કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષાઓને લઈ લેવાયેલા નિર્ણયના પગલે અસમંજસ દૂર થઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કોર્ષમાં છેલ્લા સત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે. કેન્દ્ર સરકાર દ્વારા આ પરીક્ષાઓને લઈને ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. અલબત હજુ સુધી પરીક્ષાઓ માટેનું સમયપત્રક જાહેર કરાયું નથી. યુજીસીની ગાઈડ લાઈન મુજબ આ પરીક્ષાઓ લેવાશે.
કોરોના મહામારીના પગલે ઘણા સમયથી શૈક્ષણિક કાર્યો ખોરંભે પડ્યા છે. પરીક્ષાઓ લેવી કેે નહીં તેવી અસમંજસ શૈક્ષણિક સંસ્થાઓને છે ત્યારે કેન્દ્ર દ્વારા અપાયેલી મંજૂરીને લઈ હવે કેટલીક પરીક્ષાઓ લેવાય તેવી શકયતા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ બાબતોના સચિવને પાઠવેલા પત્રમાં યુનિવર્સિટી તેમ જ શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા યોજવા માટે મંજૂરી આપી છે.આ શૈક્ષણિક સંસ્થાઓ કોવિડ-૧૯ના ફેલાવાને અંકૂશમાં લેવા માટે આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (એસઓપી) પ્રમાણે પરીક્ષાનું આયોજન કરી શકશે. એમએચએ દ્વારા જારી યાદી પ્રમાણે મંત્રાલયે વિવિધ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓનું યોજવા અંગે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ બાબતના સચિવને એક પત્ર લખ્યો છે.
ગૃહ મંત્રાલયએ યુનિવર્સિટી તેમ જ શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા યોજવા માટે પરવાનગી આપી છે. અંતિમ વર્ષની પરીક્ષા યુજીસી દ્વારા નક્કી કરવામાં આવેલી પરીક્ષાને લગતી માર્ગદર્શિકા તેમ જ યુનિવર્સિટીના શૈક્ષણિક કેલેન્ડર તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (એસઓપી) પ્રમાણે યોજવી જરૂરી છે.