- થર્ટી ફર્સ્ટ પહેલાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો સપાટો
- 32916 બોટલ દારૂ સહિત રૂ. 1.27 કરોડના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
- રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સહિત કુલ સાત શખ્સોની શોધખોળ
થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂનો જથ્થો ઘુસાડી શરાબની રેલમછેલ સર્જવા રઘવાયા થયેલા નશાના કાળા કારોબારીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તવાઈ બોલાવી છે. એસએમસીની ટીમે દમણથી રાજકોટ આવી રહેલા બે ક્ધટેનરમાંથી રૂ. 77 લાખની કિંમતની 32916 બોટલ કબ્જે કરી એક ચાલકની ધરપકડ કરી છે જયારે રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સહીત કુલ સાત શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસએમસીની ટીમે આ દરોડો સુરત ગ્રામ્યના કામરેજ પોલીસની હદમાં પાડ્યો હતો.
વર્ષ પૂર્ણ થવાને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે ઘણા લોકો વિદેશી દારૂનું સેવન કરી ઉજવણી કરતા હોય છે. જેને લઇને બૂટલેગરો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે. ત્યારે વિદેશી દારૂ ન ઘુશે તે માટે પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી રહ્યું છે. ત્યારે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા મળી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર કામરેજ પોલીસની હદમાં આવેલી મહાદેવ હોટેલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા બે ક્ધટેનર ઝડપી લીધા હતા. એક ક્ધટેનર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે બીજો પકડાઈ ગયો હતો. ક્ધટેનર ખોલવામાં આવતા સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી. બંને ક્ધટેનરમાંથી 77 લાખની કિંમતની કુલ 32,916 વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી.
સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂ, બે ક્ધટેનર, રોકડ, મોબાઈલ મળી કુલ 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્ધટેનરચાલક વિવેક કુમાર શ્યામ સુંદરને ઝડપી અનિલ યાદવ, માણેક પટેલ, રવીન્દ્ર રાજપૂત સહિત કુલ 7ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ દારૂનો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યાનો એસએમસીની તપાસમાં ખુલવા પામ્યો છે ત્યારે હવે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.