મેડિકલ વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન રજીસ્ટર કર્યા બાદ યુવતીએ મહિલા સહાયતા કેન્દ્રની મદદ લીધી
લીંબડી તાલુકાના એક ગામની અને રાજકોટ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી યુવતીને તેના જ કુટુંબીભાઈ યુવક સાથે આંખ મળી ગઈ હતી. યુવક અવારનવાર યુવતીને મળવા રાજકોટ જતો હતો. યુવતી મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. યુવક 12 સુધી ભણેલો હતો. યુવાન યુવતીને લગ્ન કરવા દબાણ કરતો હતો. રાજકોટમાં લગ્ન રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. બન્નેએ હાર પહેરેલા ફોટા પડાવી લીધા હતા. જેને એક વર્ષ જેટલો સમય થયો.
એક વર્ષમાં યુવક યુવતીને ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. યુવતીને બહાર આવવા-જવા અને કપડા પહેરવા પર રોકટોક કરવા લાગ્યો હતો. યુવતીને અભ્યાસમાં પણ મુશ્કેલી ઊભી કરતો હતો. યુવક સાથે પ્રેમ સબંધ નહીં પરંતુ ક્ષણિક આકર્ષણ હતું તેવું યુવતીને સમજાય ગયું હતું. પરંતુ લગ્નનું રજિસ્ટ્રેશન યુવતીને બાંધી રાખતું હતું. દિનપ્રતિદિન યુવકનો ત્રાસ વધતા યુવતીએ સમગ્ર ઘટના અંગે પિતાને જાણ કરી હતી. પિતાએ યુવક અને તેના પરિવારજનોને સાથે વાત કરી છૂટાછેડા લેવાની વાત કરી હતી.
પરંતુ યુવક તૈયાર થયો નહોતો. યુવતીના પિતા લીંબડી પોલીસ મથકે મહિલા સહાયતા કેન્દ્રમાં સમગ્ર ઘટના અંગે જાણ કરી અરજી દાખલ કરાવી હતી. બેઈઝ સપોર્ટના કાઉન્સેલર ગીતાંજલિબેન સોલંકી અને નિર્મળાબેન પનારાએ અરજી અનુસંધાને યુવક અને તેના વાલીઓને બોલાવી ચર્ચા કરી હતી. યુવક કોઈપણ સંજોગમાં માનવા તૈયાર નહતો સેન્ટર પર યુવકના વકીલને બોલાવવામાં આવ્યા હતા. યુવક આગળ કાર્યવાહી કરવા માંગીએ છીએ તેવું રટણ કરતો. મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલરોએ બન્ને પક્ષકાર સાથે 4 બેઠકો યોજી હતી. કાઉન્સિલિંગ કરી આખરે યુવકને છૂટાછેડા લેવા સમજાવ્યો હતો. બન્નેના છૂટાછેડા કરાવ્યા હતા. પ્રેમ સબંધમાં અંધ બનેલી યુવતીને છૂટાછેડા બાદ યુવકના એક પક્ષીય પ્રેમ સબંધમાંથી છૂટકારો મળ્યો હતો.