આ પગલાંથી ડિસ્ટ્રેસ્ડ લિસ્ટેડ કંપનીઓની કાયાપલટ થવાની સંભાવનાઓ મજબૂત બનશે

બજાર નિયામક સેબીએ ધિરાણકર્તાઓ માટે ડિસ્ટ્રેસ્ડ લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો ખરીદવા માટેના નિયમો હળવાં બનાવી તેમને શેરધારકોને ઓપન ઓફર કરવામાંથી મુક્તિ આપી છે. જોકે આ મુક્તિ વિશેષ ઠરાવ દ્વારા હિસ્સાને હસ્તગત કરવા માટે શેરધારકોની મંજૂરી સહિતની કેટલીક શરતોને અધિન રહેશે.દેશની બેન્કિંગ સિસ્ટમમાં રહેલી આશરે રૂ.૮ લાખ કરોડની બેડ લોન્સની સમસ્યાને હળવી બનાવવાના સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા કરાઈ રહેલા પ્રયાસો બાદ સેબીએ પણ આ દિશામાં સક્રિયતા દાખવી છે. સેબીએ લિસ્ટેડ હોય તેવી ઉપરાંત ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ રિઝોલ્યુશન પ્લાન્સ મંજૂર થયા હોય તેવી તણાવગ્રસ્ત કંપનીઓના રિસ્ટ્રક્ચરિંગ માટેના નિયમો હળવાં બનાવ્યા છે. આ પગલું સંકટગ્રસ્ત લિસ્ટેડ કંપનીઓની કાયાપલટ કરવાનું લક્ષ્ય ધરાવે છે જેનાથી તેમના શેરધારકો અને ધિરાણકર્તાઓને લાભ થશે.હાલમાં પ્રેફરેન્શિયલ ઈસ્યુ રિક્વાયરમેન્ટ્સ અને ઓપન ઓફર ઓબ્લિગેશનમાંથી મુક્તિ એવા ધિરાણકર્તાઓને ઉપલબ્ધ બનાવાય છે જેઓ સ્ટ્રેટેજીક ડેટ રિસ્ટ્રક્ચરિંગ(એસડીઆર) સ્કીમ હેઠળ ડિસ્ટ્રેસ્ડ લિસ્ટેડ કંપનીઓના રિસ્ટ્રક્ચરિંગની જવાબદારી લે છે.આ મામલે સેબીને રજૂઆત કરાઈ હતી કે જે ધિરાણકર્તાઓએ શેર્સ હસ્તગત કર્યા છે અને તેને તેઓ નવા શેરધારકોને વેચવા માગે છે તેમાં તેમને ઓપન ઓફર કરવી પડતી હોઈ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ પ્રકારની ઓફર્સને લીધે સંબંધિત કંપની માટે રોકાણ માટે ઉપલબ્ધ ભંડોળમાં વધુ ઘટાડો થાય છે.આ પ્રકારની મુક્તિ વિશેષ ઠરાવ દ્વારા કંપનીના શેરધારકોની મંજૂરી તથા ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી શેરહોલ્ડિંગ જાળવી રાખવા જેવી કેટલીક શરતોને અધિન રહેશે.વિશેષ ઠરાવમાં કંપનીના ઓછામાં ઓછા ૭૫ ટકા શેરધારકોની મંજૂરી જરૂરી રહેશે.આ સિવાય આ મુક્તિ રિઝર્વ બેન્કની માર્ગદર્શિકાને અનુરૂપ રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ હાથ ધરનાર ધિરાણકર્તાને જ ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત ઈસ્યુઅરે સંપાદિત કરાનારી પ્રસ્તાવિત કંપની વિશે સ્પેશિયલ રિઝોલ્યુશન પસાર કરાવવા માટે બોલાવાનારી સામાન્ય સભાની નોટિસના વિવરણાત્મક નિવેદનમાં કેટલીક ચોક્કસ વિગતો આપવાની રહેશે.આ ડિસ્ક્લોઝરમાં પ્રસ્તાવિત શેર ખરીદીના અંતિમ લાભાર્થી, તેનું બિઝનેસ મોડેલ, સમયાંતરે કારોબારની વૃદ્ધિ અંગેના આયોજન, અગાઉના ત્રણ વર્ષના નાણાકીય પરિણામો, કંપનીઓના ટર્નએરાઉન્ડનો ઈતિહાસ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે ઈનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, ૨૦૧૬ હેઠળ એનસીએલટી દ્વારા મંજૂર કરાયેલા એક્વિઝિશનને ઓપન ઓફરમાંથી મુક્તિ માટેના નિયમો પણ નોટિફાય કર્યા છે.  કોડ હેઠળ ધિરાણકર્તા અથવા ઈનસોલ્વન્સીની પ્રક્રિયા ઈચ્છતી કંપનીએ સૌપ્રથમ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)નો સંપર્ક કરવાનો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.