• છેલ્લા 4 મહિનામાં દારૂ પીવા માટે 500 કર્મચારીઓએ અરજી કરી, માત્ર 250 વિઝિટર્સે જ  પરમિટ ઇસ્યુ કરાઈ, 150 લીટર દારૂ અને 450 લીટર બિયરનું વેચાણ

ગિફ્ટમાં દારૂની છૂટછાટનો ધાર્યો પ્રતિસાદ ન મળ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.  છેલ્લા 4 મહિનામાં દારૂ પીવા માટે માત્ર 500 કર્મચારીઓએ અરજી કરી છે. 250 વિઝિટર્સ માટે પરમિટ ઇસ્યુ કરાઈ છે. આ દરમિયાન 150 લીટર દારૂ અને 450 લીટર બિયરનું વેચાણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ પાટનગર ગાંધીનગરમાં આવેલી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીમાં ગત ડિસેમ્બરમાં દારૂબંધીના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી ત્યારે ભારે ચર્ચા અને હોબાળો મચી ગયો હતો. ગિફ્ટ સિટીમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે દારૂબંધીના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે, સરકારના નિર્ણય ગિફ્ટ સિટીનો ઉત્સાહ વધારવામાં નિષ્ફળ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સામે આવેલા ડેટા પ્રમાણે છેલ્લા ચાર મહિનામાં ગિફ્ટ સિટીમાં 600 લિટર દારૂનું વેચાણ થયું છે તેમાંથી બીયરનું વેચાણ 450 લિટર રહ્યું છે. સત્તાવાર ડેટા દર્શાવે છે કે 1 માર્ચથી માત્ર 500 કર્મચારીઓએ અરજી કરી છે અને દારૂના વપરાશની પરમિટ મેળવી છે જ્યારે ગ્લોબલ ફાઈનાન્સ ટેક હબમાં 24,000 જેટલા લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત 1 માર્ચથી અત્યાર સુધીમાં ગિફ્ટ સિટીની હદમાં દારૂ પીવા માટે 250 વિઝિટરને પરમિટ આપવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2023ના રોજ ગિફ્ટ સિટીમાં દારૂના શરતી વેચાણ અને વપરાશને મંજૂરી આપતું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલિસીનો અમલ 1 માર્ચથી શરૂ થયો હતો. તેમાં વચ્ચેનો સમય અરજીઓ મેળવવા અને અન્ય પ્રક્રિયા પૂરી કરવામાં ગયો હતો. પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ આ વર્ષે 1 માર્ચથી દારૂના વેચાણ અને વપરાશના ડેટાનું સંકલન કરવાનું શરૂ કર્યું હતું. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે દારૂબંધીનો નિર્ણય હળવો કર્યો હોવા છતાં તેને ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો નથી અને તેની ચર્ચા કરવામાં આવી રહી છે અને વિવિધ હિતધારકોના પ્રતિસાદના આધારે કેટલાક કારણો પણ ઓળખવામાં આવ્યા છે.

ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો હળવા હોવા છતાં દારૂનું વેચાણ અને વપરાશ ઓછો જોવા મળ્યો છે તેનું ટોચનું કારણ છે તેની ઊંચી કિમંત. ગિફ્ટ સિટીની હદમાં વેચતા દારૂની કિંમત રાજ્યભરની પરમિટની દુકાનોમાં ઉપલબ્ધ દારૂની કિંમત કરતાં ત્રણ ગણી વધારે છે. બીજું કારણ ગાઈડલાઈનનો એક નિયમ. ગાઈડલાઈનના આ નિયમ પ્રમાણે ગિફ્ટ સિટીમાં રોકાણ દરમિયાન યજમાન એટલે કે ગિફ્ટ સિટીના કર્મચારીએ દરેક વખતે મહેમાન સાથે હાજર રહેવું જોઈએ. સૂત્રોનું કહેવું છે કે આ નિયમ પણ અવરોધક સાબિત થયો છે કેમ કે લગભગ તમામ કર્મચારીઓ વ્યસ્ત પ્રોફેશનલ છે અને તેઓ મહેમાન પાછળ વધારે સમય ફાળવી શકે નહીં.

સૂત્રોએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકાર ગિફ્ટ સિટીની હદમાં દારૂના વેચાણ અને વપરાશને નિયંત્રિત કરતી ગાઈડલાઈન્સમાં જરૂરી ફેરફારો કરવાની દરખાસ્તને સક્રિયપણે અનુસરી રહી છે. રાજ્ય સરકાર વિશ્વભરમાંથી અને દેશના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ગિફ્ટ સિટીમાં કામ કરતાં કર્મચારીઓને કાર્યકારી વાતાવરણ પૂરું પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો ઈરાદો ધરાવે છે. એક સાહસિક પગલામાં રાજ્ય સરકારે ગયા વર્ષે 23 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપવામાં આવશે. દારૂબંધીમાં આપવામાં આવેલી આ છૂટછાટનો હેતું સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ’વાઈન અને ડાઈન’ સુવિધા દ્વારા ’ઈવનિંગ સોશિયલ લાઈફ’ શરૂ કરવાનો હતો જેનાથી વૈશ્વિક રોકાણકારો, ટેક્નિકલ નિષ્ણાતો અને ત્યાં કાર્યરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પ્રદાન કરવામાં આવી હતી. તેથી 31 ડિસેમ્બરે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.