-
પોલીસે બંને મૃતદેહોને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
-
લીંબડી પોલીસે અકસ્માતે મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે
Limdi: બોરાણા ગામના બે યુવકોના મૃતદેહો ઉઘલ ગામની સીમમાંથી પસાર થતી ભોગાવો નદીના ખાડામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નદી કાંઠે પસાર થતા લોકોને નદીમાં કિનારે બે મૃતદેહો તરતા નજરે પડતા ગામલોકો અને લીંબડી પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને મૃતદેહોને ગામ લોકોની મદદ થી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતદેહોની ઓળખ વિધિ હાથ ધરી હતી.
જે દરમિયાન આ બંને યુવાનો લીંબડી તાલુકાના બોરાણા ગામના રાજેશ ધીરૂ ઉઘરેજીયા તથા વિક્રમ ગફૂર ઉઘરેજીયા હોવાનું જાણવા મળ્યું હતું. શનિવારે સાંજે ઉઘલ ગામે માતાજીનો માંડવો હોવાથી બંને યુવાનો બાઇક લઇ ને દર્શન કરવા માટે નીકળ્યા હતા. નદીના કાચા માર્ગે રેતી માફીયાઓ એ ખોદેલા ખાડામાં બાઇક સ્લીપ થતાં બંને યુવાનોનો ઉંડા પાણીમાં ગરકાવ થતાં ડૂબી જવાથી તેમના મોત નીપજ્યાં હોવાનું હાલ સામે આવ્યું હતું. ત્યારે હાલ લીંબડી પોલીસે અકસ્માતે મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અશ્વિનસિંહ રાણા