ગત ૯ માસમાં એક પણ નેનોનું ઉત્પાદન નથી થયું: આ સમય દરમિયાન માત્ર એક ગાડી વેચાઈ
દેશને ઓટો મોબાઈલ હબ બનાવવા માટે સંજય ગાંધી ભારત દેશમાં મારૂતી લઈ આવ્યા હતા. તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટા મોટર્સને પશ્ર્ચિમ બંગાળનાં સિંગુલથી ગુજરાત રાજયનાં સાણંદ સુધી લઈ આવ્યા હતા અને ગુજરાતમાં સાણંદને ઓટો મોબાઈલ હબ બનાવવા માટે અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધર્યા હતા. ઓટો મોબાઈલની ઘણી કંપનીઓ ગુજરાતમાં આવી પરંતુ લોકોએ તેનો સ્વીકાર કર્યો ન હતો. લોકોની માન્યતા છે કે, સસ્તુ એટલું નબળું જેના કારણે નેનો જયારથી શરૂ થઈ ત્યારથી તે લોકોનાં મગજમાં સ્થાન જાળવી શકી ન હતી. કારણોસર નેનો ગાડી પીટાઈ ગઈ.
આંકડાકિય માહિતી મુજબ ગત ૯ માસમાં નેનો ગાડીનું એક પણ યુનિટનું નિર્માણ થયું ન હતું. જેની સામે ગત ૯ માસમાં માત્ર એક જ ગાડી વેચાઈ હતી ત્યારે લોકોની માનસિકતાનાં કારણે સસ્તી ગાડી કે સારી ગુણવતાવાળી હોય તે પીટાઈ જતા નેનોની દુર્દશા થઈ હોવાનું સામે આવ્યું છે. ટાટા મોટર્સે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં એક પણ નેનો કારનું પ્રોડક્શન કર્યું નથી. ફેબ્રુઆરીમાં એક નેનોના વેચાણની જરૂરિયાત હતી. જોકે કંપનીએ નેનોનું પ્રોડક્શન કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી નથી. જોકે કંપનીના અધિકારી એ સંકેત આપી ચૂક્યા છે કે એપ્રિલ ૨૦૨૦થી નેનોનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું હતું કે બીએસ-૬ ઉત્સર્જન માપદંડ અને નવા સુરક્ષા નિયમ પુરા કરવા માટે નેનોમાં આગળ રોકાણની યોજના નથી.
ટાટા મોટર્સે જાન્યુઆરી ૨૦૦૮માં દિલ્હીમાં થયેલા ઓટો એક્સપોમાં આમ આદમીની કારના રૂપમાં નેનોને રજૂ કરવામાં આવી હતી. માર્ચ ૨૦૦૯માં શરૂઆતની કિંમત ૧ લાખ રૂપિયા(બેસિક મોડલ)ની સાથે નેનો બજારમાં આવી હતી. જોકે આ કાર તેની આશા પર ખરી ઉતરી શકી ન હતી. છેલ્લા થોડા વર્ષથી વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ટાટા મોટર્સે ૨૯૭ નેનોનું પ્રોડક્શન કર્યું અને ઘરેલું બજારમાં ૨૯૯ કાર વેચી હતી. નેનોએ શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. પહેલા પશ્ચિમ બંગાળના સિંગૂરમાં પ્લાન્ટ શરૂ કરવાનો હતો. પરંતુ જમીન અધિગ્રહણમાં રાજકારણ અને ખેડૂતોના વિરોધના કારણે પ્લાન્ટને ગુજરાતના સાણંદમાં શિફટ કરવો પડ્યો હતો. લોન્ચિંગ બાદ કાર સળગી જવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે તેને સૌથી સસ્તી કાર તરીકે પ્રમોટ કરવી તે એક ભૂલ હતી.