અમરેલીના પનીયા અને સાવરકુંડલા વિસ્તારમાંથી બે સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા
સાવજોની ઘટતી જતી સંખ્યા મુદ્દે રાજય તેમજ વન વિભાગ સતર્ક બન્યુ છે ત્યારે સિંહના બચાવ માટે કેટલીક હોસ્પિટલો, અટકેલા પ્રોજેકટો અને ડોકટરોની ટીમ કાર્યરત કરવામાં આવી છે ત્યારે એકાએક ૨૩ સિંહોના મોત બાદ દેશભરમાં ચકચાર મચી ગયો હતો. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના ગીરના જંગલોમાં વધુ બે સિંહ બાળના મૃતદેહથી જંગલ વિભાગ મુશ્કેલીમાં આવ્યું છે.
બે સિંહ બાળના મૃત્યુનું કારણ સાવજના મેટીંગ પીરીયડ ઈનફાઈટ હોવાનું સામે આવ્યું છે. જયારે માદા સિંહણ મેટીંગ પીરીયડ માટે ૪ વર્ષની થાય છે ત્યારે સક્ષમ બને છે ત્યારે નર સિંહોમાં ૩ થી ૫ વર્ષની વયે તેઓ રી-પ્રોડકશન માટે તૈયાર થાય છે. આ વચ્ચેની ઈનફાઈટમાં બે બાળ સિંહના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાતના અમરેલી જિલ્લાના ગીરના જંગલોમાં બે સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગના અધિકારીએ ડી.ટી.વાસવદાએ જણાવ્યું કે, પનીયા અને સાવરકુંડલામાં મળી આવેલા બે સિંહ બાળ સંભવત ઈનફાઈટનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ છતાં આ બંને સિંહ બાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે.
મહત્વનું છે કે પનીયા રેન્જમાં વન અધિકારીઓએ એક સિંહને જોયો હતો અને સંભવત: તેણે જ આ સિંહ બાળ પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલ સાવજોનો મેટીંગ પીરીયડ ચાલી રહ્યો છે. જેને કારણે સિંહોમાં અંદરો અંદર હુમલા થઈ રહ્યા છે અને તેને પગલે જ આ સિંહ બાળો પણ ભોગ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યુંં છે.
અગાઉ સપ્ટેમ્બરમાં ૨૩ સિંહોના મોતે સમગ્ર ગુજરાત તેમજ ભારતના લોકોને હચમચાવી મુકયા હતા. આ સિંહો કેનાઈન નામના વાયરસનો ભોગ બન્યા હતા. જેમાં તેમને તાવ આવ્યો અને મોતને ભેટયા જોકે ત્યારબાદ સત્વરે જ વન વિભાગે ૩૬ સિંહોને ત્રણ વિભાગમાં સલામત સ્થળે ખસેડી પ્રતિરોધક રસી આપી બચાવી લેવાયા હતા.