મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન: કાજલ ઓઝા વૈદ્ય, જ્ઞાનવત્સલ સ્વામી, અંકિત ત્રિવેદી, જય વસાવડા અને સાંઈરામ દવે સહિતના વકતાઓ રહેશે હાજર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારના વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત આગામી ૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર બુક ફેર અને લીટ્રેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે તેમ આજે પત્રકાર પરિષદમાં બીનાબેન આચાર્ય, મ્યુનિ.કમિશનર બંધાનિધિ પાની, સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકારના વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી અને મહાપાલિકાના સંયુકત ઉપક્રમે ૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લીટ્રેચર ફેસ્ટીવલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૯મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિલામ્બરીબેન દવે, રાજય સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, અગ્ર સચિવ અંજુબેન શર્મા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર બીનાબેન આચાર્ય અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી ઉપસ્થિત રહેશે. શ્રીમતિ કાજલ ઓઝા વૈદ્ય, જ્ઞાનવત્સલ સ્વામી, અંકિત ત્રિવેદી, જય વસાવડા, સાંઈરામ દવે સહિતના વકતાઓ આ તકે હાજરી આપશે.
પાંચ દિવસીય ચાલનારા આ બુકફેર અને લીટ્રેચર ફેસ્ટીવલમાં સાહિત્યકારો, કવિઓ, કલા જગતના કસબીઓ ઉપસ્થિત રહેશે. ૧૫૦થી વધુ બુક સ્ટોલ અને પુસ્તકોના વિપુલ દરિયો હિલોળા લેશે. પુસ્તક મેળાનો લાભ ફકત મોટેરા પુરતો સીમીત ન રખાતા બાળકો માટે ૧ મીનીટ ગેમ્સ, ક્રિએટીવ ક્રાફટ, બેસ્ટ આઉય ઓફ વેસ્ટ, ચિત્ર હરિફાઈ, સ્ટોરી રાઈટીંગ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે ગીફટ એ બુક પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પાર્કિંગ વ્યવસ્થા અને ૪૦૦થી વધુ સ્વયંસેવકો સૌરાષ્ટ્રના અનોખા પુસ્તક મહોત્સવમાં સેવાનું યોગદાન આપશે. શબ્દ સંવાદ, તરવળાટ સાહિત્ય સંધ્યા, સર્જન વર્કશોપ જેવા કાર્યક્રમોમાં કૌષિકભાઈ મહેતા, દિપકભાઈ રાજાણી, કિનરભાઈ આચાર્ય, અજયભાઈ ઉમટ, કાનાભાઈ બાટવા, કૃષ્ણકાંતભાઈ ઉનડકટ, જવલંતભાઈ છાયા સહિતના અનેક નામી પત્રકારો અને તંત્રીઓ વકતવ્ય આપશે. આ ઉપરાંત પૂ.જ્ઞાનવત્સલ સ્વામી, ડો.જગદીશ ત્રિવેદી, અપૂર્વ મુનિ સ્વામી, રામેશ્ર્વરદાસ હરિયાણી, રોહિત વઢવાણા, શૈલેષ સગપરીયા, ડો.શરદ ઠાકર, નિરેન ભટ્ટ, હારિત પુરોહિત, જયોતિ ઉનડકટ, જીજ્ઞેશ અધ્યા‚, સંજુ વાળા, મણીલાલ પટેલ, સુભાષ ભટ્ટ, દ્રષ્ટી પટેલ, નીખીલેશ્વર દાસ, દેવેન્દ્ર જાની અને આર.જે.દેવકી સહિતના મહાનુભાવો પોતાના વકતવ્ય આપશે. આ બુકફેર અને લીટ્રેચર ફેસ્ટીવલનો સન્માન સમારોહ ૧૩મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ કલાકે યોજાશે. બુકફેર અને લીટ્રેચર ફેસ્ટીવલ માણવા ઉમટી પડવા પુસ્તક પ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.