દિવાળી પછી એટલે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પર્વતને ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણાને ગિરનારની પરિક્રમા કહેવામાં આવે છે. ચોમાસા પછી હરિયાળીથી ભરેલ ગિરનાર પર્વત ફરતે કરવામાં આવતી આ પરિક્રમાને દેશી ભાષામાં “લીલી પરકમ્મા” પણ કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગરવા ગિરનારની લીલી પરિક્રમાને લીલીઝંડી મળી ગઈ છે. આ વર્ષે એક વર્ષના વિરામ બાદ ગરવા ગિરનારની લોકો પરિક્રમા કરી શકશે પરંતુ આમાં કડક નિયમો લદાયા છે.
ગત વર્ષે કોરોના મહામારીને કારણે જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી. જો કે આ વર્ષે નિયત સંખ્યામાં લોકોને પરિક્રમાની મંજૂરી આપવામાં આવી છે. માત્ર 400 લોકો પરિક્રમામાં જોડાઈ શકશે. આ દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ-19ને સુસંગત નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
આ વર્ષે લીલી પરિક્રમા યોજવી કે કેમ તે અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. 400 લોકોની મર્યાદામાં લીલી પરિક્રમાને છૂટ આપવાનો કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં સાધુ, સંતો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.