કબ્જે થયેલા કરતા ડબલ ‘માલ’!!! ગામમાં આ ચર્ચાએ ગરમાવો?
ઘટના સ્થળે એકથી વધુની હાજરી તો ધરપકડ એકની જ કેમ?
ગુનેગારો છુટી જવાએ કાયદાની સ્થીતી મુલવવામાં તંત્ર કાચુ?
ભારતીય સંવિધાનમાં નવાણું ગુનેગાર ભરે છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ તેના કારણે જ કાયદાની કેટલીક મર્યાદાનો રીઢા ગુનેગારો ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે. કાયદાની આટીઘુટી અને છટકબારીના કારણે જ પોલીસમાં કરપ્શનનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. કાયદાની મર્યાદા અને પોલીસની ભ્રષ્ટ રીત રસમના કારણે જ ગુનેગારો પોતાની મનમાની કરી રહ્યા છે. પોલીસે ઠેબચડાથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધાનું જાહેર કર્યુ પરંતુ દારૂ પ્રકરણની સાથે વાડીમાં ગેર કાયદે ઘુસણખોરી, ખોટુ કબ્જાગ્રસ્ત અને માલીકીપણું સાબીત કરવામાં પોલીસ ગોટે ચડી કે, જાણી જોઇને વાડીનો કબ્જો બુટલેગર કોળી શખ્સનો બતાવવામાં આવી રહ્યો છે. પોલીસની આ રીતની કાર્યવાહીથી અંતે તો બુટલેગરને જ છુટવું સરળ બને છે.
ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ. અંસારી સહિતના સ્ટાફે ગઇકાલે ઠેબચડા ગામની વાડીમાંથી રૂા.૨.૦૭ લાખની કિંમતની રોયલ ચેલેન્જ વ્હીસ્કી, મેકડોવેલ્સ નંબર ૧ અને પાર્ટી સ્પેશ્યલ બ્રાન્ડની ૫૬૪ બોટલ વિદેશી દારૂ સાથે ઠેબચડાના ખીમા નાથા વાઢેર નામના કોળી શખ્સની ધરપકડ કરી છે.
પોલીસે દારૂ જ્યાંથી કબ્જે કર્યો તે વાડીની માલીકી કોની છે તે નક્કી કરવામાં ઇરાદા પૂર્વક બેધ્યાન બની કોળી શખ્સના કબ્જાની વાડીમાંથી દારૂ કબ્જે કર્યાનું ફરિયાદમાં બતાવ્યું છે. વાડીનો કબ્જો કોળી બુટલેગરનો નથી કે માલીકી પણ ન હોવા છતાં પોલીસે વાડીનો કબ્જો કોળી શખ્સનો ફરિયાદમાં બતાવી પોલીસ ગોટે ચડી છે.
સામાન્ય જુગારનો કેસ કરવામાં આવે ત્યારે પણ મકાન માલીક નક્કી કરવા માટે લાઇટ બીલ જેવા જરૂરી ડોકયુમેન્ટ માગવામાં આવે છે ત્યારે આટલો મોટો દારૂનો જથ્થો ખીમા વાઢેર પાસેથી પકડી લીધો તે વાડીની માલીકી કોની અને વાડી માલીકનું નિવેદન નોંધવું પણ જરૂરી હોય છે. પોલીસે દારૂ પ્રકરણમાં વાડી માલીકી અંગે તો ભુલ કરી તે રીતે દારૂના જથ્થામાં પણ ગરબડ કરી હોવાની ઠેબચડાના ગ્રામજનો કહી રહ્યા છે. એક તરફ દારૂ અંગે દરોડો પાડી પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ હતી અને બીજી તરફ ત્યાં જ દારૂનું વેચાણ ચાલુ હતું તે પોલીસના ધ્યાને કેમ ન આવ્યું કે પોલીસ દ્વારા જ કબ્જે કરેલા પરંતુ કાગળ પર ન બતાવેલા દારૂનું વેચાણ થતું હોવાનું ઠેબચડાના ગ્રામજનો કહી રહ્યા છે. વાડીની માલીકી કોળી શખ્સની નથી એટલું જ નહી તેને કરેલી ગેર કાયદે ઘુસણખોરી સામે પણ સુપ્રિમ કોર્ટના આદેશથી જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા કબ્જો સોપવા અંગેના હુકમ પરથી કોળી શખ્સનો કબ્જો પણ કહી ન શકાય તેમ છતાં પોલીસ દ્વારા વાડીનો કબ્જો બુટલેગર ખીમા નાથા વાઢેરનો ગણાવી દારૂ પ્રકરણમાં ઝડપેલા શખ્સને છુટવા માટે આડકતરી રીતે પોલીસ દ્વારા જ મદદરૂપ થયાની ચર્ચાએ ચકચાર જગાડી છે.