દારૂના ગુનામાં જેલમાંથી છૂટીને આવેલા યુવકને ગોળી ધરબી દીધી: હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
લીલીયામાં ગઇ કાલે સરાજાહેર યુવાન પર ફાયરિંગ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પોલીસે ત્રણ શખસો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ ’ તું કેમ ’જેલમાં મારી ખોટી વાત કરે છે?’ તેવું કહી ફાયરિંગ થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીલીયામાં ગામોટી શેરીમાં રામજી મંદિર પાસે રહેતા કિશન સુરેશભાઈ દવે પર તેના જ મિત્ર રણજીત જેતુ ધાધલ અને તેના સાગરીત સમીર અલારખા સમા અને અજાણ્યા શખ્સે ફાયરિંગ કરી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
કિશન દવેએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે દારૂના ગુનામાં જેલમાં હોય જ્યાંથી ત્રણ માસ બાદ છૂટ્યો હતો. જેલમાંથી આવ્યા બાદ કિશને તેના મિત્ર રણજીત ધાધલને કોલ કર્યો હતો. જેમાં રણજીતે ’ તું કેમ જેલમાં મારી ખોટી વાતો કરે છે?’ તેમ કહીને ગાળો ભાંડી હતી. ત્યાર બાદ બીજા દિવસે રણજીત અને સમીર તથા એક અજાણ્યો શખ્સ સ્કૂટર પર આવી કિશન પર ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં એક ગોળી કિશનને પગમાં ઘુસી ગઈ હતી. જ્યારે સમીરે છરી વડે હુમલો કરતા કિશનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાની નોંધ કરી રણજીત, સમીર અને એક અજાણ્યા શખ્સ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તેઓની શોધખોળ હાથધરી છે.