રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ બનાવવાની કામગીરી ચાલતી હોવાના કારણે બ્રિજમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ સતત પાણી ટપકી રહ્યું છે: ફરિયાદ મળતાં કોર્પોરેશને ટીમ દોડાવી
જૂના રાજકોટ અને નવા રાજકોટને જોડતા લક્ષ્મીનગરના નાલા પર કોર્પોરેશને 42 કરોડ રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવ્યો છે. જેનું લોકાર્પણ ગત 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂ5ેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજને સીએસડી જનરલ બિપીન રાવત નામ આપવામાં આવ્યું છે. 11 માસ પૂર્વે ખૂલ્લા મૂકાયેલા બ્રિજમાં પાણી ટપકી રહ્યું છે. જો કે, અધિકારીઓ એવો દાવો કરી રહ્યાં છે કે ગર્ડરના જોઇન્ટ્સમાંથી પાણી ટપકી રહ્યું છે. જે ટેકનિકલ ફોલ્ટ છે. ચિંતાનો કોઇ મોટો વિષય નથી.
રેલવે વિભાગ દ્વારા ભક્તિનગર સ્ટેશન ખાતે નવા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના બાંધકામ માટે પાણીનો વપરાશ વધુ રહે છે. આટલું જ નહિં સિમેન્ટના બાંધકામ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવતો હોવાના કારણે લક્ષ્મીનગર બ્રિજની છત પરથી અલગ-અલગ ત્રણ જગ્યાએ પાણી ટપકતું હોવાની સંભાવના જણાય રહી છે. 42 કરોડના ખર્ચે બનેલા અને 11 માસ પૂર્વે વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકવામાં આવેલા બ્રિજમાં અલગ-અલગ ત્રણ સ્થળેથી પાણી ટપકતું હોવાની ફરિયાદ ઉઠતા આજે કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.
હજુ કોન્ટ્રાક્ટર પર મેઇન્ટેન્શન્સની જવાબદારી હોવાના કારણે તેને પણ આ લીકેજ અંગે જાણ કરી દેવામાં આવી છે અને તાત્કાલીક અસરથી લીકેજ બંધ થાય તે માટે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અધિકારીઓ એવો પણ દાવો કરી રહ્યાં છે કે જોઇન્ટ પર ગમે તેટલી વોટર પ્રૂફીંગ માટેની કામગીરી કરવામાં આવે તો પણ જ્યારે પાણીનો ભરાવો વધુ થતો હોય ત્યારે સામાન્ય લીકેજની ઘટના બનતી હોય છે. આ એક ટેકનિકલ વિષય છે. જેમાં મોટી ચિંતા કરવા જેવું નથી. બ્રિજની ઉપર હાલ રેલવે વિભાગ દ્વારા જે બાંધકામ ચાલી રહ્યું છે તે બંધ થતાંની સાથે જ આપોઆપ લીકેજ બંધ થઇ જશે. છતાં બ્રિજના કોન્ટ્રાક્ટરને લીકેજ અંગે જાણ કરી તાત્કાલીક રિપેરીંગની સૂચના આપવામાં આવી છે.