જનરલ બોર્ડ પૂર્વે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ડે.મેયરનું નામ ઘોષિત કરી દેવાય તેવી સંભાવના: અરજન્ટ બિઝનેશ દરખાસ્ત મૂકાશે
રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડો.દર્શિતાબેન શાહે ગત 20મી ફેબ્રુઆરીના રોજ ડે.મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન ડે.મેયરની જગ્યા ખાલી પડી છે. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી દ્વારા ભાજપના તમામ 68 કોર્પોરેટરોના વર્તમાન હોદ્ા સાથેની નામાંવલી પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આગામી સોમવારે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. બોર્ડના મુખ્ય એજન્ડામાં ડે.મેયરની વરણી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી. પરંતુ અરજન્ટ બિઝનેશ દરખાસ્ત મૂકી વરણી કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ડો.દર્શિતાબેન શાહ તોતીંગ લીડ સાથે ચુંટાઇ આવ્યા હતાં. એક વ્યક્તિ, એક હોદ્ાના પક્ષના નિયમ અનુસાર તેઓએ ડે.મેયર પદેથી ગત મહિને સ્વેચ્છીક રાજીનામું આપી દીધું હતું. છેલ્લા એક મહિનાથી ડે.મેયરનું પદ ખાલી પડ્યું છે. આગામી સોમવારે કોર્પોરેશનમાં ડે.મેયરની વરણી કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે ભાજપના તમામ 68 કોર્પોરેટરોની નામાંવલી પ્રદેશ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવી છે.
જેમાં તમામના બાયોડેટા સાથે હાલ ક્યા કોર્પોરેટર મહાપાલિકામાં ક્યો હોદ્ો ભોગવે છે. તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. તેઓએ એવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આગામી સોમવાર સુધીમાં રાજકોટના ડે.મેયરની વરણી કરવા માટે કોઇ નિર્ણય લઇ લેવામાં આવે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે. સંભવત: શનિ કે રવિવારે સ્થાનિક હોદ્ેદારોને ગાંધીનગર ચર્ચા-વિમર્શ માટે પણ બોલાવવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોની પરંપરા મુજબ ભાજપ દ્વારા અગાઉથી કોઇપણ પ્રકારની જાહેરાત કરવામાં આવતી નથી. બોર્ડ-બેઠકના કલાક પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન સમિતિમાં બંધ કવરમાં આવેલું નામ જાહેર કરવામાં આવે છે. હાલ ડે.મેયર પદ માટે વોર્ડ નં.14ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત જ્યોત્સનાબેન ટીલાળાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. વર્તમાન બોડીની મુદ્ત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે પછીની બીજી અઢી વર્ષની ટર્મ મેયર પદ માટે મહિલા અનામત છે. આવામાં જો ડે.મેયર તરીકે કોઇ મહિલા કોર્પોરેટરની પસંદગી કરવામાં આવશે તો તેઓને માત્ર 6 માસ માટે ડે.મેયર પદે રાખવામાં આવશે. જો કોઇ પુરૂષ કોર્પોરેટરને ડે.મેયર બનાવવામાં આવશે તો તેઓની મુદ્ત ત્રણ વર્ષ માટે કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. શહેર ભાજપ દ્વારા તમામ કોર્પોરેટરોના નામ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. હવે હાઇકમાન્ડ કોના પર પસંદગીનું કળશ ઢોળશે તેના પરથી સોમવારે પડદો ઉંચકાશે. જનરલ બોર્ડ માટે પ્રસિદ્વ થયેલ એજન્ડામાં ડે.મેયરની ચૂંટણીનો કોઇ દરખાસ્ત લેવામાં આવી નથી. અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરવામાં આવે અને ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના હાલ વર્તાઇ રહી છે.