સંસ્થાને જાળવવા અને પ્રોત્સાહિત કરવા માટે વિવાહિત વ્યક્તિઓને ઘણા અધિકારો અને વિશેષાધિકારો અનામત રાખે છે. સર્વોચ્ચ અદાલતે સામાજિક વાસ્તવિકતા સ્વીકારી છે અને ભારતીય પારિવારિક જીવનના તાણાવાણાને ઉઘાડી પાડવાનો કોઈ ઈરાદો નથી.
કોર્ટે કહ્યું, રિટ અધિકારક્ષેત્ર એ અસાધારણ અધિકારક્ષેત્ર હોવાને કારણે બે ખાનગી પક્ષો વચ્ચેના આ પ્રકારના વિવાદને ઉકેલવા માટે રચાયેલ નથી. અમે માનીએ છીએ કે આ એક સામાજિક સમસ્યા છે જે સામાજિક રીતે ઉકેલી શકાય છે.
ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, જો માતા-પિતા અથવા સંબંધીઓને લાગે છે કે તેમનો પુત્ર કે પુત્રી સગીર હોવાને કારણે લગ્નના હેતુથી ગેરકાયદેસર રીતે ભાગી ગયો છે, તો તેઓ કાર્યવાહી કરવા માટે સમાન રીતે સ્વતંત્ર છે. પરંતુ, જ્યારે બંનેમાંથી કોઈ એક બીજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવે અને અમુક આક્ષેપો સાથેની માત્ર એક કાલ્પનિક અરજી ખાસ કરીને અરજદારો જેમ કે અહીં લિવ-ઇન રિલેશનશિપનો આનંદ માણતા હોય તેવા વ્યક્તિઓ દ્વારા તેઓએ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરી છે. કોર્ટે યુગલને રક્ષણ મેળવવાની તેમની અરજી ફગાવી દીધી હતી.
‘મંઝિલ’ વિનાના લિવ ઈનને અદાલત પ્રોત્સાહન આપતું નથી
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજદારોએ નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાની કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી કે તેઓ કેટલા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં છે અને તેઓ પરિણીત છે કે કેમ તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. તેમણે રિટ પિટિશનમાં ક્યાંય પોલીસ તેમના ઘર સુધી પહોંચી હોય અથવા પોલીસ સ્ટેશન લઈ જવાના કોઈ ચોક્કસ દાખલાનો ઉલ્લેખ કર્યો નથી. કોર્ટે અવલોકન કર્યું કે આંતરધર્મ દંપતીએ માત્ર આરોપો સાથે કોર્ટનો સંપર્ક કર્યો છે, જે કોઈ ચોક્કસ અરજી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી.
શું કાયદો લિવ ઈનને માન્યતા આપે છે?
કેરળ હાઇકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, કાયદો લિવ ઇન રિલેશનને લગ્ન તરીકે માન્યતા આપતો નથી. આવા સંબંધને છુટાછેડાના હેતુ માટે પણ માન્યતા આપવામાં આવતી નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે માત્ર પર્સનલ લો અથવા ધર્મનિરપેક્ષ કાયદા અનુસાર થનારા લગ્નોને જ કાયદાકીય માન્યતા મળે છે. કેરળ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, કાયદાએ હજુ સુધી લિવ ઇન રીલેશનશીપને લગ્ન તરીકે માન્યતા આપતી નથી.
કાયદો લગનને ત્યારે જ માન્યતા આપે છે જયારે તો પર્સનલ લો અથવા સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ થયા હોય, પક્ષકાર કોઇ સંમતિના આધારે એક સાથે રહેવાનો નિર્ણય કરે ત્યારે તો વિવાહ કે છુટાછેડાની માંગણી માટે યોગ્ય ઠરતા નથી. હાઇકોર્ટે એવું પણ જણાવ્યું હતું કે વર્તમાન કેસમાં છુટાછેડાના આવા કેસ પર વિચારણા ફેમીલી કોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. તેમણે જોડીને વિચાર યોગ્ય નહીં હોવાનું જણાવી અરજી ફગાવી દેવી જોઇતી હતી.