વર્ચ્યુલ હિયરિંગ વકીલોએ ઓફિસ અથવા નિવાસસ્થાનેથી જ ચલાવવા હાઇકોર્ટે કરી તાકીદ
કોરોના મહામારીને કારણે હાલ સુધી કોર્ટમાં મોટાભાગની કામગીરીઓ વર્ચ્યુલી કરવામાં આવે છે. જામીન અરજી સહિતના હિયરિંગ ઓનલાઇન વર્ચ્યુલ માધ્યમથી કરવામાં આવે છે. ત્યારે હાઇકોર્ટે વર્ચ્યુલ હિયરિંગ મામલે બાર કાઉન્સિલને તાકીદ કરતા હિયરિંગ સમયે શિસ્ત જાળવવા તેમજ બગીચા કે ગાડીમાંથી નહીં પરંતુ ઓફિસ અથવા ઘરેથી જ હિયરિંગ કરવામાં આવે તેવી તાકીદ પણ કરાઈ છે. હાલ તમામ કેસોની સુનાવણી વિડીયો કોંફરન્સના મધ્યમથી ચલાવવામાં આવે છે. ત્યારે જે વી અજમેરા નામના વકીલે વિડીયો કોંફરન્સ હિયરિંગ પોતાની કારમાં બેસીને ચલાવી હતી. સાથો સાથ હિયરિંગ સમયે વકીલ ધુમ્રપાન કરતા હોય સિગારેટનો ધુમાડો સ્ક્રીન પર દેખાતા જસ્ટિસ એ એસ સુપેહિયાએ આ બાબતે કડક વલણ દાખવ્યું હતું. જે વી અજમેરાના વર્તનને ગેરજવાબદાર વર્તણુક ગણાવી કોર્ટે રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ તકે હાઈકોર્ટે સૂચવ્યું હતું કે વિડીયો કોંફરન્સના માધ્યમથી ચાલતી વર્ચ્યુલ હિયરિંગ સમયે તમામ વકીલોએ શિસ્ત જાળવવું જરૂરી છે. કોઈ પણ વકીલે વર્ચ્યુલ હિયરિંગ બગીચા અથવા ગાડી સહિતના સ્થળોએથી ચલાવવી નહીં તેમજ હિયરિંગ વકીલે ઓફિસ અથવા પોતાના નિવાસસ્થાનેથી જ ચલાવવી. મામલામાં હાઇકોર્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ સૂચના આપી છે કે આ પ્રકારનું વર્તન બીજી વાર ન થાય તે હેતુસર તમામ વકીલોને સૂચના આપવી જરૂરી છે. હિયરિંગ સમયે આ પ્રકારનું ’અશિસ્ત’ કોઈ પણ કાળે ચલાવી લેવામાં ન આવે તેવું કોર્ટે નોંધ્યું હતું.