અગાઉ પણ દારૂની બોટલ મળી આવી હતી: સત્તાધીશોનું મૌન
છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાદ-વિવાદમાં રહી છે ત્યારે સ્વતંત્રતા દિવસના બીજા દિવસે જ સંસ્કૃત્ત ભવનની પાછળના ભાગે દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણે યુનિવર્સિટીમાં જ સંસ્કૃતિની લોપ જ જોવા મળી રહી છે. અગાઉ પણ ત્રણથી વધુ વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેકવિધ જગ્યાએ દારૂની બોટલ મળતા યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે ફરી એકવાર દારૂની બોટલ મળતા સત્તાધીશો સામે આંગળી ઉઠી રહી છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં શરાબની રેલમછેલ હોય તેમ કરોડો- અબજો રૂપિયાનો દારૂ પકડાય જ છે. દારૂનુ દૂષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું હોય તેમ કેટલાક દિવસોના કિસ્સા પરથી સુચવાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી પણ દારૂની ખાલી બોટલો મળતા અનેકવિધ ચર્ચા થઈ રહી છે
ગુજરાતમાં સ્થાપનાકાળથી નશાબંધીનો કાયદો છે છતાં દુષણને સંપૂર્ણ ડામી શકાતુ નથી. થોડા દિવસો દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠ, એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલોમાંથી દારૂની મહેફીલો પકડાઈ હતી.ત્યારે ગઇ કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવન પાસે દારૂની ખાલી ત્રણ બોટલો મળી આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સંસ્કૃત ભવનના પાછળના ભાગેથી દારૂની ત્રણ બોટલો મળી હતી. વિદ્યાર્થીઓના ધ્યાને બોટલો ચડી હતી. યુનિવર્સિટી સતાધીશો તથા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું.વિદ્યાર્થીઓમાં નશાનું ચલણ વધી રહ્યું હોય તેમ તાજેતરમાં ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ પણ મળ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વખતોવખત વિવાદમાં આવતી રહે છે. દારૂની બોટલો મુદે નવો વિવાદ થવાના એંધાણ છે.