• એક ‘ભૂલે’ તંત્ર આખાના ધંધે લગાડ્યા
  • શિક્ષણના ધામમાં દારૂની ભઠ્ઠી ધમધમી રહ્યાના અહેવાલને પગલે ડીસીપી ઝોન-2 બંગરવાનો સ્પષ્ટતારૂપી’ ખુલાસો’

એક સામાન્ય ભૂલની અસર કેટલી મોટી પડી શકે છે તેનું મોટું ઉદાહરણ રાજકોટ શહેરમાં સામે આવ્યું છે. પીસીબી બ્રાન્ચે ગત રાત્રીના એકસાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણ દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી અને ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. દરમિયાન દેશી દારૂના દરોડામાં ઝડપાયેલા બુટલેગરો વિરુદ્ધ થોરાળા અને યુનિવર્સીટી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુન્હાનો રેકોર્ડ ઓનલાઇન અપલોડ કરતી વેળાએ યુનિવર્સીટી પોલીસના કર્મચારીએ રૈયાધારથી ઝડપાયેલી ભઠ્ઠીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કેમ્પસમાં દર્શાવી દેતા ભારે વિવાદ સર્જાયો હતો. મામલામાં રાજ્ય સરકારના આરોગ્યમંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપી દીધું હતું. જે બાદ તાત્કાલિક પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા મામલો થાળે પડ્યો હતો.

અમદાવાદ, સુરતની જેમ રાજકોટમાં પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી) શાખાને મજબૂત બનાવવામાં આવી છે. જે બાદ પીસીબી દ્વારા દારૂ – જુગાર સહીતની બદ્દીને ડામવા સતત દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન ગઈકાલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શનમાં પીએસઆઈ એમ જે હુણની ટીમે અલગ અલગ ત્રણ દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો.

પીસીબીએ યુનિવર્સીટી પોલીસ મથક હેઠળ આવતા રૈયાધાર મફતિયાપરામાં દશામાંના મંદિર વાળા રોડ પર ચારબાઈ માતાજીના મંદિર પાસે આવેલી એક ઓરડીમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી, 32 લિટર દારૂ, 200 લિટર આથો ઝડપી અંકિત ઉર્ફે ભોલો અશોક સોલંકીની ધરપકડ કરી હતી.

બીજો દરોડો પણ યુનિવર્સીટી પોલીસ મથક હેઠળ આવતા રૈયાધાર મફતિયાપરા ધરમનગર આવાસ યોજના ક્વાર્ટરની પાછળના રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી, 22 લિટર દેશી દારૂ સાથે હરેશ પ્રવીણ સાડમીયાની અટકાયત કરી હતી. ત્રીજો દરોડો થોરાળા પોલીસ મથક હેઠળ આવતા ચુનારાવાડ શેરી નંબર 1માં આવેલી ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી, 215 લિટર દારૂ સાથે ગુલાબ આમદ કાતીયા, મનસુખ ઉર્ફે મુનો સુખા ઝાલાની અટકાયત કરી હતી. જયારે મનીસા ઉર્ફે મુનિ વિનોદ સોલંકીને ફરાર જાહેર કરવામાં આવી હતી.

પીસીબીએ પાડેલા ત્રણેય દરોડા પૈકી બે દરોડા યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં હતા. ત્યારે આ મામલે યુનિવર્સીટી પોલીસ મથકમાં અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા. જે પૈકી રૈયાધાર મફતિયાપરામાં દશામાંના મંદિરવાળા રોડ પર આવેલી ઓરડીમાથી ઝડપાયેલી ભઠ્ઠીની એફઆઈઆર ઓનલાઇન અપલોડ કરતી વેળાએ યુનિવર્સીટી પોલીસ મથકના કર્મચારીઓએ દરોડાનું સ્થળ રૈયાધારની જગ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ દર્શાવી દીધું હતું. જે બાદ વિવાદ ઉભો થયો હતો. પોલીસ કર્મચારીની ભૂલને પગલે શિક્ષણના ધામમાં ધમધમતી દારૂની ભઠ્ઠીના અહેવાલો વાયુવેગે આગળ વધ્યા હતા. અંતે આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ નિવેદન આપવું પડ્યું હતું. જે બાદ સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસે ભૂલ અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

દરોડાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બતાવી દેનાર કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે : ડીસીપી જગદીશ બંગરવા

સમગ્ર મામલે ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પીસીબી દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો હતો તેની એફઆઈઆર ઓનલાઇન અપલોડ કરતી વેળાએ યુનિવર્સીટી પોલીસના પીએસઓએ દરોડાના સ્થળમાં ભૂલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી લખી નાખતા ગેરસમજણ ઉભી થઇ હતી. આ મામલે પોલીસ કર્મચારીની ભૂલ અંગેની તપાસ એસીપી પશ્ચિમને સોંપવામાં આવી છે અને ભૂલ કરનાર કર્મચારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું પણ ડીસીપીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, એકવાર એફઆઈઆર ઓનલાઇન અપલોડ કરી દીધા બાદ તેમાં કોઈ સુધારો કરી શકાતો નથી જેથી આ મામલે નામદાર કોર્ટનેshifted પણ ભૂલ અંગે રિપોર્ટ કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.