લાયન સફારી પાર્ક પાસે 9 હેક્ટર જમીનમાં વૃક્ષો ન હોય ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરી પ્રાણીઓથી સુરક્ષિત કરવા રૂ.23.64 લાખના ખર્ચે કાંટાળા તાર સાથે ચેઇન લીંક ફેન્સીંગ કરાશે
શહેરના લાલપરી-રાંદરડા તળાવની કાંઠે આવેલા પ્રદ્યુમન પાર્ક પાછળની બંજર જમીન પર લાયન સફારી પાર્ક બનાવાની ઘોષણા કોર્પોરેશન દ્વારા ગત બજેટમાં કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ આ પ્રોજેક્ટ આગળ ધપી શક્યો નથી. દરમિયાન હવે લાયન સફારી પાર્ક પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. જે વિસ્તારમાં સફારી પાર્ક બનવાનો છે. તે 9 હેક્ટર જમીન વરતે ફેન્સીંગ કરવા માટે રૂ.23.64 લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પ્રદ્યુમન પાર્ક ઝૂ માત્ર રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રભરના સહેલાણીઓના માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહિં પ્રાણી સંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવા સ્થળ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્કની પૂર્વ દિશાએ સર્વે નં.144, 145, 150 અને 638ની કુલ 38 હેક્ટર જમીન પૈકી 29 હેક્ટર જમીન પર લાયન સફારી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 9 હેક્ટર જગ્યા પર બિલકુલ વૃક્ષો ન હોવાના કારણે ચાલુ વર્ષે જ વૃક્ષારોપણ કરવા અને આ છોડને માલઢોરથી સુરક્ષિત કરવા માટે અંદાજે 2900 રનિંગ મીટરમાં કાંટાણા તાર સાથે ચેઇન લીંક ફેન્સીંગ કરવા માટે રૂ.23.64 લાખના ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 11 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આચાર સંહિતાનો ભંગ ન થાય તેવી જ દરખાસ્તો સ્ટેન્ડિંગના એજન્ડામાં લેવાય છે: પુષ્કર પટેલ
વોર્ડ નં.15ની બે બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવાની છે. હાલ આચાર સંહિતા અમલમાં છે. દરમિયાન ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ માત્ર વોર્ડ નં.15ને લાગૂ પડે તેવા નિર્ણયો લેવા નહિં તેવું જણાવવામાં આવ્યું છે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માટે એજન્ડા આજે પ્રસિદ્વ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આચાર સંહિતાનો ભંગ ન થાય તેવી જ દરખાસ્તનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
તબીબી સહાયની દરખાસ્તો ફરી આવી !
કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ તથા તેઓના પરિવારજનોને નિયમ મુજબ તબીબી આર્થિક સહાય આપવામાં આવે છે. દરમિયાન ગત સ્ટેન્ડિંગમાં તબીબી સહાયની તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી અને એવું સૂચન કરવામાં આવ્યું હતું કે કટકે-કટકે આવી દરખાસ્તો મોકલવાના બદલે એકસાથે બે મહિને દરખાસ્તો મંજૂરી અર્થે મોકલવા માટે સૂચના આપવામાં આવી હતી. છતાંય આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 11 પૈકી 7 દરખાસ્તો માત્ર તબીબી સહાયની છે. જો કે, તે પૈકી 6 દરખાસ્તો ગત સ્ટેન્ડિંગમાં જે પેન્ડિંગ રખાઇ હતી તે છે. બાકીની એક દરખાસ્ત નવી છે.