નરેન્દ્રમોદીનાં ડિઝીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ઉંધા માથે અધિકારીઓ લાગી ગયા છે દરેક સરકારી વિભાગોને ડિઝીટલ કરવાની કવાયત પુરજોશમાં ચાલી રહી છે. પ્રારંભીક અડચણો પછી ધીરે-ધીરે સિસ્ટમ ડીઝીટલ મોડમાં કનવર્ટ થવા લાગી છે ત્યારે પહેલી ફેબ્રુઆરીથી લાગુ થયેલી ઇ.વે. બિલની સિસ્ટમની વેબ સાઇટ જામ જઇ જતા સરકારી તંત્ર દોડતું થઇ ગયું છે જ્યારે વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.
આ ઇ-વે બીલની સિસ્ટમ પ્રમાણે ૫૦ હજારથી વધુની કિંમતનાં માલ સામાનની હેરફેર માટે સરકારે વેપારીઓ અને ટ્રાન્સ્પોર્ટટો માટે ઇ-વે બીલ ફરજીયાત બનાવ્યા છે. ત્યારે સરકારી તંત્ર ખુદ આ મામલે ઉણી ઉતરી છે. પહેલી ફેબ્રુઆરી એ જ આ વેબ સાઇટ ક્રેશ થઇ જતા વેપારીઓ માટે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
જીએસટી લાગુ થયા પછી ઇમાનદારીના મામલે તેમજ પ્રામણિકતાના મામલે વેપારી જેટલી સજ્જતા સરકારી તંત્ર તરફે કેળવવામાં આવી નથી. ગુજરાતમાં આંતરીક પરિવહન કરવા માટે ૧૯ ચીજવસ્તુઓને તેમજ રાજ્ય બહાર પરિવહનીત તમામ પ્રોડક્ટ ઉપર માલની સાથે ઇ-વે બીલ હોવુ ફરજીયાત બનાવાયુ છે, બીલ સાથે ન હોવાની સ્થિતિમાં ટ્રાન્સપોર્ટરને દંડીત કરવાનું પણ પ્રાવધાન રાખવામાં આવ્યું છે. આવા સંજોગો વચ્ચે પહેલી ફેબ્રુઆરી એજ સિસ્ટમ ક્રેશ થઇ જતા માલ-સામાનનું પરિવહન અટકી પડે તેવી સ્થિતિાનું નિર્માણ થયું છે.
જો ટ્રાન્સપોર્ટર ઇ-વે બીલ સિવાય માલ રવાના કરે તો દંડીત થવાનો સંદેશો રહે છે અને જો માલ રવાના ન કરે તો ડિલિવરી મોડી પડે જેનાથી વેપારીઓના ધંધા-વેપાર ઉપર અસર પડે એમ છે. આમ સૂડી વચ્ચે સોપારી જેવી હાલતમાં હાલતો વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો આવી ગયા છે.
સરકારી તંત્રએ પહેલા પોતાની તરફે રહેલી ખામીઓ દૂર કરીને આવી સિસ્ટમ દાખલ કરવી જોઇએ એવી લાગણી પ્રવર્તી રહી છે.