ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે આજથી અનેક જગ્યાએ દારૂની દુકાનો ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સમાચારની સાથે જ દારૂની દુકાનોની બહાર દારૂ પ્રેમીઓની ભીડ જોવા મળી હતી. નોઇડા-ગાઝિયાબાદ અને વારાણસીમાં આજથી દારૂનું વેચાણ શરૂ થઈ ગયું છે.
પ્રશાસન દ્વારા ગૌતમ બુધ નગરમાં તમામ દારૂ અને બીયરની દુકાનો ખોલવાની વહીવટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જે મુજબ જિલ્લામાં સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી દારૂ અને બીયરની દુકાનો ખોલવામાં આવશે. તે જ સમયે વારાણસીમાં આજે સવારથી જ દારૂની દુકાનની બહાર લોકોની ભીડ જોવા મળી હતી.
કોરોનાના નિયમો અનુસાર, દુકાનોની બહાર 6 ફૂટના અંતરે એક સર્કલ બનાવવો પડશે, જેથી સામાજિક અંતરને અનુસરી શકાય. ફક્ત માસ્ક પહેરનારાઓને જ દારૂ ખરીદવાની છૂટ આપવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની વચ્ચે પંચાયતી ચૂંટણીના સમયથી બધ દારૂની દુકાન ખોલવા માટે દારૂ વિક્રેતા વેલફેયર એસોસિએશને માંગ કરી હતી. આ અંગે એસોસિએશનના અધિકારીઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર પણ લખ્યો હતો.