અબતક-રાજકોટ
લીંબડી તાલુકાના ભથાલ ગામે એક સપ્તાહ પહેલા મેલડી માતાજીના મંદિરમાં પગ લપસતા પડી જતા ત્રિશુલ છાતીમાં ઘુસી જવાના કારણે યુવાનનું મોત થયું હતું જે તે વખતે બનાવ અકસ્માતનો હોવાનું જણાવ્યા બાદ પોલીસ તપાસમાં ઘટના હત્યાની હોવાનું બહાર આવતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ગત 15-9-21ના લીંબડીના ભથાલ ગામે મેલડી માતાજીના મંદિરે અકસ્માતે પગ લપસતા વિજય દાનુભાઈ ઉગરેજીયા (ઉ.35) પડી જતાં માતાજીનું ત્રિશુલ છાતીમાં ઘુસી જતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અકસ્માતનો હોવાની પોલીસમાં જાહેરાત થતાં પોલીસે એડી નોંધી જીણવટભરી તપાસ હાથ ધરતા બનાવ શંકાસ્પદ હોવાનું ખુલ્યું હતું અને મરનાર યુવાનની હત્યા થયાનું બહાર આવ્યું હતું.
પોલીસે મૃતક યુવાનના પરિવારજનોની સઘન પુછપરછ કરતા મરણજનારનો ભાઈ પપ્પુ દાનુભાઈ ઉગરેજીયા સમગ્ર ઘટના જાણતા હોવા છતાં ચુપ રહ્યાં હતા. આ અંગે પોલીસે મૃતક યુવાનની પત્ની મીનાક્ષી વિજય ઉગરેજીયાની ફરિયાદ પરથી ખુનનો ગુનો નોંધી દીયર પપ્પુ દાનુભાઈ ઉગરેજીયા અને સસરા દાનુભાઈ ચતુરભાઈ ઉગરેજીયાની ધરપકડ કરી હતી.
આ કામગીરી પાલશીણાના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.