લોકો કંઈ પણ કામ કરતાં પહેલાં પોતાની રીતે જ એવું વિચારી લે છે કે હું આમ કરીશ તો લોકો શું વિચારશે ? હું તેમ કરીશ તો લોકો શું વિચારશે ? મારા વિશે શું બોલશે ?
આજ આદત આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આવા વિચારોને કારણે જ આપણે પૂરા આત્મવિશ્વાસ સાથે કંઈ પણ નવી શરૂઆત કરી શકતા નથી. આપણે એવું વિચારીએ છીએ કે મને આ કામમાં સફળતા નહીં મળે તો મારા સગા સંબંધીઓ, મારા પડોશીઓ, મારા મિત્રો મારા વિશે શું બોલશે ? મારા વિશે શું વિચારશે ? રોજ મારી ટીકા કરશે.
તેથી જો આપણે જીવનમાં કંઈક મોટું કરવા માંગતા હોઇએ તો આપણે લોકો વિશે વિચારવાનું બંધ કરીને આપણા પર ધ્યાન આપવું જોઈએ.
એક ભિખારી બગીચામાં રહેલી કચરાપેટીમાંથી લોકોનો એઠો છોડેલો અને કચરાવાળો ખોરાક ખાઈ રહ્યો હતો. તેની આસપાસ રહેલા કુતરાઓ તેના પર ભસી રહ્યા હતા પણ તે ભિખારી એનું કામ કરી રહ્યો હતો. તેના ચહેરા પર ડર કે શરમ દેખાતી ન હતી. તે માત્ર ખાવાનું શોધીને ખાઈ રહ્યો હતો. તેની આસપાસના લોકો શું બોલી રહ્યા છે કે કુતરાઓ ભસી રહ્યા છે તેના પર તે ભિખારી નું ધ્યાન જ નહતું.
તેની આસપાસ શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન ન આપ્યું અને ભસવા વાળા ભસતા રહી ગયા બોલવા વાળા બોલતા રહી ગયા અને ભિખારીએ પોતાની ભૂખ સંતોષી લીધી.
તો મિત્રો આપણે પણ આ વિચારસરણી અપનાવીએ તો આપણે ક્યારેય પણ કોઈ કામમાં પાછળ રહીશું નહીં. આપણે આપણા કામ લોકોના વિચારોને ધ્યાનમાં રાખ્યા વગર કરીએ તો સફળતા જરૂર મળશે.
– આર. કે. ચોટલીયા