- હોટેલના પાર્કિંગમાં રહેલા ટ્રેલરની જડતી કરી શરાબની 300 પેટી સાથે ચાર શખ્સોની ધરપકડ કરતી પૂર્વ કચ્છ એલસીબી
- પકડાયેલા પૈકી એક આદિપુર એટીએમ લૂંટ કાંડનો આરોપી
ભચાઉ તાલુકાના લાકડિયા નજીક ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલના પાર્કિંગમાંથી ચોખાની બોરીની આડમાં છુપાવેલો રૂ. 25 લાખનો દારૂ પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આ સાથે ચાર શખ્સને પકડી પાડયા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી એક શખ્સ અગાઉ આદિપુરમાં એટીએમ લૂંટ કાંડમાં પકડાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર લાકડિયા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલના પાર્કિંગમાં ઊભેલાં ટ્રેઇલરમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબી અને સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કટારિયા ચોકડી પુલ પાસે આવેલી હોટેલના પાર્કિંગમાં પોલીસ પહોંચી હતી. જ્યાં ઊભેલાં એક ટ્રેઇલર ઉપર ઢાંકેલી તાડપત્રી હટાવીને તપાસ કરાતાં તેમાં 1700 જેટલી ચોખાની બોરી જણાઇ આવી હતી. આ બોરીઓ હટાવી વચ્ચોવચ તપાસ કરાતાં શરાબની પેટીઓ મળી આવી હતી. આ વાહનમાંથી જુદી-જુદી ત્રણ બ્રાન્ડની દારૂની 300 પેટી જપ્ત કરાઇ હતી. જેની કિંમત રૂ. 25 લાખ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ચાર શખ્સને પકડી લેવાયા હતા.
ટ્રેઇલરની આગળ પાયલોટિંગ કરતી એક કારને પણ ઝડપી લેવાઇ હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા ચાર આરોપી પૈકી ધર્મેન્દ્ર જાટ હોવાનું પણ જાણવા મળ્યું હતું. વર્ષ 2016-17માં આદિપુરમાં વિનય સિનેમા સામે એટીએમમાં પૈસા લોડ કરવા આવેલી કેશવાનના કર્મીઓ ઉપર ફાયરિંગ કરી લૂંટના પ્રકરણમાં આ શખ્સ પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું.
આ કામગીરી એલસીબી પીઆઇ એન એમ ચુડાસમા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.