- સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. 10.11 લાખની કિંમતની શરાબની 1799 બોટલ કબ્જે કરી
- જૂનાગઢના ત્રણ બુટલેગરો સહીત ચાર શખ્સોની શોધખોળ
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ એકવાર સૌરાષ્ટ્રના દરોડો પાડ્યો છે. જૂનાગઢ તાલુકા પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે માખીયાળા પાસે એક ગોડાઉનમાંથી રૂ.10. 11 લાખની કીમતનો 1799 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી ત્રણ બુટલેગર સહીત ચાર સામે ગુન્હો દાખલ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મામલામાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે કે, જે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે તે જીપીસીબીની માલિકીનું છે અને બુટલેગર ટોળકીએ આ ગોડાઉન ભાડેથી મેળવી દારૂનો જથ્થો સંગ્રહ કર્યો હતો.
જૂનાગઢમાં નાતાલથી થર્ટી ફર્સ્ટ સુધી જિલ્લામાં 700 થી વધુ પોલીસ સ્ટાફે 21 ચેકપોસ્ટ ઉપર સથન ચેકિંગ કરીને 7723 વાહનોને તપાસી 712 ઈસમો સામે કાર્યવાહી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેની પોકળતા છતી થતી હોય તેમ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ.વી. પટેલ સહિતના સ્ટાફે માખીયાળા ગામની સીમમાં ઔદ્યોગિક વસાહતમાં સર્વે નંબર 223 ના ગેઇટ નંબર 3 પાસે આવેલા ગોડાઉનમાં રેડ કરી હતી. અહીંથી ગોડાઉનમાંથી વિદેશી દારૂનો રૂ.10,11,014 ની કીમતનો 1799 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
જે દારૂનો જથ્થો મળી આવતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવતા આ દારુનો જથ્થો જૂનાગઢના લખન મેરુ ચાવડા (ગિરનાર દરવાજા રોડ) અને એભા ઉર્ફે જયેશ મેરૂ ચાવડા (ગિરનાર દરવાજા રોડ) એ મંગાવ્યો હોવાનું અને દારુનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું.અને આ ગોડાઉન અશ્વિન શામળ રાવલીયા (વંદના સુદામાપાર્ક,ઈન્દ્રપ્રસ્થ સોસાયટી) નામના શખ્સે પોતાના નામે ભાડે રાખ્યું હોવાનું સામે આવતા ત્રણેય સામે તાલુકા પોલીસમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ ગોડાઉન જીપીસીબીની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે. આ ગોડાઉન જીપીસીબીના અધિકારીના તેમની દીકરીના નામે આવેલી છે, અને એક મહિના અગાઉ અશ્વિન રાવલીયા નામના જૂનાગઢના વ્યક્તિને બિલ્ડીગ મટીરીયલ્સ રાખવા માટે મહીને 40 હજારનું ભાડું નક્કી કરીને આપવામાં આવ્યું હતું. અને તેમનું એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, અહીં ગોડાઉન ભાડે રાખનાર અશ્વિન દ્વારા ક્રિષ્ના સિમેન્ટ વોલ પુછી ના નામે ભાડે રાખ્યું હતું અને અંદરથી સિમેન્ટની થેલીઓ પણ મળી આવી છે. સિમેન્ટના ગોડાઉનની આડમાં દારૂનો ધંધો કરવા ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું હતું.
દારૂ-જુગારના દુષણના પોલીસની સાંઠ ગાંઠ સાંખી નહિ લેવાય : જૂનાગઢ એસપીનો પત્ર વાયરલ
જુનાગઢમાં એસએમસીની રેડ વખતે જ જૂનાગઢ એસપીનો 9 માસ અગાઉનો એક પત્ર વાયરલ થયો છે. જેમાં દારૂની બદીમાં પોલીસની મિલીભગત હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. એસપી હર્ષદ મહેતાએ તા.13 માર્ચ 2024 ના રોજ દરેક થાણા અધિકારી, તેમજ એલસીબી, સહિતના સંબંધિત અધિકારી કક્ષાના સ્ટાફને એક પત્ર લખીને એલર્ટ કરીને વોર્ન કર્યા હતા, તે પત્ર વાયરલ થયો છે. જેમાં એસપીએ સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તાજેતરમાં એસએમસી દ્વારા વિસાવદર, વંથલી, બી ડિવીઝન, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારુ- જુગારના ગુન્હાઓ શોધી કાઢ્યા છે.એના ઉપરથી એવું ફલિત થાય છે કે, જિલ્લામાં ભૂગર્ભીય રીતે તેમજ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ દારુની પ્રવૃત્તિ ચાલુ છે. બહારની એજન્સીએ મોટી સફળ રેડ કરેલ અને સ્થાનિક પોલીસ આ પ્રવુતિથી અજાણ હોય તે પણ માનવા લાયક નથી. ત્યારે આવી નીતિ કોઈ પણ કાલે ચલાવી નહિ લેવાય તેવું એસપીએ સ્પષ્ટ કર્યું હતું. ત્યારે હવે સ્થાનિક પોલીસ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.