સાસણ નજીક દેવળીયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના ગુરૂવારે સવારે દેવળીયા સફારી પાર્કમાં બની હતી. આ હુમલામાં પાર્કમાં મજૂર તરીકે કામ કરતાં રજનીશ કેશવાલાનું મોત નિપજ્યું છે. સિંહે હુમલો કર્યો તે સમયે ત્યાં હાજર અન્ય એક મજુર દિનેશે, રજનીશને બચાવવાના પ્રયાસો કર્યાં હતા. જો કે સિંહે દિનેશ પર પણ હુમલો કર્યો હતો. જો કે દિનેશ સિંહના પંજામાંથી છટકવામાં સફળ રહ્યો હતો અને આ હુમલા અંગે વન વિભાગને જાણ કરી હતી.
સિંહના હુમલામાં ઘાયલ થયેલાં દિનેશને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રજનીશને સાવજ જંગલમાં ઘસડીને લઈ ગયો હતો. ત્યારે વન વિભાગે તેને શોધવાના ઘણાં પ્રયાસો કર્યાં હતા.
રજનીશ કેશવાલાને શોધવા ગયેલા એક ફોરેસ્ટર પર પણ સિંહે હુમલો કર્યો હતો. જો કે તેને સામાન્ય ઈજા જ થઈ હતી. ત્યારે તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.